Western Times News

Gujarati News

અમદાવાદીઓ શાકભાજી-ફળો જેટલા જ મીઠાઈ-ફરસાણ પાછળ ખર્ચે છે રૂપિયા

અમદાવાદ, ગુજરાતીઓનો ફરસાણ અને મીઠાઈ પ્રેમ કોઈનાથી છુપો નથી. ફાફડા, પાપડી, સેવ, સુખડી, મોહનથાળ વગેરે વસ્તુઓ દરેક ગુજરાતીના ઘરના ડબ્બામાં મળી આવે. માત્ર દેશમાં જ નહીં વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ અહીંથી ભાવતાં ફરસાણ અને મીઠાઈ લઈ જાય છે, જેથી વિદેશી ધરતી પર પણ ઘરનો સ્વાદ મળતો રહે.

હવે લાગી રહ્યું છે કે, ગળી અને તળેલી વસ્તુઓ પ્રત્યેનો આ પ્રેમ લોકોને ખાદ્યપદાર્થોની નબળી પસંદગી તરફ દોરી જાય છે. યુનાઈટેડ નેશન્સ એન્ડ પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા એક પાયલટ સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો.

જેમાં જાણવા મળ્યું કે, લીલા શાકભાજી અને સીઝનલ ફ્રૂટની પાછળ ૧૦૦ રૂપિયા ખર્ચતો અમદાવાદી આટલી જ રકમ પેકેજ ફૂડ, તળેલા નાસ્તા અને ભારતીય મીઠાઈઓ ખરીદવા માટે પણ ખર્ચ કરે છે.

અર્બન ફૂડ સિસ્ટમ એન્ડ ન્યૂટ્રીશન અસેસમેન્ટ ઈન અમદાવાદ, ગુજરાત’ નામનો પ્રોજેક્ટ રિપોર્ટ FAOના અહેમદ રઝા, PHFIના હિમાંશી પાંડે, અમીકા શિરીન લોબો અને અંજલી ગનપુલે રાવ દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યો છે.

કેટલું ન્યૂટ્રીશન લેવામાં આવે છે, ખાવાપીવાની ચીજાે પર કેટલો ખર્ચ થાય છે અને ખોરાકની પસંદગી પર કયા પરિબળો અસર કરે છે તે સમજવા માટે નેપાળ અને ભારતમાં પાયલટ સ્ટડી હાથ ધરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ તેનો જ ભાગ છે. ભારતમાંથી અમદાવાદ અને પૂણે એમ બે શહેરોની પસંદગી કરવામાં આવી છે.

પરિણામ પરથી જાણવા મળ્યું કે, સ્ટડીમાં ભાગ લેનારા ૭૩% લોકો શાકભાજી અને ૩૭ ટકા લોકો ફળો રોજ ખાય છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે, ૩૪ ટકા લોકોએ કબૂલ્યું કે તેઓ પેકેડ ફૂડ રોજ ખાય છે.

વળી, દરરોજ મીઠાઈ ખાનારા ૨૯ ટકા રિસપોન્ડન્ટ્‌સ છે. સ્ટડીમાં ભાગ લેનારા ૯૦ લોકોનું કહેવું છે કે, તેઓ સ્ટાર્ચવાળું સ્ટેપલ ફૂડ દરરોજ ખાય છે.

ફૂડ પાછળ વ્યક્તિદીઠ સરેરાશ ખર્ચ જાેઈએ તો ૨૦૦ રૂપિયા શાકભાજી અને ફળ પર ખર્ચ કરવામાં આવે છે. જ્યારે પેકેજ ફૂડ, તળેલા નાસ્તા અને મીઠાઈ પાછળ કુલ મળીને ૩૦૦ રૂપિયા ખર્ચ એક વ્યક્તિ કરે છે.

અન્ય ખરીદીમાં અનાજ કે લોટ (વ્યક્તિ દીઠ ૨૦૦૦ રૂપિયા), કઠોળ અને નટ્‌સ (૪૦૦ રૂપિયા), ડેરી ઉત્પાદનો (૬૦ રૂપિયા), મીટ અથવા પોલ્ટ્રી (૮૦૦ રૂપિયા) અને ઈંડા (૮૦ રૂપિયા)નો સમાવેશ થાય છે. સ્ટડીમાં બહાર આવેલી વિગતો અનુસાર, સરેરાશ ૫૦,૦૦૦ રૂપિયા પગાર હોય તો તેમાંથી ૪૦ ટકા અથવા ૨૦,૦૦૦ રૂપિયા ડેરી, અનાજ, કઠોળ, ફળ અને શાકભાજી તેમજ પેકેજ ફૂડ પર ખર્ચ કરવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.