Western Times News

Gujarati News

સોખડા મંદિરમાં મહિલાનો વિડીયો ઉતારવા મુદ્દે મારામારી

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરા પાસે સોખડામાં આવેલા સ્વામિનનારાયણના પ્રસિદ્ધ હરિધામ મંદિરમાં વિડીયો ઉતારવાની બાબતમાં થયેલા ઝઘડા બાદ મારામારી થઈ હતી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે તેને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવી પડી હતી. ઘટનામાં મહિલાનો વિડીયો ઉતારવા બાબતે સંતોએ એક હરિભક્તને માર માર્યો હોવાની વિગતો મીડિયા રિપોર્ટ્‌સમાં સામે આવી રહી છે.

મંદિર તરફથી આ ઘટનાને ગેરસમજણના કારણે ઉભી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહિલાનો વિડીયો ઉતારવાની બાબતમાં ચાર સંતો અને હરિભક્તો વચ્ચે થયેલા ઝઘડા બાદ સંતોએ હરિભક્તને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટનામાં હરિસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી સહિત ચાર સંતોના નામ ઉછળ્યા છે. હરિભક્તને માર મારવાની ઘટનાની જાણ થતા લોકોના ટોળા પરિસરમાં ઉમટી પડ્યા હતા. સ્થિતિ કાબૂમાં ના આવતા આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ બનાવ અંગે મંદિરના પ્રવક્તા સંત ત્યાગવલ્લભ સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના બનવા પાછળનું કારણ ગેરસમજણ કારણભૂત છે.

તેમણે બનાવ અંગે જણાવતા કહ્યું હતું કે, સત્સંગી પરિવારનો દીકરો અનુજ ચૌહાણ કેટલાક સમયથી હરિધામ મંદિરમાં રહીને સેવા કરતો હતો. જે કેટલાક મહિલા દર્શનાર્થીઓનો વિડીયો ઉતારી રહ્યો હોવાનું દૂર ઉભેલા સંતોને લાગ્યું હતું. સંતોએ અનુજને આમ ન કરવા સમજાવીને જાે રેકોર્ડિંગ કર્યું હોય તો તે ડિલિટ કરવા માટે જણાવ્યું હતું, સંતોએ અનુજ પાસે મોબાઈલ લેવાનો પ્રયાસ કરતા ત્યાં ઉભેલા એક સંતનું ગાતરિયું (ઉપવસ્ત્ર) ખેંચાઈ ગયું હતું.

જે બાદ બોલાચાલી થઈ હતી અને મોબાઈલ મેળવવા માટે થયેલા પ્રયાસોમાં ઘર્ષણ ઉભું થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આવામાં કોઈ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ મંદિરમાં પહોંચી હતી. જ્યાં અનુજની પૂછપરછ દરમિયાન આખી ઘટના ગેરસમજણના લીધે ઉભી થઈ હવાનું લાગતા કોઈની સામે ફરિયાદ નોંધાઈ નહોતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.