Western Times News

Gujarati News

સંગ્રહખોરોના પાપે માંગ ઘટવા છતાં લીંબુના ભાવ નથી ઊતર્યા

અમદાવાદ, આજકાલ જાે તમને કોઈ ભેટમાં લીંબુ આપે તો તમારી જાતને નસીબદાર ગણજાે કારણકે ચાલુ વર્ષે ઉનાળામાં આ ખાટાં ફળની કિંમત આકાશે આંબી રહી છે.

માત્ર ખાવાપીવાની વસ્તુઓ જ નહીં ખરાબ નજર ઉતારવા માટે પણ વપરાતું લીંબુ હાલ ખૂબ મોંઘું થઈ ગયું છે. જાન્યુઆરીમાં એક લીંબુ ૨ રૂપિયામાં મળતું હતું જ્યારે આજે રિટેલ માર્કેટમાં એક લીંબુ ૧૫થી ૨૫ રૂપિયાની વચ્ચે વેચાય છે.

શહેર પોલીસનું માનવું છે કે, કોઈ અનૈતિક વેપારીના બદઈરાદાના કારણે લીંબુની કિંમતમાં કૃત્રિમ ભાવ વધારો થયો છે. ઈન્ટેલિજન્સ તરફથી બાતમી મળી છે કે, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં આવેલા કેટલાક કોલ્ડ સ્ટોરેજના માલિકોએ લીંબુની સંગ્રહખોરી કરી છે અને પરિણામ સ્વરૂપે કિંમતો ઊંચી ગઈ છે.

આ વાતની પુષ્ટિ કરતાં શહેરના એક પોલીસકર્મીએ જણાવ્યું કે, જમાલપુર APMCના એક હોદ્દેદારે તેમને માહિતી આપી છે કે, કૃત્રિમ અછત ઊભી કરવા માટે લીંબુનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.

“ઉનાળાની શરૂઆત થઈ તે પહેલા એટલે કે ફેબ્રુઆરીના અંતથી કેટલાક વેપારીઓએ લીંબુનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું”, તેમ આ કેસ સાથે સંકળાયેલા એક પોલીસકર્મીએ જણાવ્યું છે.

ઉનાળામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર જાય છે ત્યારે આકરા તાપ અને અમદાવાદ હાલ જેવી હિટવેવનો સામનો કરી રહ્યું છે તેવી સ્થિતિમાં દરેકને બને તેટલું ઓછું બહાર નીકળવાની અને પાણી પીવાની એમાંય ખાસ કરીને લીંબુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

પરંતુ પુરવઠાની સામે માગ અનેક ગણી વધતાં લીંબુ એટલા મોંઘા થયા કે રાજકોટના એક લગ્નમાં મહેમાનોએ વરરાજાને ભેટમાં લીંબુ ભરેલા બોક્સ આપ્યા હતા. પોલીસ અને APMCનું માનીએ તો, એક વેપારીએ સાબરકાંઠાના હિંમતનગરના વખારમાં આશરે ૩૦૦ ટન લીંબુનો સંગ્રહ કર્યો છે. “આજે ૨૦૦ રૂપિયે કિલો લીંબુ છૂટક બજારમાં વેચાય છે.

આ કિંમતને ધ્યાને લઈને હિસાબ માંડીએ તો લોકલ માર્કેટમાં સંગ્રહી રાખેલા લીંબુના જથ્થાની કિંમત ૬ કરોડ રૂપિયા થાય છે. પાંચ મહિના પહેલા જ્યારે એક કિલો લીંબુનો ભાવ ૨૦ રૂપિયા હતો ત્યારે સંગ્રહખોરી કરવામાં આવી હતી”, તેમ પોલીસે ઉમેર્યું. ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં કોલ્ડ સ્ટોરેજ યુનિટ અથવા વખાર ધરાવતા પાંચ વેપારીઓની ઓળખ કરી છે, તેમ પોલીસનું કહેવું છે. ”

અગાઉ ક્યારેય લીંબુને આ રીતે કોલ્ડસ્ટોરેજમાં સંગ્રહી રાખવામાં આવ્યા નથી. વહેલામાં વહેલી તકે વેપારીઓ તેને વેચવાનું પસંદ કરતા હતા. જાેકે, આ સંગ્રહખોરોને અંદાજાે હતો કે ઉનાળામાં લીંબુની માગ વધશે એટલે જ તેમણે કોલ્ડસ્ટોરેજને વધુ સગવડોથી સજ્જ કર્યા જેથી કરીને જલ્દી બગડી જતાં આ ખાટાં ફળને સાચવી શકાય.

અહીં નોંધનીય છે કે, આંધ્રપ્રદેશ બાદ ગુજરાત દેશમાં લીંબુના ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે. આંધ્રપ્રદેશમાં દેશના ૨૦ ટકા લીંબુનું ઉત્પાદન થાય છે જ્યારે ૧૮ ટકા ઉત્પાદન સાથે ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતના ભાવનગર અને રાજકોટ લીંબુ ઉત્પાદિત કરતાં મોખરાના જિલ્લા છે. પોલીસ અને એપીએમસીમાં રહેલા સૂત્રોના મતાનુસાર, રડારમાં રહેલા વેપારીઓએ દિલ્હી અને પંજાબમાં પણ લીંબુ ઊંચી કિંમતે વેચ્યા છે. ”

ગુજરાતના વેપારીઓનું દક્ષિણ ભારતના વેપારીઓ સાથે નેટવર્ક છે અને તેમણે લીંબુનો શરૂઆતનો પાક અહીંથી જ મેળવ્યો હતો”, તેમ એક પોલીસકર્મીએ જણાવ્યું. લીંબુની માંગમાં ૩૫ ટકા જેટલો ઘટાડો જાેવા મળ્યો છે તેમ છતાં છૂટક અને જથ્થાબંધ બજારમાં તેના ભાવમાં સહેજ પણ ફરક નથી પડ્યો.

શહેરના પશ્ચિમ વિસ્તારોના છૂટક બજારમાં હજી પણ એક કિલો લીંબુનો ભાવ ૨૦૦થી ૩૦૦ રૂપિયા છે જ્યારે જથ્થાબંધ બજારમાં પ્રતિ કિલોનો ભાવ ૧૨૦થી ૨૦૦ રૂપિયા છે. પોલીસનું કહેવું છે કે, સંગ્રહખોરી કરનાર વેપારી પકડાઈ જાય અને તેની સામેના આરોપો સાબિત થઈ જાય પછી તેની સામે કાયદાકીય કેસ દાખલ કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.