Western Times News

Gujarati News

ગબ્બરનાં ડુંગર પર ૫૧ શક્તિપીઠની પ્રતિકૃતિ વિકસાવવામાં આવશે

માર્ચ મહિનાથી યાત્રિકો અંબાજીમાં ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરી શકશે-ત્રણથી ચાર કલાકમાં પરિક્રમા પૂર્ણ થશે, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ૬૨ કરોડનો ખર્ચ કર્યાે છે-

ગાંધીનગર, ગુજરાતમાં પ્રસિદ્ધ ગિરનારની પરિક્રમાની જેમ હવે આવતા વર્ષથી દર્શનાર્થીઓ અંબાજીમાં બનાવવામાં આવેલા ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરી શકશે. આ બંન્ને પરિક્રમામાં અંતર માત્ર એટલું જ છે કે ગિરનારમાં પાંચ દિવસ થાય છે જ્યારે અંબાજીમાં ત્રણથી ચાર કલાક થશે.

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યું છે કે અંબાજીમાં ભાવિકો આગામી માર્ચ ૨૦૨૨ પછી ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરી શકશે. ગબ્બરનાં ડુંગર પર ૫૧ શક્તિપીઠની પ્રતિકૃતિ વિકસાવવામાં આવી છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીએ કહ્યું હતું કે તમામ કામગીરી પૂર્ણ થયા પછી શક્તિપીઠની પરિક્રમાની જાહેરાત કરાશે. હાલ જર્જરીત થયેલા પગથિયાનું કામ ચાલી રહ્યું છે. આ શક્તિપીઠની પ્રતિકૃતિ પાછળ ૬૧.૫૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ૨૦૦૮માં કરવામાં આવ્યો હતો. પરિક્રમામાં ભક્તજનોને ત્રણથી ચાર કલાકનો સમય લાગશે. દેશમાં ફેલાયેલા તમામ શક્તિપીઠમાં કેવી રીતે પૂજા અને આરતી કરવામાં આવે છે તેની માહિતી મેળવવા માટે અંબાજીના પૂજારીઓને મોકલવામાં આવ્યા હતા. આ શક્તિપીઠમાં પૂજા અને આરતી પણ કરવામાં આવશે. પુરાણોમાં શક્તિપીઠનું વર્ણન આવે છે અને તેની પરિક્રમા એ અશ્વમેઘ યક્ષ કરવા સમાન માનવામાં આવે છે.

ભારતમાં ૫૧ પૈકી ૪૨ શક્તિપીઠ આવેલા છે. ૯ પૈકી બાકીના તિબેટમાં માનસરોવરના કિનારે માનસ, શ્રીલંકામાં આલંકા, નેપાળમાં ગંડકી અને ગુહેશ્વરી, પાકિસ્તાનમાં હિંગળાજ, બાંગ્લાદેશમાં સુગંધ, કર્તાેયા, ચટ્ટલ અને યશોરા શક્તિપીઠ આવેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.