Western Times News

Gujarati News

૨૪ લાખની લૂંટના કેસમાં એક શખ્સની ધરપકડ કરાઈ

આણંદ, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામની સીમમાં હરીયાણાની યુનિટેક પાવર ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીના પ્રોજેક્ટની સાઇટ ઉપર બે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ૨૪ લાખની કિંમતના કન્ડક્ટ ડ્રમ વાયરની લૂંટના કેસનો પોલીસે ઉકેલ આણ્યો છે. બિહારની ટોળકીના એક આરોપીને આણંદ એલસીબી પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી બાકીના ત્રણ આરોપીઓને પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પાળજ ગામે ચાલી રહેલા યુનિટેક પાવર ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીની સાઇટ ઉપર ગત તા.૧૬મી ડીસેમ્બરની વહેલી સવારનાં સુમારે અજાણ્યા લુંટારૂઓએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ૨૪ લાખની કિંમતના કન્ડક્ટ ડ્રમ વાયરની લૂંટ ચલાવી હતી. જેમાં ચાર અજાણ્યા હીન્દી ભાષી લુંટારૂઓ દ્વારા ઈલેટ્રીક ત્રણ કન્ડકટ ડ્રમ વાયરની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે પેટલાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા આણંદની એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. એલસીબી પોલીસે તપાસ કરતા આ લુંટનાં ગુનામાં ટ્રક અને ક્રેઈનનો ઉપયોગ કરી ડ્રમ વાયરોની લુંટ ચલાવી હોવાની કડી મળી હતી. આ લુંટની ધટનામાં પાળજ ગામે યુનિટેક પાવર ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીના પ્રોજેક્ટની સાઇટ ઉપર મજૂર તરીકે કામ કરતો મૂળ બિહાર રાજયનો સાદીકઅલી મજહરઅલી સંડોવાયેલા હોવાની બાતમી મળી હતી.

જેના પગલે એલસીબી પોલીસની ટીમે પાળજ ગામે દરોડો પાડી સાદીકઅલી મજહરઅલીને ઝડપી પાડીને આણંદ એલસીબી કચેરીમાં લાવીને સઘન પુછપરછ કરી હતી. જેમાં તેણે ગુનો કબુલવાની સાથે સાથે પોતાના અન્ય સાગરીતો નાસીરઅલી સાબેદઅલી, બરકતઅલી મજહરઅલી અને આતાબુર આલમઅલી સાથે મળીને પાળજ ગામેથી રૂ ૨૪ લાખની કિંમતના કન્ડકટ ડ્રમ વાયરની લૂંટ કર્યાની કબુલાત કરી હતી.

એલસીબી પોલીસે આરોપી સાદીકઅલી પાસેથી રોકડ રકમ સહિત રૂ ૬૨૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં ચારેય શખ્સો હાઇટેન્શન લાઈનના વાયર ઈન્સટોલેશની સાઇટ ઉપર કામ કરતા હોય મુખ્ય આરોપીના સંપર્કમાં રહીને કન્ડક્ટ ડ્રમ વાયર ક્રેન અને ભારે વાહનો બોલાવી સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી લૂંટ કરતા હોવાની કબૂલાત કરી હતી.

આણંદ એલસીબી પોલીસે બાકીના ત્રણ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલો સાદીકઅલી પોતાના અન્ય સાગરિતો સાથે મળી પોતે મજૂરીકામ કરતા હોય તેવી સાઈડો ઉપર ક્રેન અને ભારે વાહનોની મદદ લઇ લુંટ કરતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.