Western Times News

Gujarati News

સસ્તા ભાવે સોનાના બિસ્કીટ લેવા જતાં સુરતના વેપારીને ૧૦.૫૦ લાખનો ચુનો લાગ્યો

સુરત, લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે તે ઉક્તિને સાર્થક કરતા અનેક કિસ્સાઓ ભુતકાળમાં બની ગયા છે અને સસ્તા ભાવે સોનું, સોનાના સિક્કા, ડોલર લેવાની લાલચમાં અનેકો ઠગ ટોળીની મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા હોવાના સમાચારો અવાર-નવાર અખબારોના પાને ચમકતા હોવા છતાં પણ હજીય પણ લાલચમાં આવી જઈને શિક્ષિત લોકો ઠગાઈનો ભોગ બની રહ્યા છે.

આવો જ એક કિસ્સો મહુધા તાડલુકાના સાસ્તાપુરા ગામે બન્યો છે. જયાં સુરતના એક વેપારીને સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાના બહાને પાંચ શખ્સોએ ભેગા મળીને ૧૦.૫૦ લાખનો ચુનો ચોપડીને ફરાર થઈ ગયા છે.

મળતી માહિતી અનુસાર સુરતના કતાર ગામે રહેતા વિશ્વવરભંર ગૌતમભાઈ ઝરીવાલા સુરતના ભવાનીવડ હરિપુરા વિસ્તારમાં જૈનીથ સેલ્સ નામે એ.સી.નો શો રૂમ ચલાવે છે. શહેરના પાર્લ પોઈન્ટ વિસ્તારમાં રહેતા સંજીવ ઉર્ફે લાલા શોરૂમના કાયમી ગ્રાહક હોય બન્ને વચ્ચે સારા સંબંધો બંધાયા હતા.

લોકડાઉનના સમયમાં વિશ્વવરભંર અને તેમના શો રૂમ પર કામ કરતા એક વ્યક્તિ બંને લોકો વિશ્વવરભંરના મિત્રના ઘરે ગયા હતા. જ્યાં આ મિત્રે ખેડા જિલ્લાના મહુધાના સાસ્તાપુર ગામે એક વ્યક્તિ છે જેની પાસે વડવાઓના સમયનું સોનું છે અને તે આ સોનાને બજાર ભાવ કરતા ૧૦ થી ૧૫ ટકા જેટલું સસ્તું આપે છે.

જે સોનું લઈને બજારમાં વેચાણ કરીએ તો સારો ફાયદો થાય તેમ છે. જેથી વિશ્વવરભંર લલચાયા હતા અને ગત તા. ૪-૮-૨૦૨૦ના રોજ તેઓ તથા તેમની સાથે નોકરી કરતો વ્યક્તિ, સંજીવ ઉર્ફે લાલો તેમનો સહભાગીદાર પ્રેયસ છાપઘર (રહે. ઉધાન, સુરત) તથા આ સોનાની ખરાઈ કરવા માટે સુરતના સોની એ તમામ કાર લઈને ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સાસ્તાપુર ગામે આવ્યા હતા. જ્યાં આ સોનું આપનાર શૌકત મલેક અને મહેશ પટેલ નામના ઈસમો સાથે બેઠક કરી હતી.

તેઓ સોનાનું ૧૦૦ ગ્રામનું બિસ્કીટ લઈ આવ્યા જે પારખતાં આ અસલી હોવાનું જણાયું છે. જેથી વિશ્વવરભંર તેમની સાથે આવેલા મિત્રોએ ખરીદવાની તૈયારી બતાવી હતી અને વધુ સોનાના બિસ્કીટ ખરીદવા ટોકન પેટે ૫૦ હજાર રૂપિયા પણ આપી દીધા હતા.

થોડા દિવસ બાદ સંજીવે વિશ્વવરભંરને જણાવ્યું કે શૌકતભાઈને ત્યાં બિસ્કીટ તૈયાર છે જેને લેવા આપણે આવતીકાલે જવાનું છે. જેથી ૧૨ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ વિશ્વવરભંર ૧૦ લાખ રૂપિયા લઈને અન્યો સાથે સોનું લેવા આવ્યા હતા.

શૌકતભાઈ અને મહેશભાઈએ એક સોનાનું બિસ્કીટ અસલી બતાવ્યુ હતુ, બીજાની માંગણી કરતા તેમણે દશ લાખ રૂપિયા લઈને સોનાના બિસ્કીટ ગાડીમાં મૂક્યા છે તેમ જણાવીને દશ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. મોડી સાંજ સુધી રાહ જાેઈ તો પણ આ લોકો પરત આવ્યા નહોતા અને મોબાઈલ પણ સ્વીફ ઓફ કરી દીધા હતા.

સંજીવે નાણાં પરત અપાવી દેવાની હૈયાધારણા આપતા તમામ પરત સુરત આવી ગયા હતા. જાે કે આ બાદ સંજીવે મહુધાના શૌકત જાેડે સંપર્ક થવાનું વિશ્વવરભંરને જણાવી વધુ પૈસાની માંગણી કરી હતી અને ઓછી કિંમતમાં સોનું આપી દેવાનું જણાવ્યું હતું. જેથી આ પરત ગયેલા નાણાંને પરત લાવવા ફરીથી વિશ્વવરભંર ફરીથી વાતોમાં આવી ગયા હતા. અને તા. ૧૮-૮-૨૦૨૦ના રોજ પ્રેયસભાઈ સાથે મહુધાના સાસ્તાપુર ગામે આવ્યા હતા. શૌકતે પોતે બહાર ગયો છે પરંતુ સોનું ત્યાં રહેતા સીરાજભાઈ (રહે. સાસ્તાપુર) આપી દેશે તેમ જણાવ્યું હતુ.

જેથી વિશ્વવરભંર સીરાજને મળતા તેણે સોનાના બે બીસ્કીટ આપ્યા હતા. જે લઈને નડીઆદ ખરાઈ કરાવતા નકલી હોવાનું બહોર આવ્યું હતું. સીરાજ અને સૌકતનો મોબાઈલ પર સંપર્ક કરતા બંનેના ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યા હતા.

જેથી સમગ્ર પ્રકરણમાં વચ્ચે રહેલા સંજીવ ઉર્ફે લાલાએ કહ્યું કે પૈસા હું અપાવી દઈશ પણ છેલ્લે તેણે પણ હાથ અધ્ધર કરી દેતાં વેપારી વિશ્વવરભંર ઝરીવાલાએ સંજીવ ઉર્ફે લાલો ખડેપાવ (રહે. પાર્લ પોઈન્ટ, સુરત), પ્રેયસ છાપઘર (રહે. સુરત), મહેશ પટેલ, સીરાજ અને સૌકત (ત્રણેય રહે. સાસ્તાપુર, તા. મહુધા) સામે મહુધા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.