Western Times News

Gujarati News

બ્રુનેઈના સુલતાનની દીકરીના 7 દિવસના શાનદાર લગ્ન

નવી દિલ્હી, બ્રુનેઈના સુલતાન હસનઅલ બોલ્કિયાની 36 વર્ષીય દીકરી અને રાજકુમારી ફદજિલ્લાહ લુબાબુલે અવાંગ અબ્દુલ્લાહ નબીલ મહમૂદ અલ-હાશિમી સાથે લગ્ન કરી લીધા છે.

રાજકુમારીએ લગ્નની વિધિઓ દરમિયાન પન્ના અને હીરા જડેલા તાજ પહેર્યા હતા જેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ભવ્ય લગ્ન સમારંભની શરૂઆત ગત 16 જાન્યુઆરીના રોજ થઈ હતી અને તે એક સપ્તાહ સુધી ચાલ્યા હતા.

ફોર્બ્સના અહેવાલ પ્રમાણે તેલથી સમૃદ્ધ એવા બ્રુનેઈના સુલતાન હસનઅલ બોલ્કિયા વિશ્વના સૌથી ધનવાન રાજઘરાણાઓમાંથી એક છે અને તેમની કુલ સંપત્તિ 20 બિલિયન ડોલર કરતાં પણ વધારે છે. સુલતાનને 2 પત્નીઓ અને 12 બાળકો છે તથા કિંગ્સટન યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ લુબાબુલ તેમનું 9મું સંતાન છે.

ફદજિલ્લાહે લગ્નમાં જે ઘરેણાં પહેર્યા હતા તે પોતાની સ્ટેપ મધરના રોયલ કલેક્શનમાંથી મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. તે સુલતાનની બીજી પત્નીની દીકરી છે અને સુલતાને તેમને 2003ના વર્ષમાં છૂટાછેડા આપી દીધા હતા. સુલતાનને બીજી પત્નીથી કુલ 4 બાળકો છે જેમાં 30 વર્ષીય પ્રિન્સ માટીન એક ઈન્સ્ટાગ્રામ સ્ટાર છે.

સુલતાનના સત્તાવાર નિવાસ સ્થાન ઈસ્તાના નુરૂલ ઈમાન ખાતે આ લગ્ન યોજાયા હતા. વિશ્વના સૌથી વિશાળ મહેલ પૈકીના એક એવા આ મહેલમાં 1,700 રૂમ છે અને 5,000 માણસો સમાઈ શકે તેટલો વિશાળ બેન્ક્વેટ હોલ પણ છે. લગ્નની એક વિધિ ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદ ખાતે પણ યોજાઈ હતી.

પ્રિન્સેસ ફદજિલ્લાહ બ્રુનેઈની નેશનલ નેટબોલ ટીમની કેપ્ટન છે અને તેનો પતિ ઈરાકનો છે પરંતુ કેનેડામાં વસે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.