Western Times News

Gujarati News

ઇમ્ફાલમાં લગભગ રૂપિયા ૪૮૦૦ કરોડ કરતાં વધારે મૂલ્યની ૨૨ વિકાસ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરશે

નવીદિલ્હી, પ્રધાનમંત્રી સવારે લગભગ ૧૧ વાગ્યે ઇમ્ફાલમાં લગભગ રૂપિયા ૪૮૦૦ કરોડ કરતાં વધારે મૂલ્યની ૨૨ વિકાસ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, બપોરે લગભગ ૨ વાગે અગરતલામાં તેઓ મહારાજા બીર બિક્રમ હવાઇમથક ખાતે નવા સંકલિત ટર્મિનલ ભવનનું ઉદ્‌ઘાટન કરશે અને બે મુખ્ય વિકાસ પહેલોનો પણ પ્રારંભ કરાવશે.

મણીપુરમાં, પ્રધાનમંત્રી રૂપિયા ૧૮૫૦ કરોડના મૂલ્યની ૧૩ વિવિધ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરશે અને રૂપિયા ૨૯૫૦ કરોડના મૂલ્યની વિવિધ ૯ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓ વિવિધ ક્ષેત્રો જેમ કે, માર્ગ માળખાકીય સુવિધાઓ, પીવાલાયક પાણીનો પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કળા અને સંસ્કૃતિ તેમજ અન્ય સાથે સંકળાયેલી છે.

સમગ્ર દેશમાં કનેક્ટિવિટીમાં સુધારો લાવવા માટેની પરિયોજનાઓને અનુરૂપ પ્રધાનમંત્રી અહીં પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણની પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે જે રૂપિયા ૧૭૦૦ કરોડ કરતાં વધારે ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ ધોરીમાર્ગોના નિર્માણથી કુલ ૧૧૦ કિમી લંબાઇનો રસ્તો તૈયાર થશે અને આ પ્રદેશમાં માર્ગ કનેક્ટિવિટી મામલે તેનાથી ખૂબ જ મોટો સુધારો આવશે.

અન્ય મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાથી અહીં આખા વર્ષ દરમિયાન સિલચરથી ઇમ્ફાલ સુધી વિના અવરોધે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે અને તેનાથી ટ્રાફિકની ગીચતામાં ઘટાડો થશે. આ પરિયોજના હેઠળ રૂપિયા ૭૫ કરોડના ખર્ચે એનએચ-૩૭ પર બરાક નદી પર લોખંડના પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન આ પુલનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે.

પ્રધાનમંત્રી મણીપુરના લોકોને આશરે રૂ. ૧૧૦૦ કરોડના ખર્ચે ઉભા કરવામાં આવેલા કુલ ૨,૩૮૭ મોબાઈલ ટાવરોનું પણ લોકાર્પણ કરશે. રાજ્યની મોબાઈલ કનેક્ટિવિટીને વધુ વેગ આપવાની દિશામાં આ એક મોટું પગલું પુરવાર થશે.દેશમાં પ્રત્યેક પરિવાર સુધી પીવાલાયક સ્વચ્છ પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને રાજ્યમાં પીવાલાયક પાણીના પુરવઠાની પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરવાથી તેમના આ પ્રયાસને વધુ વેગ મળશે.

પ્રધાનમંત્રી દ્વારા ઉદ્‌ઘાટન કરવામાં આવલી રહેલી પરિયોજનાઓમાં સામેલ છે – રૂપિયા ૨૮૦ કરોડના મૂલ્યની ‘થૌબલ બહુલક્ષી વોટર ટ્રાન્સમિશન સિસ્ટમ પરિયોજના છે’ જે ઇમ્ફાલ શહેરને પાણીનો પુરવઠો પૂરો પાડશે; રૂપિયા ૬૫ કરોડના ખર્ચે તામેંગલોંગ હેડક્વાર્ટર્સ માટે જળ સંરક્ષણ દ્વારા હાથ ધરવામાં આવેલી જળ પુરવઠા યોજના જે તામેંગલોંગ જિલ્લાની દસ વસાહતોના રહેવાસીઓને પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડશે; અને રૂપિયા ૫૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ‘સેનાપતિ જિલ્લા હેડક્વાર્ટર જળ પુરવઠા વૃદ્ધિ યોજના’ જેનાથી આ વિસ્તારના રહેવાસીઓને નિયમિત ધોરણે પીવાના પાણીનો પુરવઠો પ્રાપ્ત થશે.

રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રને વધારે મજબૂત બનાવવાના પ્રયાસરૂપે, પ્રધાનમંત્રી ઇમ્ફાલમાં આશરે રૂ. ૧૬૦ કરોડના ખર્ચે પીપીપી ધોરણે નિર્માણ પામનારી ‘અદ્યતન સુવિધાઓથી સજ્જ કેન્સર હોસ્પિટલ’નો શિલાન્યાસ કરશે.

આ કેન્સર હોસ્પિટલ રાજ્યમાં ખાસ કરીને જેમને કેન્સર સંબંધિત નિદાન અને સારવાર સેવાઓ મેળવવા માટે રાજ્યની બહાર જવું પડે છે તેવા લોકોના ખિસ્સા પર બીમારીની સારવારમાં પડી રહેલા ખર્ચમાં ઘટાડો લાવવામાં ખૂબ જ ફાયદો કરશે. આ ઉપરાંત, રાજ્યમાં કોવિડ સંબંધિત માળખાકીય સુવિધાને વેગ આપવાના ઉદ્દેશથી, પ્રધાનમંત્રી ‘કિયામગેઈ ખાતે ૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ’નું ઉદ્‌ઘાટન કરશે, જે ડીઆરડીઓના સહયોગથી લગભગ રૂપિયા ૩૭ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

ભારતીય શહેરના પુનરોદ્ધાર અને પરિવર્તનની દિશામાં પ્રધાનમંત્રી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા અવિરત પ્રયાસોને સાકાર કરવાની દિશામાં આગળ વધીને, ‘ઇમ્ફાલ સ્માર્ટ સિટી મિશન’ હેઠળ બહુવિધ પરિયોજનાઓને પૂરી કરવામાં આવશે. પ્રધાનમંત્રી આ મિશનની ત્રણ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરશે.

પ્રધાનમંત્રી ત્રિપુરાની પોતાની મુલાકાત દરમિયાન, મહારાજા બીર બિક્રમ હવાઇમથકના નવા સંકલિત ટર્મિનલ ભવનનું ઉદ્‌ઘાટન કરશે અને મુખ્ય પહેલોનો પ્રારંભ કરશે જેમાં મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજના અને વિદ્યાજ્યોતિ શાળાઓનો પ્રોજેક્ટ મિશન ૧૦૦ સામેલ છે.

મહારાજા બીર બિક્રમ હવાઇમથકમાં રૂપિયા ૪૫૦ કરોડના ખર્ચે નવું બનાવવામાં આવેલું સંકલિત ટર્મિનલ ભવન ૩૦,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું એક અદ્યતન ભવન છે, જેમાં આધુનિક સુવિધાઓ છે અને તે નવીનતમ આઇટી નેટવર્ક સંકલિત સિસ્ટમ દ્વારા સમર્થિત છે. નવા ટર્મિનલ ભવનનો વિકાસ એ દેશના તમામ હવાઇમથકોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રધાનમંત્રીના પ્રયાસને અનુરૂપ હાથ ધરવામાં આવેલી કામગીરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.