Western Times News

Gujarati News

ગુજરાત હાઇકોર્ટમાં માત્ર વકીલોને જ પ્રવેશ, એક ગેટ પરથી જ એન્ટ્રી

ગાંધીનગર, રાજ્યમાં અને અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને જાેતાં ગુજરાત હાઇકોર્ટમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. આજથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર ૫ સિવાય તમામ ગેટ બંધ કરી દેવાયા છે. તેમજ માત્ર વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

કોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે અમદાવાદની નીચલી કોર્ટમાં પણ સતર્કતા માટે સૂચનો જારી કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, મહામારીને કારણે આ પહેલા ૧૭ મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ ૧૭ ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટ એડ્‌વોકેટ્‌સ એસોસિએશનની આજે ચીફ જસ્ટિસને મળી મહત્વપૂર્ણ રજૂઆત કરશે. હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસિએશનની મેનેજીંગ કમિટીના સભ્યોએ વધતા કોરોના કેસને લઈ કોર્ટની કાર્યવાહી આગામી ત્રણ અઠવાડીયા સુધી વર્ચ્યુઅલ કરવા રજૂઆત કરશે. હાઇકોર્ટની હયાત એસઓપીને ધ્યાને લેતા કોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલે એવી ચીફ જસ્ટિસને રજૂઆત કરશે. અગાઉ ૩ દિવસ પહેલા હાઈબ્રીડ મોડમાં હિયરિંગ રાખવા એડવોકેટ્‌સ એસોસિયેશનને રજૂઆત કરી હતી.

અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં તકેદારી રાખવા માટે કેટલાંક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યાં છે. જેમાં પક્ષકારોને અનિવાર્ય સંજાેગો સિવાય કોર્ટમાં ન આવવાનું કહેવામાં આવ્યું છે. એની સાથે સાથે પક્ષકારો અને વકીલોને કેસને લગતા દસ્તાવેજાે-કાગળો ડ્રોપ બોક્સમાં મૂકવા માટે વિનંતિ કરવામાં આવી છે.

આ મામલે અમદાવાદ બાર એસોસિએશન તથા સ્મોલ કોર્ટ બાર એસોસિએશન તરફથી વકીલોને વર્તમાન પરિસ્થિતિને લઈને માહિતગાર કરવામાં આવ્યા છે. શહેરમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસ બમણા થઈ રહ્યા છે તેમજ માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પણ કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે.

કોર્ટ પરિસરમાં લોકોની અવરજવર પણ વધી રહી છે. એ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી ૨૦ જાન્યુઆરી સુધી બંને પક્ષકારો અને વકીલની સંમતિથી જ કેસ ચલાવવા, કોઈ વકીલની ગેરહાજરીમાં કેસ ન ચલાવવા અને એકતરફી આદેશો ન કરાવવા માટે સૂચના અપાઈ છે. આ ઉપરાંત સાક્ષીને કોર્ટમાં બોલાવવા આગ્રહ ન રાખવા માટે કહેવામાં આવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.