Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને એક દાયકામાં નર્મદા નીર પેટે સરકારને 815 કરોડ ચુકવ્યા

રાજય સરકાર પ્રતિ એક હજાર લીટરે રૂા. ૪.૬૦ લેખે વસુલ કરે છેઃ પાણીના દરમાં દર વર્ષે ૧૦ ટકાનો વધારો થાય છે

Ahmedabad Municipal Corporation (AMC) paid Rs 815 crore to the government for Narmada water in a decade

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં નર્મદાના નીર સપ્લાય કરવામાં આવે છે જયારે નવા વિસ્તારો હજી સુધી ખાનગી બોર પર આધારીત છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૪૦૦ એમ.એલ.ડી પાણીનો જથ્થો નર્મદાની વિવિધ કેનાલોમાંથી લેવામાં આવી રહયો છે તથા તે મુજબ સપ્લાય પણ કરવામાં આવે છે

તેમ છતાં અનેક વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત જાેવા મળે છે તેમજ આ વિસ્તારો માત્ર ટેન્કર પર આધારીત છે,

જયારે બીજી તરફ સરકાર દ્વારા મનપાને જે નર્મદાના નીર આપવામાં આવે છે તેની સામે દર વરસે કરોડો રૂપિયાના પેમેન્ટ મનપા દ્વારા કરવામાં આવે છે, મતલબ કે શહેરના ઘરે ઘરે જે નર્મદા નીર સપ્લાય થઈ રહયા છે

તેના નિયત દર સરકાર તરફથી લેવામાં આવે છે જેમાં પ્રતિ વર્ષ દસ ટકાનો વધારો થાય છે એક અંદાજ મુજબ મ્યુનિ. કોર્પોરેશને છેલ્લા એક દાયકામાં નર્મદા નીર પેટે રાજય સરકારને રૂા.૮૦૦ કરોડ કરતા વધુ રકમ ચુકવી છે. જયારે નર્મદા નીરના ભાવમાં પણ લગભગ ત્રણ ગણો વધારો થયો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૪૦૦ એમએલડી પાણીનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે, આ તમામ જથ્થો નર્મદા કેનાલમાંથી લેવામાં આવે છે જેની સામે મનપા દ્વારા પ્રતિ એક હજાર લીટર રૂા.૪.૬૦ લેખે પેમેન્ટ કરવામાં આવે છે. આ દર નાણાકીય વર્ષ ર૦રર-ર૩ના છે.

જયારે ર૦ર૧-રર માં નર્મદા પાણી માટે પ્રતિ એક હજાર લીટર રૂા.૪.૧૮ લેખે ચુકવવામાં આવતા હતા. રાજય સરકાર દ્વારા ર૦૧૧-૧ર માં પ્રતિ એક હજાર લીટર રૂા.૧.૬૧ લેખે નર્મદાના નીર આપવામાં આવતા હતા જેમાં દર વરસે ૧૦ ટકા લેખે વધારો થતા ર૦રર-ર૩ માં રૂા.૪.૬૦ ના મુજબ પેમેન્ટ કરવામાં આવી રહયુ છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોતરપુર, જાસપુર અને રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે. કોતરપુરના જુના પ્લાન્ટમાં નર્મદા કેનાલ એચઆર-૧ માંથી પણ લેવામાં આવે છે. સદ્‌ર કેનાલમાંથી ર૦૧૧-૧ર થી ડીસેમ્બર ર૦ર૧ સુધી ૧ર૯૩૯૭૮ એમ.એલ.ડી. પાણી લેવામાં આવ્યુ છે

જેની સામે સરકારને રૂા.ર૭૮.૧૧ કરોડ (ર૦ર૦-ર૧ સુધી) ચુકવાયા છે. જયારે કોતરપુરના નવા પ્લાન્ટમાં ર૦૧૬-૧૭ થી નર્મદાના પાણી લેવામાં આવી રહયા છે જેમાં ર૦ર૦-ર૧ સુધી રૂા.૧૪૪.૯ર કરોડનું પેમેન્ટ સરકારને ચુકવવામાં આવ્યુ છે, નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નર્માદ નીર સપ્લાય થાય છે. આ પ્લાન્ટમાં ધોળકા બ્રાન્ચમાંથી પાણી લેવામાં આવે છે જેમાં ર૦૧૦-૧૧ થી ર૦ર૦-ર૧ સુધી રૂા.ર૧૦ કરોડનું પેમેન્ટ સરકારને ચુકવવામાં આવ્યુ છે.

જયારે રાસ્કા પ્લાન્ટમાંથી દક્ષિણ અને પૂર્વ ઝોનમાં પાણી સપ્લાય થાય છે, રાસ્કા પ્લાન્ટમાં છેલ્લા એક દાયકા દરમ્યાન પ૪૭૪૯૮ એમએલડી પાણી નડીયાદ સિંચાઈ વિભાગ પાસેથી લેવામાં આવ્યું છે જે પેટે રૂા.૧૧૬.૯ર કરોડનું પેમેન્ટ આપવામાં આવ્યું છે.

નદીમાં જયારે ફેન્ચવેલ કાર્યરત હતા તે સમયે અમદાવાદ સિંચાઈ વિભાગ પાસેથી પણ મનપા દ્વારા પાણી લેવામાં આવી રહયું હતુ સદ્‌ર ફેન્ચવેલ દ્વારા વેસ્ટર્ન ટ્રંક મેઈન દ્વારા મધ્ય અને પશ્ચિમ ઝોનમાં પાણી પુરવઠો આપવામાં આવતો હતો ફેન્ચવેલ ખરાબ થતા ર૦ર૦-ર૧થી પાણી લેવાનુ બંધ કરવામાં આવ્યુ છે.

અમદાવાદ સિંચાઈ વિભાગને ર૦૧૧-૧ર થી ર૦૧૯-ર૦ સુધીના સમયગાળા દરમ્યાન રૂા.૬૩.૭૭ નું પેમેન્ટ આપવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાસે પાણીનો પર્યાપ્ત જથ્થો છે તથા માથાદીઠ ૧પ૦ લીટરની ગણત્રી મુજબ પાણી સપ્લાય કરવામાં આવે છે પરંતુ લીકેજીસ અને મોટરીંગના કારણે પાણીની સમસ્યા જાેવા મળે છે.

શહેરના નવા વિસ્તારો ખાનગી બોર આધારીત છે કેટલાક વિસ્તારોમાં મ્યુનિ. નેટવર્કનો અભાવ છે. જયારે અનેક વિસ્તારોમાં વો.ડી. સ્ટેશન અને નેટવર્ક તૈયાર છે પરંતુ ખાનગી બોર ના કારણે નાગરીકો મ્યુનિ. જાેડાણ લઈ રહયા નથી. રાજય સરકાર દ્વારા રોજ જરૂરીયાત મુજબ પાણીનો જથ્થો આપવામાં આવી રહયો છે, અમદાવાદમાં વરસાદ ઓછો થાય તેમ છતાં પાણી સપ્લાય પર તેની કોઈ જ અસર થતી નથી જેનુું મુખ્ય કારણ “નર્મદા ના નીર” છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.