Western Times News

Gujarati News

ભારતના GDPનો અંદાજ ૯ ટકાથી ઘટાડી ૮.૨ ટકા કરાયો

નવીદિલ્હી, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) એ પોતાના તાજેતરના વર્લ્‌ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ભારતનો GDP અંદાજ ઘટાડીને ૮.૨ ટકા કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વધતા ફુગાવાને કારણે ખાનગી વપરાશ અને રોકાણમાં ઘટાડો થશે. આ અહેવાલ મુજબ વિકાસશીલ દેશોમાં ભારતના જીડીપી અંદાજમાં સૌથી વધુ ઘટાડો કરવામાં આવ્યો છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અવરોધ ઉભો થતાં સમગ્ર વિશ્વમાં આવશ્યક વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.

આ અહેવાલમાં વિકસિત દેશો પૈકી જાપાનના જીડીપી અંદાજમાં સૌથી વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ ભારતના જીડીપીના અંદાજમાં ૦.૮ ટકા અને જાપાનના જીડીપીના અંદાજમાં ૦.૯ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ અગાઉ જાન્યુઆરીમાં IMFએ ભારતનો GDP ૯ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે IMFએ વૈશ્વિક GDPના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે. વર્ષ ૨૦૨૨ માટે વૈશ્વિક જીડીપીનો અંદાજ ૪.૪ ટકાથી ઘટાડી ૩.૬ ટકા કરવામાં આવ્યો છે.

IMFએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના GDPનો અંદાજ ૭.૧ ટકાથી ઘટાડી ૬.૯ ટકા કર્યો છે. આઇએમએફના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતની ચાલુ ખાતાની ખાધ ૩.૧ ટકા રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.