Western Times News

Gujarati News

ઇન્ટેલ ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા તૈયાર: અશ્વિની વૈષ્ણવ

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે દેશને હાઇટેક ઉત્પાદનોના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવા તાજેતરમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ માટે ૭૬,૦૦૦ કરોડના પ્રોત્સાહનને મંજૂરી આપી હતી. સરકારનું આ પગલું રંગ લાવી રહ્યું છે.

ઇન્ટેલ ભારતમાં તેનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની યોજના બનાવી રહી છે. અમેરિકાની કંપની ઇન્ટેલના ર્નિણયથી આર્ત્મનિભર ભારત કાર્યક્રમને મજબૂત બનશે.

આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્‌વીટ કરીને ઇન્ટેલનું ભારતમાં સ્વાગત કર્યું હતું. તેમણે લખ્યું કે, ઇન્ટેલ – ભારતમાં તમારું સ્વાગત છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ખાસ કરીને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી સેમિકન્ડક્ટર્સની અછતને પગલે પરેશાન છે. આ જ કારણે નવી કારનું વેઇટિંગ લિસ્ટ મોટું થતું જાય છે. સેમિકન્ડક્ટર્સની અછતને પગલે કાર ઉત્પાદક કંપનીઓ કારની ડિલિવરી નથી કરી શકતી.

ઉલ્લેખનીય છે કે, સરકારની આ યોજના સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ તેમજ ડિઝાઇનમાં કંપનીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પ્રોત્સાહન પેકેજ પૂરું પાડી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નવા યુગની શરૂઆત કરશે તેવી અપેક્ષા છે. સરકારે સિલિકોન સેમિકન્ડક્ટર ફેબ્સ, ડિસ્પ્લે ફેબ્સ, કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ, સિલિકોન ફોટોનિક, સેન્સર ફેબ્સ, સેમિકન્ડક્ટર પેકેજિંગ અને સેમિકન્ડક્ટર ડિઝાઇનમાં રહેલી કંપનીઓ માટે આકર્ષક પ્રોત્સાહન પુરા પાડ્યા છે.

યોજના હેઠળ ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્સ અને ડિસ્પ્લે ફેબ્સ સ્થાપવાની યોજના લાયક અરજદારોને પ્રોજેક્ટ ખર્ચના ૫૦ ટકા સુધીનો ફિસ્કલ સપોર્ટ આપવામાં આપશે. આ સાથે જ કેન્દ્ર દેશમાં ઓછામાં ઓછા બે ગ્રીનફિલ્ડ સેમિકન્ડક્ટર ફેબ્સ અને બે ડિસ્પ્લે ફેબ્સ સ્થાપવા માટેની અરજીઓને મંજૂરી આપવા માટે જમીન, સેમિકન્ડક્ટર ગ્રેડ વોટર, પાવર, લોજિસ્ટિક્સ અને રિસર્ચ ઇકોસિસ્ટમની દ્રષ્ટિએ જરૂરી માળખાગત સુવિધાઓ અને ઉચ્ચ તકનીકી ક્લસ્ટર પર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે.

નોંધનીય છે કે, વર્તમાન સમયે ઓટોમોબાઇલથી લઈને ગેજેટ્‌સ સુધીના ઉત્પાદનોમાં સેમિકન્ડક્ટર્સનો ઉપયોગ થાય છે. ત્યારે કેન્દ્રનું આ મેગા પેકેજ સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક પુરવઠાની તંગી વચ્ચે આવ્યું છે. વૈશ્વિક સપ્લાઈમાં અસંતુલન ઉભું થયું છે. ત્યારે ભવિષ્ય માટે ભારતનું આ પગલું મહત્વનું બની જાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.