Western Times News

Gujarati News

ક્રિપ્ટોકરન્સીની કિંમત ચણા-મમરા જેટલી પણ નથી: દાસ

નવી દિલ્હી, સરકારે એક તરફ ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર પર ૩૦ ટકાનો તગડો ટેક્સ ઝીંક્યો છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ કહ્યું છે કે પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી દેશની નાણાકીય સિસ્ટમ માટે ખતરનાક છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીની અંડરલાઈંગ વેલ્યુ ચણા-મમરા જેટલી પણ નથી. રિઝર્વ બેન્કે સાફ સંકેત આપી દીધા છે કે તે ક્રિપ્ટોકરન્સીને લિગલ માન્યતા આપી શકે તેમ નથી અને તે આવી કરન્સી પર બિલકુલ ભરોસો ધરાવતી નથી.

શક્તિકાંતા દાસે રોકાણકારોને ચેતવણી આપતા કહ્યું કે આવી એસેટ્‌સની કોઈ વેલ્યૂ હોતી નથી. તાજેતરમાં કેન્દ્રિય બજેટમાં ક્રિપ્ટો પર ૩૦ ટકા ટેક્સની જાહેરાત કરવામાં આવ્યા પછી આરબીઆઈનું આ નિવેદન અત્યંત સૂચક માનવામાં આવે છે. આરબીઆઈએ અગાઉ પણ ક્રિપ્ટો કરન્સીની યોગ્યતા સામે સવાલ કર્યા હતા.

બજેટમાં ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ નાખવામાં આવ્યો ત્યારે ક્રિપ્ટો ઇન્વેસ્ટર્સને લાગ્યું કે તેમનું રોકાણ હવે લિગલ થઈ ગયું છે. પરંતુ શક્તિકાંતા દાસે કહ્યું કે, પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી, જેને તમે ભલે ગમે તે નામે ઓળખતા હોય, તે આપણી મેક્રોઇકોનોમિક સ્થિરતા સામે જાેખમ છે. તેના કારણે નાણાકીય સંતુલન ખોરવાઈ શકે છે.

તેમણે કહ્યું કે રોકાણકારોને આ વિશે સાવધાન કરવા એ મારી ફરજ છે. રોકાણકારોને ખબર હોવી જાેઈએ કે તેઓ પોતાના જાેખમે રોકાણ કરી રહ્યા છે. તેમણે પોતાની વાત રજુ કરવા માટે એક ઐતિહાસિક સંદર્ભ ટાંક્યો હતો જેમાં કોઈ મૂળભૂત મૂલ્ય વગરની ચીજ પાછળ લોકો પાગલ થાય ત્યારે કેવું પરિણામ આવે તે જાેઈ શકાય છે.

તેમણે કહ્યું કે ક્રિપ્ટો કરન્સીનું મૂલ્ય ‘તુલિપ’ જેટલું પણ નથી. આ રીતે તેમણે ૧૭મી સદીના ‘તુલિપ મેનિયા’નો ઉલ્લેખ કર્યો હતો જેમાં કોઈ ચીજની મૂળભૂત વેલ્યુન હોવા છતાં લોકો અટકળોના આધારે કોઈ ચીજ ખરીદવા લાગે ત્યાર પછી તેના ભાવનો પરપોટો ફૂટે છે અને લોકોને ભારે નુકસાન જાય છે.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સી માટે રોકાણમાં લોકોને રસ જાગ્યો છે જેમાં ટેકનોલોજીને પસંદ કરતો યુવા વર્ગ સૌથી આગળ છે. બિટકોઈન તેનું જ્વલંત ઉદાહરણ છે. આવી ડિજિટલ કરન્સીને ટેકો આપવા માટે કોઈ એસેટ હોતી નથી. છતાં તેના ભાવમાં સતત જંગી વધ-ઘટ થતી રહે છે અને માત્ર ધારણાના આધારે તેમાં રોકાણ કરવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.