Western Times News

Gujarati News

વરસાદ સાથે પવન ફુંકાતા અમદાવાદીઓની ઊંઘ ઉડી

અમદાવાદ, બુધવારથી સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં અચાનક આવેલા પલટા વચ્ચે મોડી રાત્રે જાેરદાર પવન સાથે વરસાદના ઝાપટાં પડતાં અમદાવાદ ઠંડુગાર બન્યું હતું. પવનની ઝડપ એટલી જાેરદાર હતી કે તેના કારણે ઘણા લોકોની ઊંઘ ઉડી ગઈ હતી.

વળી, રાતના તાપમાનમાં મોટો ઘટાડો થતાં લોકોને રજાઈ ઓઢીને ઊંઘવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા બે સાયક્લોનિક સર્ક્‌યુલેશનને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના લીધે ઠેર-ઠેર વરસાદ પડતાં અમદાવાદ સહિતના અનેક ભાગોમાં જાણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે.

શિયાળામાં વરસાદી માહોલને કારણે બુધવારે અમદાવાદમાં દિવસનું તાપમાન પણ ૨૨-૨૪ ડિગ્રીની આસપાસ રહેતા લોકો આખો દિવસ સ્વેટર-જેકેટ પહેરીને ફરતા જાેવા મળ્યા હતા. વળી, સાંજના સમયે ઝરમર વરસાદ શરુ થતાં ઓફિસેથી ઘરે જનારા લોકો પણ પલળ્યા હતા. વરસાદને લીધે મોડી રાત સુધી લોકોની ચહલપહલ ધરાવતા વિસ્તારો પણ સૂમસામ બની ગયા હતા. રાજ્યના કેટલાક ભાગોમાં ધુમ્મસ જેવો માહોલ સર્જાતા વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યા નડી હતી.

રાજ્યના અનેક ભાગોમાં ઝરમર વરસાદ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક હિસ્સામાં એક ઈંચ જેટલો વરસાદ પણ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હજુ આજનો દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જાેવા મળી શકે છે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની સાથે ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ શક્યતા છે. આકાશ સતત વાદળોથી ઘેરાયેલું હોવાના કારણે તડકો પણ ના નીકળતા તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં બુધવારે ૧૩૪ મીમી વરસાદ પડ્યો છે.

જ્યારે મહત્તમ તાપમાનમાં ૧૦-૨૦ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વરસાદને લીધે ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. તેના કારણે ન માત્ર રવિ પાકને નુક્સાનની ભીતિ છે, પરંતુ કેટલીક જગ્યાએ માર્કેટ યાર્ડમાં પડેલી ખેતપેદાશો પણ પલળી ગઈ છે.

કમોસમી વરસાદને લીધે કપાસ, તુવેર અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જાેકે, શુક્રવારથી આકાશ સ્વચ્છ થવાની શક્યતા છે, અને તેની સાથે દિવસના તાપમાનમાં પણ ચાર-પાંચ ડિગ્રી જેટલો વધારો થશે. શનિવારથી દિવસનું તાપમાન ૩૦ ડિગ્રીની આસપાસ રહી શકે છે, જ્યારે મોડી સાંજે અને વહેલી સવારે તાપમાન ૧૬-૧૭ ડિગ્રી જેટલું રહેતા ઠંડીનો અનુભવ થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.