Western Times News

Gujarati News

વડોદરામાં તા.૨૪ એપ્રિલથી તા.૧ મે દરમિયાન “કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી” અભિયાન યોજાશે

જિલ્લાના ૭૧,૮૬૯ ખેડૂતો કિસાન ક્રેડિટ ધરાવે છે

બાકી રહેલા ખેડુતોને કિસાન ક્રેડિટ કેમ્પ (KCC) યોજી આવરી લેવામાં આવશે

પીએમ કિસાન હેઠળ જિલ્લામાં ૧.૬૭ લાખ ખેડૂતોએ યોજનાકીય લાભ મેળવ્યા

કલેકટરશ્રી અતુલ ગોરના અધ્યક્ષસ્થાને જિલ્લા સલાહકાર સમિતિની  બેઠક યોજાઈ

વડોદરા, તા.૨૧ એપ્રિલ, ૨૦૨૨ ગુરુવાર (વિ. સં. ૨૦૭૮ ચૈત્ર વદ ૫)   વડોદરા જિલ્લામાં કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી ઝૂંબેશ શરુ કરવામાં આવી છે. મહત્વનું છે કે, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આગામી તા.૨૪ એપ્રિલ-૨૦૨૨ થી તા.૧ મે-૨૦૨૨ દરમિયાન કિસાન ક્રેડિટ કેમ્પ (KCC) શરુ કરવામાં આવશે.

આ કામગીરીના આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી અતુલ ગોરના અધ્યક્ષસ્થાને જિલ્લા સલાહકાર સમિતિ (ડીસીસી) ની ખાસ બેઠક વડોદરા ખાતે યોજવામાં આવી હતી. તેમણે ખેડુતોને પ્રધાનમંત્રી (પીએમ) કિસાન યોજના, કિસાન ક્રેડિટ અને તેના યોજનાકીય લાભો વિશે માહિતી આપવી, જાગૃત્તિ લાવવા ક્યા-કયા પગલાઓ લેવામાં આવે તે સૂચન કર્યુ હતુ.

પીએમ કિસાન હેઠળ વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં ૧.૬૭ લાખ ખેડૂતોને યોજનાકીય લાભ મળ્યા છે, જેમાંથી ૭૧,૮૬૯ ખેડૂતોને KCC હેઠળ આવરી લેવામાં આવ્યા છે. બાકી રહેલા ખેડુતોને પણ કિસાન ક્રેડિટ હેઠળ આવરી લેવા માટે જિલ્લાની ગ્રામીણ અને અર્ધશહેરી એવી ૨૫૨ બેંક શાખાઓને પીએમ કિસાન લાભાર્થી ખેડુતોની યાદી પણ આપવામાં આવી છે. આ અભિયાન દરમિયાન લાભાર્થી ખેડુતોને તેમના મોબાઇલ નંબર પર જરુરી એસએમએસ કરવામાં આવશે.

વધુમાં સંબંધિત તમામ અધિકારી-કર્મચારીઓ ખેડુતો સાથે પત્ર વ્યવહાર કે રુબરુમાં સંપર્ક કરી તેમને યોજનાકીય લાભ વિશે માહિતગાર કરશે. આ યોજનાકીય વિગતો લાભાર્થીઓ સુધી પહોંચાડવા જિલ્લામાં ગ્રામસભાનું આયોજન કરવા પણ કલેકટરશ્રીએ સૂચના આપી હતી. જે લાભાર્થી ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) બાકી હોય તે માટે તે જરુરી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાનના તમામ લાભાર્થી ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના તળે આવરી લેવાના આ અભિયાનની શરુઆત તા.૬ ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ થઇ હતી. આ કામગીરી અંતર્ગત તાજેતરમાં ભારત સરકારે ‘કિસાન ભાગીદારી પ્રથમિકતા

અમારી’ નામનું અભિયાન શરૂ કરી ખેડુતોને વિવિધ યોજનાકીય લાભ તળે આવરી લેવાની નેમ છે. KCC પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે તા.૨૪ એપ્રિલ-૨૦૨૨ થી તા.૧ મે-૨૦૨૨ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, બેંક અને સંબંધિત કચેરીઓ સાથે સંકલન કરીને આ અભિયાનને અસરકારક બનાવવામાં આવશે.

આ ઉપરાંત સંભવિત KCC લાભાર્થીઓને એકત્ર કરવા અને તેના BCs, બેંક સખીઓ વગેરેના નેટવર્ક દ્વારા KCC મંજૂરી પણ આપવામાં આવશે. અગાઉ કેસીસી હેઠળ આવરી લેવાના બાકી હોય તે તમામ પીએમ કિસાન લાભાર્થીઓને પણ આવરી લેવાના પ્રયાસો પણ આ ઝૂંબેશ દરમિયાન કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.