Western Times News

Gujarati News

“આપણે સાથે મળીને વાઈના રોગને હરાવીએઃ કેડી હોસ્પિટલનો પ્રયાસ”

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના અંદાજ મુજબ દુનિયામાં 5 કરોડથી વધુ લોકો વાઈના રોગથી પીડાય છે. આ પ્રકારના લગભગ 80% દર્દીઓ નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં જોવા મળે છે. જો યોગ્ય રીતે નિદાન અને સમયસર સારવાર કરવામાં આવે

તો અનેક લોકો ખેંચની બિમારીથી મુક્ત થઈ શકે છે. વાઈ એ મગજનો રોગ છે, જેમાં દર્દીને નિયમિત અંતરે ખેંચ આવે છે. ખેંચ આવવાની આવી ઘટનાઓ શરીરના કેટલાક ભાગમાં કે સંપૂર્ણ શરીરમાં જોવા મળતી હોય છે. આ રોગથી પીડાતી વ્યક્તિ ઘણીવાર બેભાન થઈ જાય છે.

26 ડિસેમ્બરના રોજ કે.ડી. હોસ્પિટલ અમદાવાદના ન્યૂરો સાયન્સીસ વિભાગમાં આ રોગ અંગે એક દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. “આપણે સાથે મળીને વાઈના રોગને હરાવીએ.”

આ સેમિનારમાં 108 વ્યક્તિઓએ ભાગ લીધો હતો અને આ વિષયે યોજાયેલી ચર્ચામાં આ રોગની સારવારનો 15 વર્ષથી વધુ અનુભવ ધરાવતા મગજ/ચેતાતંત્રના નિષ્ણાંતો જોડાયા હતા. ચર્ચા પેનલમાં ન્યૂરો સર્જન ડો. ગોપાલ શાહ, ડો. સંદીપ મોઢ, ડો. ઋષભ શાહ અને ન્યૂરો ફિઝિશ્યન ડો. રૂચીર દિવેટિયા અને ડો. સમીર પટેલ જોડાયા હતા. સેમિનારમાં સામેલ એક દર્દીએ પોતાની સારવાર અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે ક્લિનિકલ માર્ગદર્શન સાથેની સારવાર વાઈમાંથી સફળ રીતે મુક્ત થવામાં સહાયક બને છે.

ડોક્ટરોએ વાઈના રોગ અને તેની સારવાર અંગે પોતાના વિશેષ અનુભવો જણાવ્યા હતા. અને આ રોગ ધરાવતી વ્યક્તિઓ કઈ રીતે સામાન્ય જીવન જીવી શકે છે તે અંગે માર્ગદર્શન કર્યુ હતુ. ચર્ચા પછી દર્દીઓને મૂંઝવતા પ્રશ્નોત્તરી યોજાયા હતા અને ત્યારબાદ પ્રસિધ્ધ ગુજરાતી કવિ/ગઝલકાર શ્રી અંકિત ત્રિવેદીએ વાઈના દર્દીઓને પ્રોત્સાહન મળે તે અંગે વિશેષ સંબોધન કર્યું હતું.

કે.ડી. હોસ્પિટલના મેનેજીંગ ડિરેક્ટર ડો. અદિત દેસાઈએ જણાવ્યું હતું કે “અમે વાઈના રોગ અંગે સમાજમાં જાગૃતિ ઉભી કરવાનું ચાલુ રાખીશું અને દર્દીઓને યોગ્ય સારવાર મળે તેનું ધ્યાન રાખીશું. અમારો ઉદે્શ સતત શૈક્ષણિક ઝૂંબેશ મારફતે આ રોગ સાથે સંકળાયેલી માન્યતાઓ દૂર કરવાનો છે.”

કે.ડી. હોસ્પિટલ (કુસુમ ધીરજલાલ હોસ્પિટલ) એ 6 એકર વિસ્તારના સંકુલમાં પથરાયેલી અને 300 પથારી તથા આશરે 45 સુપર સ્પેશ્યાલિટીઝ ધરાવતી મલ્ટી/ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલ NABH, NABLનું સર્વોચ્ચ રાષ્ટ્રિય એક્રિડીટેશન, NABHની ઉત્તમ નર્સિંગ શ્રેષ્ઠતા, NABH ઈમર્જન્સી સર્વિસીસ અને NABH બ્લડ બેંક ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.