Western Times News

Gujarati News

પંજાબમાં કાૅંગ્રેસના ધબડકા માટે પૂર્ણ રૂપે ગાંધી પરિવાર દોષિતઃ કેપ્ટન અમરિન્દરસિંહ

ચંડીગઢ, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તાજેતરમાં કાૅંગ્રેસ છોડી ગયેલા નેતા કૅપ્ટન અમરિન્દરસિંહે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કાૅંગ્રેસના ધબડકાના દોષનો ટોપલો સોનિયા ગાંધીના પરિવાર પર ઢોળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મને મુખ્ય પ્રધાનપદેથી હટાવાયા પહેલાં પંજાબમાં કાૅંગ્રેસ ખૂબ સારી સ્થિતિમાં હતી.

પાંચ રાજ્યોમાં પક્ષના કંગાળ દેખાવના કારણોનું વિશ્ર્‌લેષણ કરવા માટે કાૅંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક રવિવારે યોજાઈ હતી. ત્યાર પછી સોમવારે અમરિન્દરસિંહે કરેલા સ્ફોટક નિવેદનમાં પક્ષના પંજાબ એકમના પ્રમુખ નવજાેત સિંહ સિધ્ધુના આડંબર અને મુખ્ય પ્રધાન ચરણજિતસિંહ ચન્નીના ભ્રષ્ટાચાર પર પ્રહારો કર્યા હતા.

ગયા વર્ષે પંજાબના મુખ્ય પ્રધાનપદેથી હકાલપટ્ટી પછી કૅપ્ટન અમરિન્દરસિંહે કાૅંગ્રેસમાંથી રાજીનામુ આપીને નવો પક્ષ પંજાબ લોક કાૅંગ્રેસ સ્થાપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કાૅંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં વિધાન સભાની ચૂંટણીમાં કંગાળ દેખાવની જવાબદારી ઔચિત્યપૂર્વક સ્વીકારવાને બદલ હાર માટે મને દોષિત ગણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાૅંગ્રેસ ફક્ત પંજાબમાં નહીં, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, અને મણિપુરમાં પણ ધોવાઈ ગઈ.

એ ધોવાણની પૂરેપૂરી જવાબદારી ગાંધી પરિવારની છે. આખા દેશે ગાંધી પરિવારના નેતૃત્વમાંથી શ્રદ્ધા ગુમાવી છે. તેમણે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી- વાડ્રાના સંદર્ભમાં ટીપ્પણી કરી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ૧૧૭ બેઠકોમાંથી કાૅંગ્રેસને ફક્ત ૧૮ બેઠકો મળી હતી. ૯૨ બેઠકો મેળવીને આમ આદમી પાર્ટી સરકાર રચવાને સક્ષમ બની હતી.

પંજાબ પ્રદેશ કાૅંગ્રેસના પ્રમુખ સુનીલ જાખડે ચૂંટણી પૂર્વે ચરણજિત સિંહ ચન્નીની મુખ્ય પ્રધાનપદે નિયુક્તિની ટીકા કરી હતી. પક્ષના વરિષ્ઠ નેતાઓના ચન્નીને પક્ષની જણસ તરીકે વર્ણવવાના વલણની પણ જાખડે મશ્કરી કરી હતી. અમરિન્દર તથા અન્ય કાૅંગ્રેસી નેતાઓએ પક્ષના ધબડકા માટે પંજાબ એકમમાં આંતરિક લડાઈ અને નવજાેત સિધ્ધુના પક્ષ વિરોધી નિવેદનોને જવાબદાર ગણ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.