Western Times News

Gujarati News

૧૦ અને ૧૨માં ૫.૮૮ લાખ વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા

અમદાવાદ, છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ નુકસાન થયું છે. પરંતુ ગુજરાતમાં મહામારીને લીધે માત્ર લર્નિંગ લોસ જ નહીં વધુ એક ખોટ પણ પડી છે. માર્ચ ૨૦૨૨માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ૫.૮ લાખ વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ધોરણ ૧૦માં ચાલુ વર્ષે ૯.૭૨ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જે ૨૦૨૧ની સરખામણીમાં ઓછા છે.

કોરોનાની બીજી લહેરના કારણે ૨૦૨૧માં માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું હતું એ સમયે ધોરણ ૧૦માં ૧૪.૦૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ૨૦૨૦માં મહામારી શરૂ થઈ હતી એ વખતે પણ ૧૧.૫ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ જ પ્રકારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪.૨૬ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે નોંધણી કરાવી છે, જે ગત વર્ષ કરતાં ઓછી છે.

૨૦૨૧માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૪૨ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.

ગત વર્ષે ૧.૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. નિષ્ણાતોનું માનીએ તો, વિદ્યાર્થીઓની સંખ્યામાં આટલો ભારે ઘટાડો અગાઉ ક્યારેય જાેવા મળ્યો નથી. પ્રાથમિક રીતે નિષ્ણાતોએ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા પાછળના બે મુખ્ય કારણ આપ્યા છેઃ મહામારીના કારણે લોકોની આર્થિક અને સામાજિક તકલીફો વધી છે જેના લીધે કેટલાય વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી ડ્રોપ લીધો છે.

બીજું કારણ છે કે, રિપીટરોની સંખ્યા શૂન્ય છે કારણકે આગલા વર્ષે મહામારીના લીધે માસ પ્રમોશન અપાયું હતું. અમદાવાદ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ અમૃત ભરવાડના કહેવા અનુસાર, સ્કૂલોમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૦થી૧૨ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે. મોટાભાગના વાલીઓ સ્કૂલમાંથી એમ કહીને લીવિંગ સર્ટિફિકેટ લઈ જાય છે કે, તેઓ અન્ય શાળામાં એડમિશન લઈ રહ્યા છે. પરંતુ હકીકત સૌ જાણે છે કે, મહામારીના લીધે કેટલાય લોકોએ નોકરી અથવા પરિવારના કમાનાર વ્યક્તિ ગુમાવ્યા છે.

આવા પરિવારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ છૂટી જાય છે, તેમ અમૃત ભરવાડે ઉમેર્યું. સાણંદની ૯ પાસ વિદ્યાર્થિની પિંકી ભરવાડ આવું જ એક ઉદાહરણ છે. તેના સિક્યોરિટી ગાર્ડ પિતાએ નોકરી ગુમાવતાં ધોરણ ૧૦માંથી ડ્રોપ લેવાની ફરજ પડી છે.

છોકરીએ અભ્યાસ કરતાં અન્ય બાબતોને પ્રાધાન્ય આપ્યું તેમ સ્થાનિકોનું કહેવું છે. બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે, ધોરણ ૧૦ અને ૧૨માં માસ પ્રમોશનના કારણે એકપણ રિપીટ વિદ્યાર્થી નથી. પરિણામે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. “૨૦-૨૫ ટકા નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવા આવતા વર્ષનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.”SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.