Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ: 31 જાન્યુઆરી સુધી ધોરણ 1- 9 અને 11 ઓનલાઇન જ ચાલશે

મુંબઈ, કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ધોરણ 1-9 અને ધોરણ 11 સુધીના ક્લાસ ઓનલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં અત્યારે સૌથી વધુ 510 ઓમિક્રોનના કેસ છે.

બિહારના ભૂતપુર્વ મુખ્યમંત્રી અને હમ (હિન્દુસ્તાન આવામ મોરચા)ના વડા જીતનરામ માંઝી કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે. માંઝી ઉપરાંત તેમની પત્ની, દીકરી, વહુ અને 2 સ્ટાફ મેમ્બર સહિત 18 સુરક્ષા કર્મચારીઓને પણ કોવિડ પોઝીટીવ જોવા મળ્યા છે.

કોરોનાના વધતા કેસને પગલે રાજસ્થાન સરકારે પણ નિયંત્રણો કડક કરી દીધા છે. જયપુરના બે નગર નિગમ વિસ્તારોમાં આજથી 9 જાન્યુઆરી સુધી ધોરણ-1થી 8 સુધી સરકારી અને ખાનગી શાળા બંધ કરવામાં આવી છે. અન્ય વિસ્તારો કે જિલ્લામાં શાળા યથાવત રાખવી કે પછી બંધ કરવી તે અંગે કલેક્ટર અને શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

ગોવામાં સોમવારે કોરોનાના 988 કેસ સામે આવ્યા હતા, જ્યારે પોઝિટિવિટી દર 10.7% થયો છે. જોકે હાલમાં એક્ટિવ કેસ 1,671 છે. નવા વર્ષની ઉજવણી બાદ કોરોનાના નવા કેસ અને પોઝિટિવિટી દરમાં વધારો નોંધાયો છે. ગોવામાં મોટી સંખ્યામાં દેશ અને દુનિયાના પ્રવાસીઓ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે આવે છે. ત્યારે હવે કોરોનાના કેસમાં વધારો નોંધાતાં રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યૂ સહિત કેટલાક પ્રતિબંધો લગાવવાની તૈયારીઓ કરી રહી છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને રાજ્ય મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્ય સચિવ અને એક રાજ્ય મંત્રીને કારાના થયા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ પોતે આઈસોલેટ થઈ ગયા છે.

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં 2 જાન્યુઆરીએ સમાપ્ત થયેલા છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 1.23 લાખ કેસ નોંધાયા છે. આ પહેલાંના સપ્તાહ (20થી 26 ડિસેમ્બર)માં 41,169 કેસ સામે આવ્યા હતા, એટલે કે એક જ સપ્તાહમાં દેશમાં કોરોના સંક્રમણના દરમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. કોરોનાના નવા કેસમાં 82 હજારનો વધારો નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.