Western Times News

Gujarati News

બજારમાં રોકાણકારોના ૧૦ લાખ કરોડથી વધુનું ધોવાણ

મુંબઈ, યુક્રેન પર રશિયાનો હુમલો શરૂ થઈ ગયો છે. આ હુમલાઓની અસર ગુરુવારે ભારતીય શેરબજારો તેમજ વૈશ્વિક બજારો પર જાેવા મળી હતી. રશિયન શેરબજાર પણ તેનાથી અસ્પૃશ્ય ન હતું. ભારતમાં, જ્યાં બીએસઈ સેન્સેક્સ ૨,૮૦૦ પોઈન્ટ સુધી ગગડ્યો હતો, ત્યાં મોસ્કો એક્સચેન્જ પર રશિયન શેરો ૫૦ ટકાથી વધુ તૂટ્યા હતા. યુક્રેન સંકટ વચ્ચે રશિયાના મોસ્કો એક્સચેન્જ પર લગભગ બે કલાક માટે ટ્રેડિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું.

તે પછી, જ્યારે ભારતીય સમય અનુસાર બપોરે ૧૨.૩૦ વાગ્યે ફરીથી ટ્રેડિંગ શરૂ થયું, ત્યારે રશિયન શેર ૫૦ ટકાથી વધુ તૂટ્યા. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને યુક્રેન સામે ખાસ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કર્યા પછી એક્સચેન્જે ટ્રેડિંગ સ્થગિત કર્યું. ભારતીય સમય અનુસાર બપોરે ૨ વાગ્યા સુધીમાં, આરટીએસ ઇન્ડેક્સ ૫૦.૦૫ ટકા ઘટીને ૬૧૨.૬૯-લેવલ પર હતો અને એમઓઈએક્સ બ્રોડ માર્કેટ ૪૪.૫૯ ટકા ઘટીને ૧,૨૨૬.૬૫ પર હતો. એક્સચેન્જનો વોલેટિલિટી (ડર) ઇન્ડેક્સ ૩૫.૧૦ ટકા સુધી વધ્યો હતો.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકારનું કહેવું છે કે યુક્રેન પર રશિયન હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૦ લોકો માર્યા ગયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ૧૦૯ પૈસા ઘટીને ૭૫.૭૦ (ટેન્ટેટિવ) પ્રતિ ડોલર પર બંધ થયો હતો. દરમિયાન, યુએસ ડોલર સામે રૂબલ ૭.૫% ઘટીને ૮૭ ના સ્તરે પહોંચ્યો હતો.

ગુરુવારે બીએસઈ સેન્સેક્સ ભારે ઘટાડા સાથે ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન ૨,૮૦૦ પોઈન્ટ જેટલો તૂટ્યો હતો. અંતે તે ૨૭૦૨ એટલે કે ૪.૭૨% ના ઘટાડા સાથે ૫૪,૫૨૯.૯૧ પર બંધ થયો. એનએસઈનો નિફ્ટી પણ ૮૧૫.૩૦ પોઈન્ટ અથવા ૪.૭૮% ના ઘટાડા સાથે ૧૬,૨૪૭ પર ટ્રેડ કરી રહ્યો હતો. સ્થાનિક શેરબજારો સતત સાતમા દિવસે ઘટાડા સાથે બંધ થયા છે.

યુક્રેન પર હુમલાના ઉશ્કેરાટને કારણે શેરબજારોમાં ઘટાડો શરૂ થઈ ગયો હતો. છેલ્લા ૭ સત્રોથી ડાઉનટ્રેન્ડ ચાલુ છે. આવી સ્થિતિમાં તે શુક્રવારે પણ જારી રહેવાની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે શુક્રવારે પણ શેરબજારમાં જાેરદાર ઘટાડો થઈ શકે છે, જેના કારણે શુક્રવાર રોકાણકારો માટે બ્લેક ફ્રાઈડે સાબિત થઈ શકે છે. ગુરુવારના ઘટાડાને કારણે રોકાણકારોને રૂ. ૧૦ લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

રશિયાએ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કર્યા બાદ ગુરુવારે ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ ૬ ડોલર પ્રતિ બેરલનો વધારો થયો હતો. રશિયન સપ્લાયમાં વિક્ષેપ આવવાની આશંકાથી બ્રેન્ટ ક્રૂડ ૧૦૦ ડોલર પ્રતિ બેરલને વટાવી ગયું છે. યુએસ બેન્ચમાર્ક ક્રૂડની કિંમત થોડા સમય માટે પ્રતિ બેરલ ૯૮ ડોલરને પાર કરી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ લંડન, જે આંતરરાષ્ટ્રીય તેલના ભાવની આધારશિલા ગણાય છે, તે ૫.૪૧ ડોલર વધીને ૯૯.૪૬ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. તે પાછલા સત્રમાં ૨૦ સેન્ટ ઘટીને ૯૪.૦૫ ડોલર પર બંધ રહ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.