Western Times News

Gujarati News

કોર્પોરેટરે એકલા વૃદ્ધની પ્રોપર્ટી પોતાના નામે લખાવી લીધી

વૃદ્ધે જણાવ્યું કે મને અંધારામાં રાખીને વિલ બનાવી લીધી

વડોદરા, વડોદરામાં ભાજપના કોર્પોરેટર પર ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. છાયા ખરાદી પર વૃદ્ધને હોસ્પિટલનું કહી વસિયતનામામાં વારસદાર તરીકે પોતાની પુત્રીનું નામ ઉમર્યાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કોરોનાકાળ દરમિયાન વૃદ્ધની સેવા માટે કોર્પોરેટર છાયા ખરાદી અને નીતિ ખરાદી ઘરે આવતાં હતાં.

ત્યારે વૃદ્ધ ગોપાલ શાહે સમગ્ર બાબતે શહેર ભાજપ પ્રમુખ અને મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. વડોદરાના સમા-સાવલી રોડ પર અજીતા સોસાયટી આવેલી છે, જ્યાં ગોપાલ શાહ નામના વૃદ્ધ રહે છે. તેઓ એકલવાયુ જીવન જીવે છે. તેમણે કોર્પોરેટર છાયા ખરાદી પર વારસદાર તરીકે પોતાની પુત્રીનું નામ ઉમેરી મિલકત દીકરીના નામે કરાવી દેવાનો આરોપ મૂક્યો છે.

ફરિયાદીનું કહેવું છે કે, હું અમિતનગર પાસે આવેલા મંદિરે દર્શન કરવા જતો ત્યાં આ માતા છાયા ખરાદી અને દીકરી નીતિ ખરાદી મને મળ્યાં હતા. હું બીમાર હતો ત્યારે તેઓ મારી સેવા કરવા અને મદદે આવતા હતા. પરંતુ એપ્રિલ મહિનામાં હું બીમાર પડ્યો ત્યારે તેઓ મને હોસ્પિટલમાં લઇ જવાનો છે એમ કહી કુબેરભવન લઇ ગયા હતા

અને મને અંધારામાં રાખી સહીઓ કરાવીને વિલ બનાવી લીધું હતું. જેમાં સાક્ષી તરીકે તેમની સોસાયટીમાં જ રહેતા શ્વેતા તરંગ પટેલ અને ચાવડા શરણ નીતિનભાઇને રાખવામાં આવ્યાં હતા. મને જ્યારે અજુગતું લાગ્યું ત્યારે મેં મા-દીકરીને ફોન કરીને પૂછ્યું તો તેમણે મને મારુ વિલ બનાવી નાંખ્યું હોવાનું કહ્યું હતું. જેમાં મારા મર્યા બાદ મારી મિલકત નીતિને મળશે તેવું લખ્યું હોવાનું જણાવ્યું હતું.

આ મામલે ગોપાલ શાહે હરણી પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ કરી છે. વૃદ્ધે મિલકત પડાવી લેવાનો અને તેમના ઘરમાં સોનાના દાગીનાઓ ચોરીને હાથ સાફ કરવાનો આક્ષેપ કર્યા છે. જાે કે આક્ષેપ અંગે છાયા ખરાદી અને નીતિ ખરાદીએ કહ્યું કે ગોપાલભાઇ બીમાર હતા ત્યારે અમે ઘરે જ નહીં હોસ્પિટલમાં પણ સેવા માટે જતાં હતા. તેમણે જ અમને તેમની મરજીથી વિલ માટે બોલાવ્યાં હતા. હવે કોઇના ચઢાવવાથી તેમણે આ ફરિયાદ નોંધાવી છે. અમે ચોરી કરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.