Western Times News

Gujarati News

શહેરમાં કોરોના વિસ્ફોટઃ એક જ દિવસમાં નવા ૮૩૯૧ કેસ કન્ફર્મ

૨૦૨૦ના દસ મહિનામાં નોંધાયેલ કુલ કેસ જેટલા કેસ જાન્યુઆરી-૨૨માં નોંધાયા ઃ પ્રથમ લહેરના પીક મહિના જેટલા કેસ માત્ર એક જ દિવસમાં કન્ફર્મ થયા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાએ પાછલા તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. શહેરમાં બુધવારે એક જ દિવસમાં નવા આઠ હજાર કરતા વધુ કેસ કન્ફર્મ થયા છે. જ્યારે જાન્યુઆરી મહિનામાં કોરોનાના નવા કેસની સંખ્યા ૫૩ હજારને પાર કરી ગઈ છે.

જે કોરોનાની પ્રથમ લહેર અને ૨૦૨૦ની દિવાળીમાં આવેલી મીની લહેરના કુલ કેસ કરતા પણ વધારે છે. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ટેસ્ટીંગ અને ટ્રેસીંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ.તંત્ર દ્વારા બુધવારે નવા ૧૯ વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકારે પણ કોરોના ટાસ્ક ફોર્સ ફરી કાર્યરત કરી છે. તેમજ નાગરીકોને સાવધ રહેવા અપીલ કરી છે.

અમદાવાદ શહેરનાં કોરોના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ ગયો છે. ૧૮ જાન્યુઆરીએ ૫૯૯૮ કેસ કન્ફર્મ થયા હતા જ્યારે ૧૯ જાન્યુઆરીએ વધુ ૮૩૯૧ કેસ પોઝીટીવ કેસ કન્ફર્મ થયા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે. શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ-૨૦૨૦માં કન્ફર્મ થયો હતો. ૨૦૨૦ની સાલના મે અને જૂન મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા.

નિષ્ણાંતોના મતે મે અને જૂન મહિનામાં પ્રથમ લહેર હતી જેમાં અનુક્રમે ૯૧૫૪ અને ૮૬૭૭ કેસ નોંધાયા હતા. જ્યારે ૨૦૨૦માં નવેમ્બર અને ડીસેમ્બર મહિનામાં મીની લહેર આવી હતી. આ બે મહિનામાં કોરોનાના અનુક્રમે ૬૯૮૪ અને ૭૧૯૬ કેસ કન્ફર્મ થયા હતા. આમ, ૨૦૨૦ની સાલમાં કોરોનાએ બે વખત કહેર વર્તાવ્યો હતો.

છતાં માર્ચ-૨૦૨૦થી ડીસેમ્બર-૨૦૨૦ સુધી કોરોનાના કુલ ૫૪૫૦૫ કેસ નોંધાયા હતા. જેની સામે જાન્યુઆરી-૨૦૨૨ના પ્રથમ ૧૯ દિવસમાં જ કોરોનાના ૫૩૬૧૧ કેસ કન્ફર્મ થયા છે. આ આંકડા કોઈપણ દેશ રાજ્ય કે શહેર માટે અત્યંત ભયાવહ માનવામાં આવે છે. શહેરમાં ૨૦૨૦ના ૧૧ મહિનાના કુલ કેસની સંખ્યા માત્ર ૧૯ દિવસમાં નોંધાયા છે. જાે કે તેની સામે મૃત્યુની અને ગંભીર દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે જેના કારણે તંત્ર અને નાગરીકો થોડી ઘણી રાહત અનુભવી રહ્યા છે.

શહેરમાં ૧લી જાન્યુઆરીએ કોરોનાના માત્ર ૫૫૯ કેસ કન્ફર્મ થયા હતા. બીજી જાન્યુઆરીએ કેસની સંખ્યા ઘટી ૩૯૬ થઈ હતી. ચોથી જાન્યુઆરીએ પ્રથમ વખત કેસની સંખ્યા ચાર આંકડામાં પહોંચી હતી તથા ૧૨૯૦ કેસ નોંધાયા હતા. ત્યારબાદ તેમાં સતત વધારો થતો રહ્યો છે. તેમ છતાં ૧૨ જાન્યુઆરીથી ૧૬ જાન્યુઆરી દરમ્યાન કેસની સંખ્યામાં માત્ર વધઘટ જાેવા મળી નહતી. પરંતુ ૧૭ જાન્યુઆરીએ દૈનિક કેસની સંખ્યા ૪૩૪૦ થઈ હતી.

૧૮ જાન્યુઆરીએ તેમાં ૧૬૫૮ કેસનો વધારો થયો હતો તથા દૈનિક કેસની સંખ્યા પ્રથમ વખત ૫૯૯૮ થઈ હતી. જ્યારે ૧૯ જાન્યુઆરીએ કોરોનાએ પાઠલા તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. તેમજ એક જ દિવસમાં નવા ૮૩૯૧ કેસ નોંધાયા છે. જે પ્રથમ અને બીજી લહેર દરમ્યાન કોઈ એક મહિનામાં નોંધાયેલા કેસની સંખ્યા બરાબર થાય છે.

એપ્રિલ ૨૦૨૦થી માર્ચ-૨૦૨૧ સુધી દર મહિને કોરોનાના કન્ફર્મ કેસ પર દૃષ્ટિમાન કરીએ તો મે-૨૦૨૦માં ૯૧૫૪, જૂન-૨૦૨૦માં ૮૬૭૭ તથા માર્ચ-૨૦૨૧માં ૯૫૪૪ કેસ નોંધાયા હતા. જેની સામે ૧૯ જાન્યુઆરીએ માત્ર એક જ દિવસમાં પોઝીટીવ કેસની સંખ્યા ૮૩૯૧ કન્ફર્મ થઈ છે. ઉત્તરાયણના તહેવારો અને કમુરતા બાદ લગ્ન-પ્રસંગો શરૂ થયા હોવાથી કેસની સંખ્યા વધી રહી હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

શહેરમાં કોરોના વિસ્ફોટ થયા બાદ મ્યુનિ.આરોગ્ય વિભાગ “એલર્ટ મોડ” પર આવી ગયું છે. તેમજ ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. શહેરમાં કોરોના ટેસ્ટીંગના ડોમની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે બુધવારે વધુ ૧૯ વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

મ્યુનિ.આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ મોટી સાલ્વીવાડ સરસપુર, આલોક એપાર્ટમેન્ટ ચિલોડા, એવલોન કોટયાર્ડ મણીનગર, રામેશ્વર પાર્ક સેાસાયટી મણીનગર, જીવાભાઈ ટાવર-બોડકદેવ, સહજાનંદ ઓએસિસ-મેમનગર સહિતના વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં હાલ ૧૦૪ વિસ્તાર એક્ટીવ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા લગભગ ૨૯ હજાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.