Western Times News

Gujarati News

IPLની રોમાંચક મેચમાં લખનઉનો ૬ વિકેટે વિજય

મુંબઈ, ઈવિન લુઈસ (૫૫) અને ડિકોક (૬૧) રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્‌સે આઈપીએલ-૨૦૨૨ની સાતમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને ૬ વિકેટે હરાવી સીઝનમાં પોતાની પ્રથમ જીત મેળવી છે. આ સાથે ચેન્નઈએ સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૧૦ રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્‌સે ૧૯.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ચેન્નઈએ આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉ માટે કેપ્ટન કેએલ રાહુલ અને ક્વિન્ટન ડિકોકે આક્રમક શરૂઆત અપાવી હતી. પ્રથમ ૫ ઓવરમાં બંને બેટરોએ મળીને ટીમ માટે ૫૧ રન જાેડ્યા હતા.

પાવરપ્લેની ૫ ઓવરમાં બંનેએ ટીમનો સ્કોર ૫૫ રન સુધી પહોંચાડી દીધો હતો. ડિકોકે ૩૪ બોલમાં ૯ ચોગ્ગાની મદદથી પોતાના ૫૦ રન પૂરા કર્યા હતા. લખનઉને પ્રથમ ઝટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો. રાહુલ ૨૬ બોલમાં ૩ સિક્સ અને બે ફોર સાથે ૪૦ રન બનાવી આઉટ થયો હતો.

મનીષ પાંડે સતત બીજી મેચમાં ફ્લોપ રહ્યો અને તે ૬ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ડીકોક ૪૫ બોલમાં ૯ ચોગ્ગાની મદદથી ૬૧ રન બનાવી પ્રિટોરિયસની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ દીપક હુડ્ડા માત્ર ૧૩ રન બનાવી બ્રાવોનો શિકાર બન્યો હતો.

પરંતુ અંતમાં ઇવિન લુઈસ ૨૩ બોલમાં ૬ ફોર અને ત્રણ સિક્સ સાથે અણનમ ૫૫ અને આયુષ ભદોણીના ૯ બોલમાં ૧૯ રનની મદદથી લખનઉએ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. સીએસકેના ઓપનર રુતુરાજ ગાયકવાડનું બેટ આ મેચમાં પણ શાંત રહ્યુ અને તે એક રન બનાવી રનઆઉટ થયો હતો. રોબિન ઉથપ્પાએ ૨૭ બોલમાં ૫૦ રન બનાવ્યા હતા. ઉથપ્પા રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો.

મોઇન અલી ૩૫ રન બનાવી આવેશ ખાનની ઓવરમાં બોલ્ડ થયો હતો. અંબાતી રાયડૂને ૨૭ રનના સ્કોર પર બિશ્નોઈએ પેવેલિયન મોકલી આપ્યો હતો. શિવમ દુબેએ ૩૦ બોલમાં ૪૯ રન ફટકાર્યા હતા, પરંતુ તે ૧ રનથી અડધી સદી ચુકી ગયો હતો.

તેને આવેશ ખાને આઉટ કર્યો હતો. કેપ્ટન રવિન્દ્ર જાડેજા ૧૭ રન બનાવી આઉટ થયો હતો. પ્રિટોરિયસ શૂન્ય રને આઉટ થયો હતો. લખનઉ માટે આવેશ ખાન, એન્ટ્રુ ટાય અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.