Western Times News

Gujarati News

સેના ધ્વજદિન નિધિમાં યોગદાન આપવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી દ્વારા અપીલ

માહિતી બ્યુરો, પાટણ,  દેશની રક્ષા કાજે પોતાના પરિવારથી દૂર સરહદ પર આપણા નવયુવાનો પોતાના જીવના જાેખમે ગ્લેશિયર્સ તથા લેહ-લદાખ જેવા શૂન્યથી પણ ઓછા તાપમાનની અતિ ઠંડી અને ભારે વરસાદ તથા રાજસ્થાન જેવી મરૂભૂમિના ગરમ પ્રદેશ જેવી અનેક મુશ્કેલીઓની વચ્ચે જીવે છે. આજે પણ તેઓ ત્યાં દેશના સીમાડાની રક્ષા કરે છે ત્યારે આપણે અહીં શાંતિથી રહી શકીએ છીએ.

જે દેશને માટે શહીદ થયા તેઓને જીંદગીની સાચી વસંત માણવાનો અવસર મળ્યો નથી. આપણા એવા વીર સપૂતો પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશના સીમાડાઓ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર દેશના આ સિપાહીઓ યુધ્ધ સિવાય કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કુદરતી પ્રકોપ, માનવસર્જિત અકસ્માત કે આપદાઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડે પગે રહી સમાજ અને દેશની અમુલ્ય સેવા બજાવવા અગ્રેસર રહે છે.

દેશની રક્ષા કરવા સતત તહેનાત રહેતા આપણા સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારી છે. શહાદત વહોરનારના પરિવારની સાર-સંભાળ રાખવી એ આમ દેશવાસીઓની નૈતિક ફરજ અને જવાબદારી બની જાય છે.

આપણા સૈનિકો પ્રત્યે આત્મીયતા અને સન્માનની લાગણીની અભિવ્યકિત કરી તેઓના મનોબળને દ્રઢ કરવાના આ અવસરે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં યથાયોગ્ય યોગદાન આપવા જિલ્લાના પ્રત્યેક નાગરિકોને મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે.

દાતાઓને આ ફાળાની રકમ ‘‘કલેક્ટર અને પ્રમુખશ્રી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણા’’ ના નામે રોકડમાં અથવા ચેક દ્વારા ‘‘જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જુની સરકારી વકીલના રૂમ નંબર ૬ અને ૭, રાજ મહેલ કમ્પાઉન્ડ, મહેસાણા-૩૮૪૦૦૧ને મોકલવા જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.