Western Times News

Gujarati News

પ્રહલાદનગરના ટીમ્બર પોઈન્ટના કોમ્પ્લેક્સના ભોંયરામાં પ્રચંડ આગ લાગી

આગથી બચવા લોકો ધાબા ઉપર દોડી ગયાઃ ફાયરબ્રિગેડે સમયસર પહોંચી ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી
અમદાવાદ, શહેરના પ્રહલાદનગરના ટીમ્બર પોઇન્ટના કોમ્પ્લેક્સના ભોંયરામાં આવેલા મીટરમાં સ્પાર્ક થવાથી બુધવારે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ૪થા માળે લાગેલી આગને પગલે સમગ્ર કોમ્પલેક્સ અને વિસ્તારમાં જાણે કે, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરત આગકાંડની ગોઝારી દુર્ઘટના અને તેમાં ૨૩ વિદ્યાર્થીઓના કરૂણ મોત બાદ હવે કોઇપણ આગથી લોકો જાણે વધુ ફફડી ઉઠે છે તેવી સ્થિતિ બુધવારે ટીમ્બર પોઇન્ટની આગ વખતે પણ જાવા મળી હતી. આ કોમ્પલેક્સમાં કામ કરતાં અનેક આઇટી પ્રોફેશનલ્સ, વેપારીઓ અને બિઝનેસમેન સહિતના ૫૦થી વધુ લોકો આગની જવાળાઓ વચ્ચે ફસાયા હતા, જેમાંથી કેટલાક તો, આગથી બચવા ધાબા પર દોડી ગયા હતા.

૧૨થી વધુ ફાયર ફાઇટર અને ત્રણ એમ્બ્યુલન્સ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગને બુઝાવવાની અને ફસાયેલા લોકોને સહીસલામત રીતે બચાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. કલાકોની ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડના જવાનોએ ફસાયેલા ૫૦થી વધુ લોકોને સહીસલામત રીતે બચાવી લીધા હતા અને આગ કાબૂમાં લઇ લીધી હતી. જેને પગલે સમગ્ર બનાવમાં કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી. આગની આ દુર્ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ આગમાં ફસાયેલા લોકોને બચાવવા અને તેઓને સહીસલામત ઉતારવા માટે હાઇડ્રોલીક પ્લેટફોર્મ અને લેડરની મદદ લીધી હતી.

ફાયરબ્રિગેડ દ્વારા બચાવાયેલા લોકોમાં અનેક યુવતીઓ અને મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. શહેરના પ્રહ્લલાદનગર વિસ્તારમાં આજે બપોરે ટીમ્બર પોઇન્ટ કોમ્પલેક્સમાં ભોંયરાના મીટરોમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હતી અને ૪થા માળે તે સૌથી વધુ પ્રસરી હતી. જેના કારણે સમગ્ર સંકુલ અને વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સંકુલમાં મોટાભાગે આઇટી પ્રોફેશનલ્સ અને વેપારીઓ કામ કરતાં હોઇ ૫૦થી વધુ લોકો આગમાં ફસાઇ ગયા હતા.

આગની જવાળાઓથી ગભરાઇ ગયેલા કેટલાક લોકો બચવા માટે ધાબા તરફ દોડી ગયા હતા. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમો ૧૨થી વધુ ફાયરફાઇટરો સાથે તાત્કાલિક ત્યાં પહોંચી ગઇ હતી, તો ઇમરજન્સી સારવારને લઇ ત્રણ એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી પહોંચી હતી. કલાકોની ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડના જવાનોએ આગમાં અને ધુમાડામાં ફસાયેલા લોકોને સહીસલામત બચાવી લીધા હતા અને સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઇ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.