Western Times News

Gujarati News

યુદ્ધ શરૂ થતા ૨૪૨ છાત્રોને બચાવી ટીમ સાથે પરત ફરી હતી

કચ્છ, હાલ દુનિયાભરમાં રશિયા અને યુક્રેન વચ્ચેનુ યુદ્ધ ચર્ચામાં છે. એક તરફ લોકો યુક્રેન તરફ લાગણી દાખવી રહ્યાં છે, તો બીજી તરફ રશિયા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે એક યુવતી પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. કચ્છની દીકરી યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની પ્રથમ સાક્ષી બની છે. આ જાંબાજ યુવતી યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને બચાવવાનુ કામ કરી રહી છે.

કચ્છની દિશા ગડા એર ઈન્ડિયાનુ વિમાન લઈને યુક્રેનમાં લેન્ડ થઈ અને એક કલાકમાં યુદ્ધ શરૂ થતા ૨૪૨ ભારતીય છાત્રોને બચાવી ટીમ સાથે પરત ફરી હતી. યુદ્ધની ઘોષણા પહેલા જ દિવસે ૨૪૨ ભારતીયોને પરત લઈને આવેલી પ્રથમ કચ્છી મહિલા વિશ્વમાં ચર્ચાસ્પદ થયેલા વોરની સાક્ષી બની છે.

કચ્છના તૂમ્બડીની દિશા ગડા એર ઇન્ડિયામાં પાયલોટ છે. હાલ જૈન સમાજમાંથી દિશા ગડા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. યુદ્ધના પ્રથમ દિવસે જ દિશા ગડા એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અન્ય ચાર વરિષ્ઠ કૃ મેમ્બરો સાથે હતી. આ ફલાઇટ વાયા કાળા સમુદ્ર થઇ યુક્રેનના કવિવ સ્થિત બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ૮૦ નોટિકલ માઈલ દૂર હતી.

દિશા યુક્રેનમાં હાજર હતી ત્યા જ યુદ્ધનો આરંભ થઈ ચૂક્યો હતો. દિશા ગડા માટે યુદ્ધના કપરા સમયે પ્લેન ચલાવવુ ચેલન્જિંગ કામ હતું. અન્ય સિનિયરોના માર્ગદર્શન હેઠળ હવાઇઅડ્ડા પર નિયત કરતા ઓછા સ્પેસમાં પ્લેન લેન્ડ કર્યું હતું.

ત્યાર બાદ એરઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ ત્યાંની એરપોર્ટ ઓથોરિટી સાથે વાટાઘાટ કરી એક કલાકના ટૂંકા સમયગાળામાં યુક્રેનથી ભારત આવવા માંગતા મેડિકલના ૨૪૨ છાત્રોને પરત મુંબઈ લાવવામાં આવ્યા હતા. આમ, દિશા સહિત અનેક ક્રુ મેમ્બર્સ ફસાયેલા વિદ્યાર્થીઓ માટે તારણહાર સાબિત થયા હતા.

છાત્રોને પરત લાવવામાં મદદરૂપ થનાર ટીમમાં સામેલ પાયલોટ દિશા ગડા કચ્છ જિલ્લાના મોટી તુંબડી ખાતે વસવાટ કરતા લીનાબેન જયેશ ગડાની પુત્રી છે. દિશા હાલ ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે હવાઈ સફરે છે. દિશા એર ઇન્ડિયામાં જ પાયલોટ તરીકે ફરજ બજાવતા આદિત્ય મન્નુરને પરણીને મુંબઈ ખાતે સ્થાયી થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.