Western Times News

Gujarati News

કોરોના ઈફેક્ટઃ: સાંજ સુધીમાં કડક નિયંત્રણો સાથેની ગાઈડલાઈન ગુજરાત સરકાર જાહેર કરશે

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાતમાં કોરોના વિસ્ફોટનાં પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવ્યાં પછી વાઈબ્રન્ટ મહોત્સવ રદ કરવામાં આવ્યો છે. તેના પગલે પતંગ મહોત્સવ અને ફ્લાવર શો જેવા જાહેર કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યાં છે.

દરમ્યાનમાં આવતીકાલે કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ ગાઈડલાઈનની અવધિ પૂર્ણ થઈ રહી છે. તે પૂર્વે સાંજ સુધીમાં રાજ્ય સરકાર કડક નિયંત્રણો સાથેની નવી ગાઈડલાઈન જાહેર કરે તેવી માહિતી સૂત્રોમાંથી મળી રહી છે. કોવિડનાં અને ઓમિક્રોનનાં કેસો વધતાં રાજ્ય સરકાર ચિંતામાં મુકાઈ ગઈ હતી.

તાજેતરમાં જ યોજાયેલાં એક કાર્યક્રમમાં ભાજપનાં આગેવાનો કોરોના સંક્રમિત થતાં પરિસ્થિતિ વધુ ઘેરી બની હતી. એ સાથે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાનાં કેસો વધતાં અને બીજી તરફ સામાન્ય લક્ષણો ધરાવનાર લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે.

અચાનક કોવિડનાં કેસોની સંખ્યા વધતાં સરકારે વાઈબ્રન્ટ સમિટ રદ કરી દીધી છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા યોજાનાર ફ્લાવર શો તથા પતંગ મહોત્સવને પણ રદ કરી દેવાયો છે. આજથી જ અમદાવાદ શહેરમાં દોડતી એએમટીએસ અને બીઆરટીએસની બસોમાં ૫૦ ટકા મુસાફરો સાથે નિયંત્રણ લાદવામાં આવ્યાં પછી આજે સાંજ સુધીમાં નવા કડક નિયમો સાથે રાજ્ય સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરે તેવા સંકેતો મળી રહ્યાં છે.

ખાસ કરીને એક સ્થળ પર ચાર કરતાં વધારે વ્યક્તિ ભેગા ન થઈ શસકે તેની ૧૪૪ કલમ તથા રાત્રિ કરફ્યુનાં સમયગાળામાં વધારો કરવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા છે. આ સાથે જ જાહેર કાર્યક્રમો સહિતનાં ધાર્મિક રાજકીય મેળાવડાઓ પર પણ કડક નિયંત્રણો લાદી દેવા માટે આરોગ્ય અને ગૃહ વિભાગે સંયુક્ત રીતે કવાયત હાથ ધરી છે.

કોવિડ નિયંત્રણની ગાઈડલાઈનની અવધિ આવતીકાલે પૂર્ણ થઈ રહી છે. તે પૂર્વે જ આજે સાંજનાં નવા કડક નિયમો સાથેની ગાઈડલાઈનની જાહેરાત ગાંધીનગરથી થાય તેવી સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.