Western Times News

Gujarati News

આઈપીએલમાં કોલકાતા સામે બેંગલોરનો વિજય

મુંબઈ, આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૨૦૨૨ની સિઝનની બુધવારે રમાયેલી મેચ લો-સ્કોરિંગ પરંતુ રોમાંચક રહી હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે અંતિમ ઓવરમાં કોલકાતા સામે ત્રણ વિકેટે રોમાંચક વિજય નોંધાવ્યો હતો.

બંને ટીમના બોલર્સનું પ્રદર્શન દમદાર રહ્યું હતું અને બંનેમાંથી એક પણ ટીમનો બેટર ૩૦ રનના સ્કોર સુધી પણ પહોંચી શક્યો ન હતો. બેંગલોરે ટોસ જીતીને કોલકાતાને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કોલકાતા ૧૮.૫ ઓવરમાં ૧૨૮ રનના સ્કોરે ઓલ-આઉટ થઈ ગયું હતું.

જેના જવાબમાં કોલકાતાના બોલર્સની શાનદાર બોલિંગ સામે બેંગલોરના બેટર્સને પણ મુશ્કેલી નડી હતી. જાેકે, મિડલ ઓર્ડરના બેટર્સે બાજી સંભાળી હતી જ્યારે અંતિમ બે ઓવર્સમાં હર્ષલ પટેલ અને દિનેશ કાર્તિકની તાબડતોબ બેટિંગે બેંગલોરને વિજય અપાવ્યો હતો. બેંગલોરે ૧૯.૨ ઓવરમાં સાત વિકેટે ૧૩૨ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.

બેંગલોર સામે ૧૨૯ રનનો આસાન કહી શકાય તેવો લક્ષ્યાંક હતો પરંતુ તેની શરૂઆત ઘણી જ કંગાળ રહી હતી. ઉમેશ યાદવે તરખાટ મચાવી દેતા બેંગલોરની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી.

સુકાની ઓપનર ફાફ ડુપ્લેસિસ પાંચ રન નોંધાવીને ટિમ સાઉધીનો શિકાર બન્યો હતો જ્યારે ઉમેશ યાદવે અનુજ રાવતને ખાતું પણ ખોલવા દીધું ન હતું. હજી ટીમ ઉપરા-ઉપરી લાગેલા બે ઝટકામાંથી બહાર આવે તે પહેલા જ ઉમેશે વિરાટ કોહલીને આઉટ કરીને કોલકાતાને મોટી સફળતા અપાવી હતી.

કોહલીએ સાત બોલમાં ૧૨ રન નોંધાવ્યા હતા. આ સાથે બેંગલોરે ૧૭ રનના સ્કોરે પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટોપ ઓર્ડર નિષ્ફળ ગયા બાદ તમામ જવાબદારી મિડલ ઓર્ડરના બેટર્સ પર આવી હતી. જેમાં ડેવિડ વિલી, શેરફાન રૂધરફોર્ડ અને શાહબાઝ અહેમદે બાજી સંબાળી હતી. આ ત્રણેય બેટર્સે પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. વિલીએ ૨૮ બોલમાં ત્રણ ચોગ્ગા સાથે ૧૮ રન નોંધાવ્યા હતા. જ્યારે રૂધરફોર્ડે ૪૦ બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૨૮ રનની ઈનિંગ્સ રમી હતી.

જ્યારે અહેમદે ૨૦ બોલમાં ૨૭ રન ફટકાર્યા હતા જેમાં ત્રણ સિક્સર સામેલ હતી. જ્યારે દિનેશ કાર્તિકે અણનમ ૧૪ અને હર્શલ પટેલની અણનમ ૧૦ રનની ઈનિંગ્સ બેંગલોરને રોમાંચક વિજય અપાવ્યો હતો.

કોલકાતા માટે ટિમ સાઉધીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે ઉમેશ યાદવને બે તથા સુનીલ નરૈન અને વરૂણ ચક્રવર્તીને એક-એક સફળતા મળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જાેકે, શ્રેયસ ઐય્યરની આગેવાનીવાળી ટીમનું બેટિંગ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐય્યરની જાેડી ટીમને અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી શકી ન હતી. ૩૨ રનના સ્કોરે બંને ઓપનર પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

રહાણેએ નવ રન નોંધાવ્યા હતા જ્યારે વેંકટેશે ૧૦ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ હસારંગા સહિતના બોલર્સની ઘાતક બોલિંગ સામે કોલકાતાએ નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમ મોટો સ્કોર નોંધાવી શકી ન હતી. સુકાની શ્રેયસ ઐય્યર ૧૩, નિતિશ રાણા ૧૦, સુનીલ નરૈન ૧૨ અને સેમ બિલિંગ્સ ૧૪ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. વિકેટકીપર બેટર શેલ્ડન જેક્સન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.