Western Times News

Gujarati News

સુડી ગામમાં દારૂનું દુષણ દુર કરવા ગ્રામજનો બુટલેગરોના વિડીયો સાથે કલેકટર કચેરી ગજવશે

પ્રતિકાત્મક

પોલીસને વારંવારની રજૂઆત બાદ પણ બુટલેગરો બિન્દાસ દેશી – વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોવાનો આક્ષેપ

(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચ જિલ્લામાં દારૂનું દુષણ દિવસેને દિવસે વધી રહ્યું છે ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ બાદ હવે આમાં તાલુકાના ગામના ગ્રામજનો દેશી વિદેશી દારૂના દૂષણથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

જેના પગલે ગામમાં ચાલતા દેશી દારૂના વેચાણ અંગેના વિડીયો સાથે પોલીસને રજૂઆત કરાઈ છે.પરંતુ બુટલેગરો પોતાનો દારૂનો ધંધો ચાલુ કરી દેતા હોય જેના પગલે ગ્રામજનોએ પણ મેદાનમાં ઉતરી સુડી ગામને દારૂ મુકત કરવાના ભાગરૂપે મંગળવારે ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકનાર છે.

આમોદ તાલુકાના સુડી ગામમાં મોટા પ્રમાણમાં દેશી વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોય અને ઘણી મહિલાઓ નાની ઉંમરમાં જ વિધવા બની રહી હોવાના આક્ષેપ સાથે ગામમાં ચાલતી દેશી વિદેશી દારૂની હાટડીઓ બંધ કરાવવાની માંગ સાથે હવે ગ્રામજનો આંદોલનના મૂડમાં આવી રહ્યા છે.

જેના પગલે ગામના સરપંચે પણ ગામમાં ચાલતું દારૂનું દુષણ દુર કરવા પંચાયતના લેટરપેડ ઉપર પોલીસને જાણ કરી છે પરંતુ પોલીસ પણ દેખાવા પૂરતી કામગીરી કરતી હોવાના આક્ષેપ સાથે દારૂનું દુષણ યથાવત રહ્યું છે.જેના ભાગરૂપે હવે ગ્રામજનો પણ ધીરે ધીરે મેદાનમાં ઉતરી ગયા હશે અને કેટલાય દેશીદારૂના બૂટલેગરોના સ્ટીગ વીડીયો કેદ કરી મંગળવારે વિડીયો સાથે કલેક્ટરને ગ્રામજનો આવેદનપત્ર સુપ્રત કરનાર છે.

આમોદ તાલુકાના સુડી ગામના ગ્રામજનો મંગળવારે કલેકટરને આવેદન સુપરત કર્યા બાદ પણ ગામ માંથી દારૂનું દૂષણ દૂર નહીં થાય તો ગ્રામજનો જનતા રેડ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે અને તેની સંપૂર્ણ જવાબદારી લાગતા-વળગતા અધિકારીઓની રહેશે તેઓ હુંકાર પણ ગ્રામજનોએ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.