Western Times News

Gujarati News

ગૌણ ઔષધિય વનસ્પતિઓનું વાવેતર કરી કમાણી કરી શકાય છે

શતાવરી, ગળો, વછનાગ અને મધુનાશીની

ચોમાસાની ઋતુમાં વાડમાં, શેઢા પર કે પડતર જમીનમાં ઉગી નીકળતા વછનાગના છોડથી ઘણા લોકો પરિચિત હશે. તે લાલ અને પીળા રંગના આકર્ષક ફૂલો ધરાવે છે. આ અત્યંત ઉપયોગી વનસ્પતિ ને કેટલીક ખોટી માન્યતાને કારણે તિરસ્કૃત બનાવી દેવામાં આવેલ છે. અને તેને વધવાડિયો ( ઝઘડો કરાવનાર) નું બિરુદ આપી દેવામાં આવેલ છે.

હકીકતમાં પ્રાચીન અને અર્વાચીન ચિકિત્સા પધ્ધતિઓમાં તેનું ઘણું મહત્વ છે. અલબત વછનાગને તેમાં રહેલ રાસાયણિક તત્વોની માત્રાને કારણે ઝેરી વનસ્પતિ ગણવામાં આવે છે.

તેથી તેનાથી દુર રહેવા વધવાડિયા તરીકે ઓળખ આપવામાં આવી હોય તે શક્ય છે. તેના બીમાં રહેલ કોલ્ચીસીન રસાયણ સંધિવાત અને ‘ગાઉટ’ ની દવા તરીકે ઉપયોગી છે. જયારે તેના કંદ ભારતીય ચિકિત્સા પધ્ધતિમાં સાપના દંશમાં અને કૃમિનાશક તરીકે વપરાય છે.

ગોરાડું, મધ્યમ કાળી કે કાંપવાળી જમીન કે જેની ભેજ સંગ્રહશક્તિ સારી હોય તેવી જમીન તથા ગરમ અને ભેજવાળું વાતાવરણ તેને વધુ માફક આવે છે. વછનાગનું સવર્ધન બીજ કે કંદથી કરી શકાય છે.

કંદનો આકાર અંગ્રેજી અક્ષર ‘વી’ જેવો હોય છે. સામાન્ય રીતે ચોમાસાની સરુઆતમાં (મે થી જુલાઈ દરમિયાન) કંદ પર રહેલ આંખોનું સ્ફુરણ શરુ થઈ જાય છે. વાવેતર માટેના કંદનું વજન ૫૦-૬૦ ગ્રામથી ઓછુ હોવું જોઈએ નહી. વાવતા અગાઉ ૦.૧% કાર્બેન્ડાઝીમ ફૂગનાશક દવાનો પટ આપવાથી કંદના કોહવાટનું નિયંત્રણ થાય છે. વછનાગ વેલાવાળી વનસ્પતિ હોવાથી તેને ટેકાની જરૂર પડે છે.

સામાન્ય રીતે વછનાગનું વાવેતર કંદથી કરવામાં આવે છે. કંદને વાડની બાજુમાં ચોમાસામાં ૪૫ સે. મી. ના અંતરે અને ૬ થી ૮ સે. મી. ની ઊંડાઈએ રોપવા.

વૃદ્ધિ દરમિયાન વછનાગમાં મુખ્ય જીવાત લીલી ઈયળ જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે કે તરત કલોરપાયરીફોસ દવા ૨૦ ઈ.સી. ૨૦ મિ.લિ. અથવા ક્લોરેન્તીનીલીપ્લોર ૧૮.૫ એસી.સી. (૦.૦૬%) ૩ મિ.લિ. જંતુનાશક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા બે છંટકાવ કરવા. આ પાકમાં સામાન્ય રીતે કોઈ રોગનો ઉપદ્રવ જોવા મળતો નથી.

વછનાગની શીંગો ૧૭૦ થી ૧૮૦ દિવસે પાકી જાય છે. પાકી ગયેલ શીંગો ફાટી જાય તે પહેલા એકઠી કરવી અને સૂર્યપ્રકાશમાં સૂકવવી. ત્યારબાદ બીજ જુદા પાડી, પેકિંગ કરી સંગ્રહ કરવો.

વછનાગની ખેતી પધ્ધતિ વિકસાવી એકલા પાક તરીકે લેવાના પ્રયત્નો અન્ય રાજ્યોમાં થયેલ છે. જો યોગ્ય માંગ ઉભી થાય તો વધુ ઉત્પાદન મળે તથા આર્થિક રીતે પોષણક્ષમ બને તેવી આપણા રાજ્યને અનુકૂળ ખેતી પદ્ધતિ વિકસાવી શકાય.

મધુનાશીની- મધુનાશીનીને ગુદમાર તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ પ્રમાણે તેનામાં પ્રમેહનો નાશ કરવાનો ગુણ છે જેથી મધુપ્રમેહ (ડાયાબીટિસ) ની દવાઓ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. દવા તરીકે તેના લીલા અથવા સુકા પાનનો ઉપયોગ થાય છે. તેનું એકાદ પાન પણ જો ચાવવામાં આવે અને ત્યાર પછી ગળી વસ્તુ ખાવામાં આવે તો પણ તેનો સ્વાદ થોડો સમય સુધી લાગતો નથી.

મધુનાશીની સામાન્ય રીતે ગરમ ભેજવાળા જંગલોમાં જોવા મળે છે. તેની ખેતી માટે ગરમ ભેજવાળું વાતાવરણ વધુ માફક આવે છે. વધુ પડતી ઠંડીમાં તેની વૃદ્ધિ અટકે છે. દિવસે દિવસે તેની માંગ વધતા તેનું વ્યવસ્થિત વાવેતર કરવું જરૂરી બન્યું છે. માટે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે તેની ખેતી માટે પ્રાથમિક સંશોધન હાથ ધરવામાં આવેલ છે. તેની ખેતી માટેના પ્રાથમિક મુદા નીચે પ્રમાણે છે.

મધુનાશીનીના વેલા થાય છે. તે બહુવર્ષાયું છોડ છે. તેનું વાવેતર વાડે કરી શકાય છે. વાડે દર ૧ મીટરના અંતરે રોપી શકાય તેમજ ખેતરમાં વાવણી કરવી હોય તો ૧ મીટર ૦.૫૦ મીટરના અંતરે જૂન-જુલાઈ માસમાં સારો વરસાદ થતા અગાઉથી કટકા કલમ કે બીજથી કોથળીમાં ઉછેરેલા છોડથી કરવી જોઈએ.

મધુનાશીનીને સામાન્ય રીતે રસાયણિક ખાતર આપવામાં આવતું નથી. પરંતુ સારા પ્રમાણમાં સેન્દ્રીય ખાતર દર વર્ષે જૂન માસમાં નાખવું જરૂરી છે. મધુનાશીનીને પાણીની વધુ જરૂરિયાત રહે છે. માટે જમીન ભીની રહે તે પ્રમાણે પિયતનું આયોજન કરવું. વાવેતર પછી ૬ માસ બાદ તેના પાન તોડી શકાય. પાન મધ્યમસરના થાય એટલે કાપણી કરી છાયામાં સુકવણી કરવામાં આવે છે જેથી લીલો રંગ જળવાઈ રહે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.