Western Times News

Gujarati News

બાપુનગરમાં છુરાબાજીના ત્રણ બનાવ : હેડ કોન્સ્ટેબલને ગંભીર ઈજા

 

મહિલા સહિત ચારથી વધુને ઈજા : એક જ વિસ્તારમાં છુરાબાજીના
ત્રણ બનાવો બનતા પોલીસ તંત્રમાં સનસનાટી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે શહેરના છેવાડાના વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો આંતક વધવા લાગ્યો છે જેના પરિણામે સ્થાનિક નાગરિકો ફફડી રહયા છે ગઈકાલે શહેરના બાપુનગર વિસ્તારમાં છુરાબાજીના કુલ ૩ બનાવો બન્યા છે જેમાં એક હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે.

પોલીસ અધિકારી પર છરીથી હુમલો કરી ગંભીર ઈજા પહોચાડવાની ઘટનાથી સમગ્ર પોલીસ તંત્રમાં સનસનાટી મચી ગઈ છે એક જ વિસ્તારમાં હુમલાના ત્રણ બનાવથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. પ્રથમ બનાવની વિગત એવી છે કે શહેરના બાપુનગર વિસ્તારમાં અલ કરીમ સ્કુલની બાજુમાં આવેલા સુંદરમ્‌નગર ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા અને વાહન ચલાવવાનું કામ કરતા સમસુદ્દીન અહેસાનઅલી અન્સારી ગઈકાલે સાંજના સુમારે તેમના પિતરાઈ ભાઈ આરિફ સાથે બહાર ગયા હતા અને કામ પતાવીને તેઓ પરત ઘરે આવતા હતા.

ત્યારે ઘરની બાજુમાં જ અલકરીમ સ્કુલ આગળ તેમના નાના ભાઈ ઈમરાન ઉભો હતો આ સમયે મોઈન ઉર્ફે મોના તથા સલમાન ઉર્ફે ભુરો નામના બે શખ્સોએ મોટર સાયકલ પર એકસીડન્ટ થવાની બાબતે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા જેથી હું અને આરીફ બંને જણા તેઓને સમજાવી છુટા પાડવાનો પ્રયાસ કર્યો હતો આ વખતે ઉશ્કેરાયેલા મોઈન ઉર્ફે મોનાએ હુમલો કરી તેમને તથા તેમના ભાઈને ઢોરમાર માર્યો હતો.

વાતાવરણ તંગ બની જતાં મોઈને ચપ્પુ કાઢી તેમના ઉપર ઘા કર્યો હતો જેના પરિણામે તેઓ લોહી લુહાણ થઈ ગયા હતાં હુમલાની ઘટનાથી બુમાબુમ થઈ જતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા એકત્ર થઈ ગયેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેમને શારદાબહેન હોસ્પિટલમાં સારવારઅર્થે લઈ ગયા હતાં જયાં તેમની હાલત સુધારા પર છે ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસ હોસ્પિટલ ગઈ હતી પ્રાથમિક તપાસમાં હુમલાખોર બંને શખ્સો તેમના ઘરની પાછળ જ આવેલા અંસારનગરમાં રહે છે જેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બાપુનગરમાં જ છુરાબાજીનો વધુ એક બનાવ બન્યો હતો આ અંગેની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં સોમનાથ મંદિર પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા ચંપકસિંહ ભીમસિહ ઝાલા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ગઈકાલે સાંજના ૭.૩૦ વાગ્યાના સુમારે પોતાના પુત્રને લઈ રખિયાલ ખાતે સ્કુલ બેગ લેવા નીકળ્યા હતા અને સ્કુલબેગ લઈ તેઓ અેકટિવા પર ઘરે પરત ફરતા હતા આ સમયે રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ સોનારિયા બ્લોક પાસેથી અેકટિવા લઈને પસાર થઈ રહયા હતા ત્યારે એક શખ્સ પુરઝડપે તેમની પાસેથી પસાર થયો હતો જેના પગલે તેમણે અેકટિવા શાંતિથી ચલાવવાનું કીધુ હતું.

આટલુ કહી તેઓ પોતાની અેકટિવા લઈ ભીડભંજન ધાનાણી ચવાણાની દુકાન પાસે ફરસાણ ખરીદવા ઉભા રહયા હતા આ સમયે એજ અેકટિવા ચાલક ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો વાતાવરણ ઉગ્ર બની જતાં આ શખ્સે તેના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી તેમના પર હુમલો કરતા તેમના શરીરના પગે તથા અન્યો ભાગો પર ચપ્પાના ઘા વાગ્યા હતા..

જેના પરિણામે તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા આ દરમિયાનમાં અન્ય નાગરિકો એકત્ર થઈ જતાં આરોપી ફરાર થઈ ગયો હતો પ્રાથમિક તપાસમાં આરોપીનું નામ કરણ ઉર્ફે છોટુ મિરપુરે અને તે બાપુનગર ગંગાનગરની ચાલીમાં રહેતો હોવાનું જાણવા મળી રહયું છે એકત્ર થયેલા લોકોએ ચંપકસિંહને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે શારદાબહેન હોસ્પિટલમાં લઈ ગયા હતાં જયાં તેમની સારવાર ચાલુ છે.

છુરાબાજીનો ત્રીજા બનાવ પણ બાપુનગર વિસ્તારમાં બન્યો હતો સરસપુર પોટલિયા ચાર રસ્તા પાસે ચાલીમાં રહેતા સંજયભાઈ ઉર્ફે અંકુરભાઈ પટણી નામનો યુવક રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે ગઈકાલે રાત્રે ૮.૩૦ વાગ્યે બાપુનગર શુભલક્ષ્મી ફલેટમાં રહેતા હંસાબહેનને રીક્ષાનું ભાડુ આપવા આવેલ સંજય હંસાબહેનની રીક્ષા ભાડેથી ફેરવે છે તેથી તે નિયમિત રીતે તેમને ભાડુ આપવા જતો હતો.  ગઈકાલે રાતના ૮.૪પ વાગ્યે હંસાબેનના ઘરની સામે રહેતા દક્ષાબહેન અને તેમના દિયર સુરેશ  પટણી ઝઘડો કરતા હતા તે સમયે તે અને તેની રીક્ષાના માલિક હંસાબેન ત્યાંજ ઉભા હતા અને ઝઘડો નહી કરવા માટે જણાવ્યું હતું

જેથી સુરેશભાઈ ગુસ્સે થઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા આ દરમિયાનમાં સુરેશ દોડીને ઘરમાં ગયો હતો અને ઘરમાંથી તીક્ષ્ણ હથિયારવાળુ ચપ્પુ લઈને આવ્યો હતો હંસાબહેન અને સંજય કશું સમજે તે પહેલાં જ ઉશ્કેરાયેલા સુરેશે ચપ્પાથી હુમલો કરી દીધો હતો જેના પરિણામે તેને શરીરના અનેક ભાગો પર ચપ્પાના ઘા વાગ્યા હતા

આ ઉપરાંત ઉશ્કેરાયેલા સુરેશે હંસાબહેન ઉપર ચપ્પાથી હુમલો કરતા તેઓ પણ લોહીલુહાણ થઈ ગયા હતા આ દરમિયાનમાં ભારે હોહામચી જતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં હંસાબહેન અને સંજયભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સમાં શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં બાપુનગર પોલીસે આ ત્રણેય છુરાબાજીના બનાવમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.