Western Times News

Gujarati News

દિવ્ય કાશી, ભવ્ય કાશી સાબરમતીના તટે ભવ્યાતિભવ્ય સમારોહ યોજાયો

ધર્માચાર્ય આશીર્વાદ સમારોહમા મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ- સમગ્ર રાજ્યમાંથી એક હજાર જેટલા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ આપવા માટે યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે “વડાપ્રધાનશ્રીના કાર્યોથી તેનું પરિણામ પણ જોઈ શકાય છે તે તેઓની સંકલ્પબદ્ધતા છે. ભૂતકાળમાં સાબરમતી નદીના તટે ઝુપડપટ્ટીઓ હતી,

જેને તે સમયના શાસકોએ પણ જોઈ હતી પરંતુ દીર્ઘદ્રષ્ટા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેની કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો અને અહીં જે લોકો રહેતા હતા તેમને ખુબ જ સારી પરિસ્થિતિમા રહી શકે તેવી જગ્યાએ શિફ્ટ કરીને આ રિવરફ્રન્ટનું નિર્માણ કર્યું. આજે ભાગદોડ ભરી જીંદગીમાં સાધુ -સંતો પાસે જવાથી દરેક વ્યક્તિને મનની શાંતિ મળે છે.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની કાર્યશૈલીથી દેશ અને દુનિયામાં સાબિત કરી બતાવ્યું છે કે ભારત દરેક આફતને અવસરમા પલટીને વિકાસ કરી રહ્યું છે

તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી કોવિડ ૧૯ ની મહામારીમા દેશ અને દુનિયાની અર્થ વ્યવસ્થા ડગી ગઈ છે

ત્યારે ભારતની આર્થિક વ્યવસ્થાને પ્રધાનમંત્રીશ્રીએ દૂરંદેશી નીતિથી આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ આપ્યો.અને જનભાગીદારીથી એ સંકલ્પની પૂર્તિ થઈ રહી છે.જેમા ગુજરાત પણ આત્મનિર્ભર ગુજરાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.આત્મનિર્ભર ભારતની સંકલ્પબદ્ધતાને ગુજરાત વિકાસની કેડી પર આગળ વધારી રહ્યું છે.

ભારતની સૌથી પ્રાચીન અને નગરી એટલે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર બિંદુ સમાન કાશી વિશ્વનાથ ધામ.પૌરાણિક નગરી કાશીને આ સંસારની સૌથી પુરાણી નગરી ગણવામાં આવે છે.

અનેક વિદેશી આક્રમણકારીઓના નિશાને ભોગ બનેલા કાશીમાં ઈ.સ્ ૧૭૮૦ માં ઈન્દોરના મહારાણી અહિલ્યાબાઈએ વિશ્વનાથ મંદિર બંધાવ્યું હતું.જેની દિવ્યતા અને ભવ્યતામા વધારો કરવામાં આવ્યો અને મંદિરનું પુનઃનિર્માણ કરવામા આવ્યું.

વારાણસીના સાંસદશ્રી અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરનો પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો અને તેને સાકાર કરીને લગભગ ૩૦૦ વર્ષ પછી કાશીની કાયાકલ્પ થઈ. ભવ્ય કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમલોથી ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ લોકાર્પિત કરવામાં આવ્યું છે.

ધર્માચાર્ય આચાર્ય સમારોહ સમિતિના અધ્યક્ષ શ્રી ચૈતન્ય શંભુ મહારાજે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ધાર્મિક ધરોહર અને સંસ્કૃતિની ગરિમાપૂર્ણ જાળવણી કરવાનું અને સાચવવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. કાશી વિશ્વનાથ કોરિડોરના પુનઃનિર્માણથી ગુજરાતના તમામ સાધુ-સંતોએ આશીર્વાદ વરસાવ્યા છે.

આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી અને સાધુસંતોએ સાબરમતી નદીની આરતી ઉતારી હતી.

આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી,  પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, મધ્યપ્રદેશના સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી સુધીર ગુપ્તા,પૂર્વ મંત્રી શ્રીઓ પ્રદીપસિંહ જાડેજા, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ,અમદાવાદ મેયર શ્રી કિરીટકુમાર પરમાર,તમામ જ્ઞાતિ,જાતિ, ધર્મ, અને સંપ્રદાયના એક હજાર વધુ ધર્મગુરુઓ, સાધુ – સંતો, ધર્માચાર્ય આચાર્ય સમિતિના હોદ્દેદારો અને ધર્મ પ્રેમી જનતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.