Western Times News

Gujarati News

રોડના અભાવે ટોર્ચના અજવાળે મહિલાની ડિલિવરી

અલમોડા, અલમોડાના પાતાલચૌરા ગામની ૨૧ વર્ષીય યુવતી પ્રિયંકા વાનીને પ્રસૂતિ પીડા ઉપડી હતી. પરંતુ યુવતી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેની ડિલિવરી કરાવવી પડી હતી. હોસ્પિટલ સુધીનો રસ્તો વાહન ચાલી શકે તેવો હતો જ નહીં, ઉપરાંત સૂર્યાસ્ત થયો હતો અને ધીમો વરસાદ શરૂ થતાં આશા વર્કરો અને યુવતીને પરિવારને ખ્યાલ આવી ગયો કે તે હોસ્પિટલ સુધી નહીં પહોંચી શકે. જેથી તેમણે ખુલ્લા મેદાનમાં તેની ડિલિવરી કરાવી હતી.

ડિલિવરી માટે અન્ય કોઈ વિકલ્પ ના હોવાથી પ્રિયંકા સાથે આવેલી તેના ગામની મહિલાઓ અને આશા વર્કર બહેનોએ ભીની જમીન પર ચાદર પાથરી, તેના માથે છત્રી રાખી અને ટોર્ચના અજવાળે ડિલિવરી કરાવી. સદ્‌નસીબે ડિલિવરી સફળ રહી અને પ્રિયંકા તેમજ તેનું નવજાત સ્વસ્થ છે. પ્રિયંકાએ સ્વસ્થ બાળકને જન્મ આપતાં ગ્રામજનો ખુશ છે પરંતુ તેમનું કહેવું છે કે, આ ઘટનાએ ફરી એકવાર ખરાબ રોડ-રસ્તાને કારણે થતી મુશ્કેલીની પોલ ખોલી છે.

અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ગામમાં સારો રસ્તો બનાવી આપવાની માગણી એટલી જૂની છે કે, હવે તો યાદ પણ નથી કે ક્યારથી શરૂ કરી હતી. પરંતુ આજ સુધી કશું જ થયું નથી. પાતાલચૌક ગામના સરપંચ પ્રેમ સિંહ બિષ્ટે કહ્યું, મા અને બાળકનું મોત પણ થઈ શક્યું હોત. તેમને સમયસર હોસ્પિટલ ના લઈ જઈ શક્યા કારણકે રોડ જ નહોતો. ડિલિવરી બાદ બંનેને પાલખીમાં ઘરે લાવવા પડ્યા હતા.

સત્તાધીશો અમારી ફરિયાદ સામે આંખ આડા કાન કરીને બેઠા છે. થોડા સમય પહેલા ગામમાં રોડના નિર્માણ માટે ઈન્સ્પેક્શન થયું હતું પરંતુ કામ હજી શરૂ થયું નથી. રોડનું કામ શરૂ કરાવા માટે શું સત્તાધીશો કોઈ દુર્ઘટનાની રાહ જાેઈને બેઠા છે? આ ઘટનાને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડના મહિલા આયોગના ડેપ્યુટી ચીફ જ્યોતિ સાહ મિશ્રાએ અલમોડા જિલ્લાના વહીવટી તંત્રને એવા ગામડાં શોધવાનો આદેશ કર્યો છે કે જ્યાં ગર્ભવતી મહિલાઓ હોય પરંતુ આ ગામો રોડ દ્વારા જાેડાયેલા ના હોય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.