Western Times News

Gujarati News

સિવિલના ઓમિક્રોન વોર્ડમાં સીએમની સરપ્રાઈઝ વિઝિટ

ગાંધીનગર, કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે આવામાં બીજી લહેરમાં જે પરિસ્થિતિનું નિર્માણ ના થાય તે માટેની જરુરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સાથે ઓમિક્રોનના હોસ્પિટલોમાં અલગથી વોર્ડ પણ ઉભા કરવામાં આવ્યા છે. આવામાં આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓચિંતી મુલાકાત માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

અહીં પહોંચીને તેમણે આગામી સમયમાં જરુર પડી શકે તેના માટે કેવી તૈયારીઓ સિવિલ હોસ્પિટલમાં કરાઈ છે તેની સમીક્ષા કરી હતી. ગાંધીનગર સિવિલમાં પહોંચેલા મુખ્યમંત્રી પટેલે ઓમિક્રોન અને કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ગોઠવવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે ત્યાં હાજર ડૉક્ટર અને સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલ પહોંચીને ત્યાંની સફાઈ, જરુરી વ્યવસ્થા, કોરોનાના દર્દીઓને મળતી સુવિધાઓ ચકાસી હતી. તેમણે હોસ્પિટલમાં સાફ-સફાઈ, દવાઓ, દર્દીઓને અપાતી સુવિધાની જાત તપાસ કરી હતી. આ સાથે તેમણે અહીં ઉભા કરાયેલા આઈસીયુ વોર્ડની પણ તપાસ કરીને ત્યાંની વ્યવસ્થા અંગે સ્ટાફ સાથે વાતચીત કરી હતી.

માત્ર ડૉક્ટરો કે હોસ્પિટલના અધિકારીઓ જ નહીં પરંતુ સફાઈ કર્મચારીથી લઈને હોસ્પિટલમાં દાખલ થયેલી દર્દીઓ પાસે જઈને પણ તેમણે વાતચીત કરી હતી. તેમણે સફાઈ અંગે સફાઈકર્મીને સૂચનો કર્યા હતા અને દર્દીઓ સાથે વાત કરીને તેમણે મળતી સુવિધાઓ અંગે જાણ્યું હતું.

ત્રીજી લહેર અંગે જે સંભાવનાઓ અને શંકાઓ વ્યક્ત કરાઈ રહી છે ત્યારે ત્રીજી લહેર આવ્યા પછી કોઈ વ્યવસ્થા કે સાધનોની અછત ના સર્જાય તે માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા હોસ્પિટલની જાત તપાસ કરવામાં આવી હોવાનું મનાય છે.

આ સરપ્રાઈઝ વિઝિટના લીધે ત્યાં હાજર સ્ટાફ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ સિવાય તેમણે હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં કઈ બાબતોની જરુરી પડશે તે અંગે પણ ચર્ચા-વિચાર્ણા સ્ટાફ સાથે કરી હતી. આ સાથે જ તેમણે સિવિલ હોસ્પિટલના આરએમઓ સાથે પણ વાત કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.