Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોરેશન પાસે રોડ કામ માટે નાણા અભાવનો આલાપ કેટલો સાચો ?

બજેટમાં રોડ કામ માટે જાહેર કરેલા ખર્ચની રકમ કરતા મળેલી ગ્રાન્ટ વધારે

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન પાસે નાણા નથી જેના કારણે રોડ-રસ્તાના કામો થઈ શકે તેમ નથી.” શહેર મ્યુનિ.કમિશનરે હાઈકોર્ટ સમક્ષ કરેલી આ મુજબની એફીડેવીટના પગલે મ્યુનિ.શાસકપક્ષ દ્વારા કરવામાં આવતા વિકાસના દાવાની હવા નીકળી ગઈ છે. મ્યુનિ.સત્તાધારી પાર્ટી તરફથી થોડા-થોડા દિવસોના અંતરે કરોડો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે.

જેની સામે વહીવટીતંત્રના વડાએ મ્યુનિ.કોર્પાેરેશનની તિજાેરી ખાલી હોવાની સ્પષ્ટ વાત કરી છે. આમ, શાસકપક્ષ અને વહીવટી તંત્ર પરસ્પર વિરોધી દાવા કરી રહ્યા છે.

જ્યારે નાગરીકો વધુ એક વખત મુખપ્રેક્ષક બનીને તમાશો જાેઈ રહ્યા છે. તથા સવાલ કરી રહ્યા છે કે શુ ખરેખર મ્યુનિ.તિજાેરી ખાલી થઈ ગઈ છે ? જાે તિજાેરી ખાલી થઈ હોય તો ઉત્સવ-મહોત્સવો માટે ખર્ચ ક્યાંથી થાય છે ? પ્રજાના પરસેવાની કમાણી ક્યાં જાય છે ? નાગરિકોને મુંઝવતા આ પ્રશ્નોનો સવાલ શાસકો અને વહીવટી તંત્રના વડા આપી શકે તેમ નથી. પરંતુ છેલ્લા બે વર્ષના બજેટ અને વાર્ષિક હિસાબના આંકડા પરથી તંત્રની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવી શકે છે.

મ્યુનિ.કોર્પાેરેશને કોરોનાના કારણે ૨૦૨૦-૨૧ના વર્ષમાં વિકાસલક્ષી કામો કર્યા નહતા. આ વર્ષ દરમ્યાન મનપા દ્વારા કોરોના સારવાર માટે અંદાજે રૂા.૬૦૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા. જેની સરકારે રૂા.૪૨૭.૬૪ કરોડ તંત્રને પરત આપ્યા હતા. મનપાને ૨૦૨૦-૨૧માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત રૂા.૫૮૫.૮૯ કરોડ, એમ.પી.એમ.એલ.એ ગ્રાન્ટ પેટે રૂા.૩૯.૧૦ કરોડ તથા નાણાપંચની ગ્રાન્ટના રૂા.૧૮૨ કરોડ સરકાર તરફથી મળ્યા હતા.

જેની સામે ૨૦૨૧-૨૨માં મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત રૂા.૫૧૧ કરોડ, મુખ્યમંત્રી સડક યોજના પેટે રૂા.૫૨ કરોડ, એમ.પી.એમ.એલ.એ. ગ્રાન્ટના રૂા.૨૧.૪૭ કરોડ તથા ૧૫માં નાણાંકીય પંચની ગ્રાન્ટના રૂા.૯૧ કરોડ મનપાની તિજાેરીમાં જમા થયા છે. પૂર્વ કમિશનરે ૨૦૨૦-૨૧માં જે “હાઈ-ફાઈ” બજેટ જાહેર કર્યુ હતું તેમાં વર્તમાન કમીશનરે મોટો કાપ મુક્યો છે. તથા એક અંદાજ મુજબ રૂા.૨૭૮૨.૯૧ કરોડના કામો મુલત્વી રાખ્યા હતા.

૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં પૂર્વ કમીશનરે રૂા.૫૪૫૭.૯૧ કરોડના વિકાસ કામ જાહેર કર્યા હતા. જેને રીવાઈઝ્‌ડ કરી રૂા.૨૬૭૫ કરોડ કર્યા હતા. તેવી જ રીતે રેવન્યુ ખર્ચ રૂા.૬૪૧૨ કરોડથી રીવાઈઝ્‌ડ કરી રૂા.૪૯૦૦ કર્યા હતાં. જેની સામે આવકમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો ન હતો. નોંધનીય બાબત એ છે કે મ્યુનિ.કોર્પાેરેશનને ૨૦૨૦-૨૧માં રૂા.૪૦૦ કરોડના બીલ રદ કર્યા હતા જે ૨૦૨૧-૨૨માં “કૈરી ફોરવર્ડ” કરવામાં આવ્યા છે. જેની અસર પણ મ્યુનિ.તિજાેરી પર જાેવા મળે છે.

“મ્યુનિ કમિશ્નરે રોડ બનાવવા નાણાં નથી”ની જે એફીડેવીટ કરી છે તે અંગે પણ ઘણો વિરોધાભાસ જાેવા મળી રહ્યો છે. શહેરનાં પાછલા બે-ત્રણ વર્ષમાં જે આવક થઈ હતી તથા જે રોડ કામ કરવામાં આવ્યા હતા. લગભગ તેલટી જ આવક ૨૦૨૧-૨૨માં થાય તેવો અંદાજ છે. તથા રોડ ખર્ચમાં કોઈ મોટો વધારો કરવામાં આવ્યો નથી. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં મ્યુનિ.ફંડમાંથી રોડ કામ માટે રૂા.૩૯.૦૩ કરોડ તથા સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી રૂા.૧૯૬.૪૪ કરોડ ખર્ચ કર્યા હતા.

જ્યારે ૨૦૨૦-૨૧માં મ્યુનિ.ફંડમાંથી રૂા.૩૪.૦૯ કરોડ અને સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી રૂા.૧૭૭.૩૯ કરોડ ખર્ચ કર્યા હતા. જેની સામે ૨૦૨૧-૨૨ના બજેટમાં મ્યુનિ.ફંડમાંથી રૂા.૯૦ કરોડ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી રૂ.૧૦૦ કરોડની ફાળવણી કરી હતી. જેની સામે ૩૧ જુલાઈ ૨૦૨૧ સુધી રૂા.૬૩.૮૯ કરોડ અને ઓગસ્ટ અંત સુધી રૂા.૭૯.૯૨ કરોડના કામ મંજૂર થયા છે.

નોંધનીય બાબત એ છે કે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી મનપાએ તમામ વિસ્તારોમાં રૂા.૨૧૪ કરોડના ખર્ચથી ૧૪૩ રોડ બનાવવા નિર્ણય કર્યા છે. જ્યારે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વધુ રૂા.૯૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેની સામે ૬૦ ટકા રકમ મનપાની તિજાેરીમાં જમા થઈ ગઈ છે. તેવી જ રીતે સ્વર્ણિમ ગ્રાન્ટના ૬૦ ટકા પણ જમા થયા છે. બજેટમાં રોડ-રસ્તા માટે માત્ર રૂ.૧૯૦ કરોડની જાહેરાત થઈ હતી તેની સામે સ્વર્ણિમ ગ્રાન્ટના રૂા.૨૧૪ કરોડ તથા મુખ્યમંત્રી સડક યોજનાના રૂા.૯૦ કરોડ મળી રૂા.૩૧૩ કરોડ મ્યુનિ.કોર્પાેરેશનને મળી આવ્યા છે. તેવા સંજાેગોમાં રોના કામો માટે “નાણાં નથી”નો આલાપને કેટલા અંશે ખરો માનવો ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.