Western Times News

Gujarati News

અમિત શાહે જ્યાંથી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરુ કર્યો હતો ત્યાં રેકોર્ડ મતદાન નોંધાયું

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ના પહેલા ચરણ માટે ૧૦ ફેબ્રુઆરીએ મતદાન થયું. મતદારોએ લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો. જાે કે, ગયા વર્ષની સરખામણીએ આ વખતે મતદાનની કુલ ટકાવારી થોડી ઓછી રહી.

આ દરમિયાન કેટલાક રસપ્રદ તથ્યો સામે આવ્યા છે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા અમિત શાહે શામલી જિલ્લા અંતર્ગત આવતા કૈરાના વિધાનસભા ક્ષેત્રથી આ વખતે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. કૈરાનામાં પણ પ્રથમ ચરણ હેઠળ મતદાન થયું હતું.

ચૂંટણી પંચ દ્વારા જારી આંકડા અનુસાર, પ્રથમ ચરણની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન કૈરાના વિધાનસભા સીટ પર નોંધાયું છે. અહીં મતદાનની ટકાવારી ૭૫.૧૨ રહી. જણાવી દઈએ કે સ્થળાંતરને લઈને કૈરાના ચર્ચામાં છે અને આ વખતની ચૂંટણીમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે પશ્ચિમી ઉત્તર પ્રદેશથી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે ૨૨ જાન્યુઆરીએ કૈરાનામાં ડોર ટુ ડોર કેમ્પેઈન કરીને પાર્ટી માટે વોટ માંગ્યા હતા.

અમિત શાહે વિધાનસભા ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત એ હિંદુ પરિવારોના ઘરોથી કરી, જેમણે કથિત રીતે વર્ષ ૨૦૧૭ પહેલા સ્થળાંતર કર્યું હતું અને હવે પાછા પોતાના ઘરે આવી ગયા છે.

આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે કૈરાનાના લોકો હવે ભય હેઠળ નથી રહ્યા. બીજેપીના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે કાયદા-વ્યવસ્થાની સંતોષજનક સ્થિતિ વિકાસ માટે પ્રાથમિક શરત છે. અમિત શાહે કહ્યું હતું કે યોગી આદિત્યનાથની સરકારે ઉત્તર પ્રદેશમાં આ સુનિશ્ચિત કર્યું છે.

કૈરાના વિધાનસભા સીટ શામલી જિલ્લા અંતર્ગત આવે છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, શામલીમાં કુલ ૬૯.૪૨ ટકા મતદાન થયું. આ ક્ષેત્રમાં કૈરાના ઉપરાંત શામલી અને થાના ભવન વિધાનસભા ક્ષેત્ર આવે છે. શામલીમાં ૬૭.૫૦% અને થાના ભવનમાં ૬૫.૬૩% મતદાન થયું. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ કૈરાનામાંથી હિંદુઓનું સ્થળાંતર એક મોટો મુદ્દો બન્યો હતો.

ચૂંટણી આયોગના ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણનું મતદાન ગુરુવારે સાંજે ૬ વાગ્યે સમાપ્ત થયું. પ્રથમ ચરણમાં ૬૦.૫૧ ટકા મતદાન થયું. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ કેટલીક જગ્યાએ ઈફસ્માં ટેકનિકલ ખામી હોવાના અહેવાલ આવ્યા. આ ચરણમાં ૬૨૩ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી ૭૩ મહિલા ઉમેદવારો છે અને લગભગ ૨.૨૭ કરોડ મતદાતાઓએ રાજ્યના પશ્ચિમ ક્ષેત્રના ૧૧ જિલ્લાઓમાં ફેલાયેલા કુલ ૫૮ મતવિસ્તારોમાં ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.