Western Times News

Gujarati News

દર અઠવાડિયે યુરોપની એક ટકા વસ્તીને લાગે છે કોરોનાના નવા વેરિએન્ટનો ચેપ: ડબ્લ્યુએચઓ

નવીદિલ્હી, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યુરોપમાં ઓમિક્રોનના ૭૦ લાખ નવા કેસો નોંધાયા હતા. જે પખવાડિયામાં બમણાં થઇ ગયા છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપના ડાયરેકટર ડો. હાન્સ કલુજે જણાવ્યું હતું. દર અઠવાડિયે યુરોપની એક ટકા વસ્તીને ઓમિક્રોનનો ચેપ લાગે છે અને આરોગ્ય તંત્ર પડી ન ભાંગે તે માટે પગલાં ભરવાની તક પણ સંકોચાઇ રહી છે.

વોશિંગ્ટન યુનિવર્સિટીની ઇન્સ્ટિટયુટ ઓફ હેલ્થના મેટ્રિક્સને ટાંકી કલુજે અંદાજ માંડયો હતો કે આગામી છ થીઆઠ સપ્તાહમાં પશ્ચિમ યુરોપની અડધી વસ્તીને ઓમિક્રોનનો ચેપ લાગી જશે. અમેરિકામાં કોરોનાની રફતાર રોકાઈ રહી નથી. અમેરિકામાં કોરોનાના એક જ દિવસમાં અધધધ ૧૩.૩ લાખ કેસ નોંધાયા હતા. દેશમાં પહેલી વખત એક જ દિવસમાં આટલા બધા કેસ એકસાથે આવ્યા છે. આ પહેલા ત્રીજી જાન્યુઆરીએ અમેરિકામાં એક જ દિવસમાં દસ લાખથી વધુ કેસ સામે આવ્યા હતા.

અમેરિકામાં તબીબી એજન્સીઓની પાસેથી મળેલી જાણકારી મુજબ સોમવારે દસ જાન્યુઆરીના રોજ ૧,૩૬,૬૦૪ લોકો ભરતી કરવામાં આવ્યા. ગયા વર્ષે જાન્યુઆરીમાં એક જ દિવસમાં સૌથી વધુ ૧,૩૨,૦૫૧ લોકો હોસ્પિટલમાં ભરતી થયા હતા. અમેરિકામાં આટલી મોટી સંખ્યામાં કેસ આવતા મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જબરજસ્ત દબાણ આવ્યું છે અને તે રીતસરનું ધરાશાયી થઈ ગયું છે. હોસ્પિટલોમાં પથારીઓનો અભાવ છે. સરકાર પોતે દર્દીઓને યોગ્ય સગવડ પૂરી પાડવા હવાતિયા મારી રહી છે.

ઓમિક્રોન વેરિઅન્ટ સૌથી વધારે ઝડપે સૌથી વધારે વિસ્તારમાં પ્રસરે છે. કલુજે જણાવ્યું હતું કે ડેન્માર્કમાં રસી ન લેનારાઓમાં હોસ્પિટલાઇઝેશનનો દર છ ઘણો વધારે જણાયો છે. બલ્ગેરિયામાં વસતીના ૨૮ ટકા અને રોમાનિયામાં વસ્તીના માત્ર ૪૦ ટકાઓએ જ કોરોના રસીના બંને ડોઝ મેળવ્યા છે.

બીજી તરફ યુએસ અને યુકેમાં સરકારો ઓમિક્રોનના મોજા વચ્ચે પણ સ્કૂલોને ખોલવા માટે થનગની રહી છે પણ યુએસમાં ઘણાં શહેરોમાં સ્કૂલોને બંધ કરવાની ફરજ પડી છે. યુએસમાં હાલ પહેલાની સરખામણીમાં વધારે બાળકોને કોરોનાના ચેપની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

સરકારી આંકડા અનુસાર હાલ યુકેમાં ૧,૧૭,૦૦૦ બાળકો લોંગ કોવિડનો ભોગ બનેલા છે.પોલેન્ડમાં કોરોનાના કારણે મરનારાંની સંખ્યાનો આંકડો એક લાખને પાર થઇ ગયો છે, આરોગ્ય પ્રધાન એડમ નીડ ઝેલસ્કીએ જણાવ્યું હતું કે આજે કોરોનાના કારણે ૪૯૩ જણાના મોત થવાને પગલે પોલેન્ડમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૦૦,૨૫૪ થયો છે.

દરમ્યાન ચીનમાં આવતા મહિને વિન્ટર ઓલિમ્પિક્સ યોજાય તે પૂર્વે જ ઓમિક્રોનના કેસોની સંખ્યા વધવા માંડતાં સરકારે આજે એન્યાંગ નામના ત્રીજા શહેરમાં લોકડાઉન લાદી દીધું હતું.શિયાન અને તિયાનજિન બાદ એન્યાંગમાં લોકડાઉન લાદવામાં આવતાં આ ત્રણે શહેરામાં થઇને કુલ બે કરોડ લોકો હાલ તેમના ઘરોમાં કેદ છે. એન્યાંગમાં શનિવારે પહેલો કેસ નોંધાયા બાદ સ્થાનિક કેસોની સંખ્યા વધીને ૮૪ થઇ જતાં સરકારે લોકડાઉન લાદી દીધું હતું.

આ સમય દરમિયાન જાપાનમાં વડાપ્રધાન ફૂમિયો કિસિદાએ વિદેશી નાગરિકો માટે તેમની સરહદો ફેબુ્રઆરીમાં બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. નવેમ્બરમાં જાપાનમાં કોરોનાના કેસ ઘટયા ત્યારે સરહદ પર નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હતા પણ ઓમિક્રોનના આગમન બાદ ફરી કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.