Western Times News

Gujarati News

બિટકોઈન માઈનિંગમાં રોકાણ કરાવી ૨૦૦ કરોડનું કૌભાંડ

મુંબઈ, ક્રિપ્ટોકરન્સી હવે છેતરપિંડીનું નવું માધ્યમ બની ગયું છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે આવા એક કાંડનો ભાંડો ફોડ્યો છે. સાયબર ક્રાઈમની આ નવી મોડસ ઓપરેન્ડી છે જેમાં સાયબર ફ્રોડસ્ટર્સના એક ગ્રુપે એક મ્યુઝિક ટીચરને બિટકોઈન માઈનિંગમાં રોકાણ કરીને ઊંચા વળતરનું વચન આપીને ઠગાઈ કરી છે. પોલીસે કર્ણાટકના રહેવાસી ૩૧ વર્ષીય શખ્સની ધરપકડ કરી છે અને તેની તપાસમાં ૨૦૦ કરોડના કાંડનો ભાંડો ફૂટ્યો છે.

આ ગેંગના ૧૧ બેંક એકાઉન્ટમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધારેના નાણાકિય વ્યવહારો સામે આવ્યા છે. ઓક્ટોબરથી ફક્ત એક જ એકાઉન્ટમાં ૧૮૯ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે.

ફરિયાદીએ માટુંગા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી. ગત વર્ષે ૧૨ ઓગસ્ટે ફરિયાદીના ફોન પર એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો અને તેને બિટકોઈન માઈનિંગમાં રોકાણ કરવા માટે પૂછ્યું હતું. તેમને તેમના રોકાણ પર દૈનિક વળતર આપવાની વાત કરવામાં આવી હતી. શિક્ષકે ટેક્સ્ટ મેસેજમાં આપવામાં આવેલી લિંક પરથી એક એપ ડાઉનલોડ કરી હતી અને શરૂઆતમાં ૨,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બીજા દિવસે તેના ખાતામાં પ્રોફિટના ૫૦ રૂપિયા ડિપોઝિટ થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તેને વિવિધ મોબાઈલ નંબર પરથી વોટ્‌સએપ કોલ આવ્યા હતા. તેમાંથી એક કોલર આરવ ખન્નાનો હતો જેણે મ્યુઝિક ટીચરને મોટો નફો મેળવવા માટે મોટું રોકાણ કરવાનું કહ્યું હતું.

નિયમિત રીતે નફો તેમના ખાતામાં જમા થતો રહેતો હતો અને બાદમાં ટીચરે બિટકોઈન માઈનિંગ માટે એપમાં ૨.૪૭ કરોડ રૂપિયા ડિપોઝિટ કર્યા હતા. ભારતમાં ૨૪૦ જેટલા લોકો સાથે આ છેતરપિંડી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ સમય દરમિયાન આરોપીએ એક વોટ્‌સએપ ગ્રુપ બનાવ્યુ હતું અને ગ્રુપમાં ૨૦૦થી વધુ રોકાણકારોને એડ કર્યા હતા. થોડા દિવસ બાદ એપ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી. રૂપિયા પાછા મેળવવા માટે તમામ કોલર્સને કરવામાં કોલ વ્યર્થ ગયા હતા. ત્યારે ફરિયાદીને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ઝોનલ ડીસીપી વિજય પાટીલની દેખરેખમાં સિનિયર ઈન્સપેક્ટર દીપક ચવ્હાણની આગેવાનીમાં એક ટીમ બનાવવામાં આવી હતી.

તેઓ બેંગલુરુ ગયા હતા અને આરોપીને એક બેંક નજીકથી ઝડપી પાડ્યો હતો અને ટીમે સીસીટીવી ફૂટેજ જાેયા હતા. શુક્રવારે પોલીસે બેંગલુરૂના રહેવાસી મોહમ્મદ જબીરની ધરપકડકરી હતી.

પીએસઆઈ રાજાભાઉ ગરાડ અને તેમના સાથીઓએ તેની પાસેથી બેંક પાસબુક, ત્રણ ડેબિટ કાર્ડ્‌સ અને મોબાઈલ ફોન મેળવ્યો હતો. પોલીસે શોધી કાઢ્યું કે ઓપરેટર્સના નંબર દુબઈના આઈપી એડ્રેસનો ઉપયોગ કરતા હતા. આરોપી ચીન અને સિંગાપોરના નકલી આઈપી એડ્રેસનો ઉપયોગ પણ કરતો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આ ગુનામાં વિવિધ બેંક એકાઉન્ટ્‌સમાં ૨૦૦ કરોડથી વધુના નાણાકિય વ્યવહારો થયા છે. તેમણે કહ્યું હતું કે, અમને એક બેંક એકાઉન્ટ મળ્યું છે જેમાંથી થોડા સમય પહેલા ૭૦ લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. અમે અન્ય આરોપી સભ્યોને શોધી રહ્યા છીએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.