Western Times News

Gujarati News

રોમાનિયા અને પોલેન્ડના લોકો અમારી મદદ માટે આગળ આવ્યા

અમદાવાદ, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન આર્મીએ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી કરી છે. ચારે બાજુ હુમલા, બોમ્બ બ્લાસ્ટ, મદદ માટે ચીસો પાડતા લોકો, સૈનિકો, જીવ બચાવવા સુરક્ષિત સ્થળોએ ભાગતા નાગરિકો, અને આ તમામ સ્થિતિ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવ્યા રોમાનિયાના સ્થાનિકો અને રોમાનિયામાં રહેતા ભારતીયો.

ઉલ્લેખનીય છે કે ભારતીય એમ્બેસી દ્વારા વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી હતી કે તેઓ રોમાનિયાની બોર્ડર સુધી પહોંચે અને ત્યાંથી તેમને સુરક્ષિત પાછા લાવવામાં આવશે. ભારત પાછા આવેલા વિદ્યાર્થીઓ રોમાનિયાના લોકોના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

ભારત પાછા આવીને ભારતીય વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી કે, યુક્રેનની બોર્ડર સુધી પહોંચવા માટે જ્યારે અમને ટ્રાન્સપોર્ટની મદદ જાેઈતી હતી, અમારા માટે ત્યાં પહોંચવું જ એક મોટો પડકાર હતો ત્યારે ઈન્ડિયન એમ્બેસીના અધિકારીઓ અમારી મદદ માટે આગળ નહોતા આવ્યા.

વિદ્યાર્થીઓનો દાવો છે કે, અહીં ભારતમાં જે પ્રકારે રેસ્ક્યુ ઓપરેશનની વાતો કરવામાં આવી રહી છે, તેમની સ્થિતિ યુક્રેનમાં એટલી સરળ નહોતી. ઓડેસ્સા નેશનલ મેડિકલ યુનિવર્સિટીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રવિ રામાણી જણાવે છે કે, બોર્ડર સુધી પહોંચવામાં અમને ઈન્ડિયન એમ્બેસીએ મદદ નહોતી કરી.

અમે જ્યારે રોમાનિયાના શેલ્ટર હોમમાં પહોંચ્યા તો ત્યાં ઈન્ડિયન એમ્બેસીની એક પણ વ્યક્તિ હાજર નહોતી. હું જીવના જાેખમે રોમાનિયાની બોર્ડર સુધી પહોંચ્યો છું. ગુરુવારના રોજ અમદાવાદ પાછો ફરેલો રવિ જણાવે છે કે, મને રોમાનિયાના શેલ્ટર હોમમાં એક સ્થાન મળ્યું. અહીં શાળાઓ, બાસ્કેટ બોલ કોર્ટ, અને હોટલો સુદ્ધાં ભારતીય વિદ્યાર્થીઓને સોંપવામાં આવ્યા હતા.

અમારી પાસેથી પૈસા પણ નહોતા લીધા. ઓડેસ્સા યુનિવર્સિટીમાં એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો પાલનપુરનો વિદ્યાર્થી હર્ષ ચૌધરી જણાવે છે કે, ૨૫મી ફેબ્રુઆરીના રોજ અમે બંકરમાં જતા રહ્યા હતા. ૨૬મી ફેબ્રુઆરીના રોજ મેં અને અન્ય ૫૦ વિદ્યાર્થીઓએ બસ ભાડે કરી અને રોમાનિયા બોર્ડર જવા નીકળી ગયા.

બોર્ડર પર ઘણી ભીડ હતી. ભીડને નિયંત્રણમાં લાવવા યુક્રેનની પોલીસે હવામાં ફાયરિંગ પણ કરવુ પડ્યુ હતું. રોમાનિયાના લોકોએ અમારા માટે, જમણવાર, પીવાનું પાણી, ફ્ટુ જ્યુસ, કપડા, જેકેટ અને અમારા પરિવાર સાથે વાત કરવા સિમ કાર્ડ સુધીની મદદ કરી હતી.

ભારત સરકાર કે ઈન્ડિયન એમ્બેસી તરફથી કોઈ પણ ત્યાં નહોતું. ભાવનગરના ઋત્વિક જેતાણી જણાવે છે કે, અમે ૨૫ ફેબ્રુઆરીના રોજ શહેર છોડ્યું. અમે નીકળ્યા ત્યારે ભારે શેલિંગ અને બોમ્બિંગ ચાલી રહ્યુ હતું. અમે બોર્ડર પર પહોંચ્યા પછી પોલેન્ડ ક્રોસ કરવામાં અમને ચાર દિવસ લાગ્યા. યુક્રેન બોર્ડર ક્રોસ કર્યા પછી અમે પોલિશ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા શેલ્ટર હોમમાં ગયા. પછી ત્યાંથી ઈન્ડિયન એમ્બેસીના અધિકારીઓએ અમને ભારત પાછા લાવ્યા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.