Western Times News

Gujarati News

“શીખ પરંપરા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની જીવંત પરંપરા છે”

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળનું આતિથ્ય કર્યું-“ગુરુદ્વારામાં જવું, ‘સેવા’માં સમય આપવો, લંગર લેવું, શીખ પરિવારોના ઘરે રહેવું, આ બધુ જ મારાં જીવનનો હિસ્સો છે”

“ગુરુઓનાં ચરણોએ આ મહાન ભૂમિને પવિત્ર કરી છે અને તેના લોકોને પ્રેરણા આપી છે”-“શીખ સમુદાય દેશની હિંમત, પરાક્રમ અને સખત પરિશ્રમનો પર્યાય છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમાં શીખ પ્રતિનિધિમંડળનું આતિથ્ય કર્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી આવતા લોકો સામેલ થયા હતા. કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી સહિત અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વાત કરતા પ્રધાનમંત્રીએ શીખ સમુદાય સાથે તેમના લાંબા જોડાણની વાતો યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુરુદ્વારા જવું, ‘સેવા’માં સમય આપવો, લંગર લેવું, શીખ પરિવારો સાથે તેમના ઘરે રહેવું, આ બધુ મારા જીવનનો હિસ્સો રહ્યું છે. શીખ સંતોના પગલાં અહીં પ્રધાનમંત્રી નિવાસસ્થાનમાં સમય સમયે પડતા રહે છે. મને તેમના સંગાથનું સૌભાગ્ય મળતું રહે છે.” પ્રધાનમંત્રીએ તેમની વિદેશની મુલાકાતો દરમિયાન વિશ્વભરના શીખ ધરોહરના સ્થળોની તેમની મુલાકાતોને પણ યાદ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું હતું કે, “આપણા ગુરુઓએ આપણને હિંમત અને સેવા શીખવાડ્યા છે.” તેમણે ઉમર્યું હતું કે, ભારતના લોકો કોઇપણ સંસાધન વિના આખી દુનિયાના વિવિધ ભાગોમાં ગયા છે અને તેમના પરિશ્રમ દ્વારા સફળતા પ્રાપ્ત કરી છે. આજના નવા ભારતની ભાવના પણ આવી જ છે.

નવા ભારતના મૂડ અંગે પોતાની પ્રશંસાનો પુનરુચ્ચાર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવું ભારત નવા પરિમાણો સર કરી રહ્યું છે અને આખી દુનિયામાં પોતાની છાપ છોડી રહ્યું છે. કોરોના મહામારીનો સમયગાળો આનું સૌથી મોટું દૃષ્ટાંત છે. મહામારીની શરૂઆતમાં, જૂની માનસિકતા ધરાવતા લોકો ભારત વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા.

પરંતુ હવે, લોકો મહામારીને નિયંત્રણમાં લાવવા માટે ભારતનું દૃષ્ટાંત આપી રહ્યા છે. અગાઉ ભારતની વસ્તીની વિશાળતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ઘણા લોકોને શંકા હતી કે ભારતીયોને રસી મળશે કે કેમ. પરંતુ આજે ભારત સૌથી મોટો રસી બનાવનાર દેશ તરીકે ઉભરી આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “તમને સાંભળીને ઘણું ગૌરવ થશે કે 99 ટકા રસીકરણ અમારી પોતાની મેડ ઇન ઇન્ડિયા રસી દ્વારા જ કરવામાં આવ્યું છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મુશ્કેલીના આ સમયમાં ભારત દુનિયામાં એક સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, “આપણા યુનિકોર્નની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. એકધારો વધી રહેલો આ આંકડો અને ભારતની વિશ્વસનીયતા આપણા અપ્રવાસી ભારતીયોને મહત્તમ સંતોષ અને ગૌરવ આપે છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મેં હંમેશા આપણા અપ્રવાસી ભારતીયોને આપણા ભારતના રાષ્ટ્રદૂત તરીકે માન્યા છે. વિદેશમાં તમે બધા માં ભારતીનો મજબૂત અવાજ અને બુલંદ ઓળખ છો.” તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારત જે પ્રગતિ કરી રહ્યું છે તેના પર અપ્રવાસી ભારતીયો પણ ગૌરવ અનુભવે છે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે દુનિયામાં ભલે ગમે ત્યાં હોઇએ પરંતુ, ‘સૌથી પહેલા ભારત’ એ આપણો પ્રાથમિક વિશ્વાસ હોવો જરૂરી છે.

ગુરુએ આપેલા મહાન યોગદાન અને બલિદાનને વંદન કરતા પ્રધાનમંત્રીએ કેવી રીતે ગુરુનાનક દેવજીએ આખા દેશની ચેતના જગાડી હતી અને કેવી રીતે દેશને અંધકારમાંથી બહાર લાવ્યા હતા તેમજ કેવી રીતે તેમણે દેશને પ્રકાશનો પથ દેખાડ્યો હતો તે વાતો યાદ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ગુરુઓએ આખા ભારતમાં પ્રવાસ કર્યો હતો અને દરેક જગ્યાએ તેમના સંકેતો અને પ્રેરણાઓ મળે છે. તેઓ પૂજનીય છે અને સર્વત્ર તેમનામાં શ્રદ્ધા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુરુઓના ચરણોએ આ મહાન ભૂમિને પવિત્ર કરી અને આ દેશના લોકોને પ્રેરણા આપી છે.

તેમણે કહ્યું હતું કે, શીખ પરંપરા એ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની જીવંત પરંપરા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન અને સ્વતંત્રતા પછી શીખ સમુદાયના યોગદાન બદલ દેશ વતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘શીખ સમુદાય દેશના સાહસ, પરાક્રમ અને પરિશ્રમનો પર્યાય છે.’

પ્રધાનમંત્રીએ ફરી એકવાર ભારતની સ્વતંત્રતાના સંગ્રામની તેમની દૂરંદેશીનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સંઘર્ષ માત્ર કોઇ મર્યાદિત સમયગાળા સુધી સીમિત નથી પરંતુ હજારો વર્ષની ચેતના, આદર્શો, આધ્યાત્મિક મૂલ્યો અને ‘તપસ્યા’ની અભિવ્યક્તિ છે.

પ્રધાનમંત્રીએ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પુરબ, ગુરુનાનક દેવજીના 550મા પ્રકાશ પુરબ અને ગુરુ ગોવિંદસિંહજીના 350મા પ્રકાશ પુરબ જેવી મહત્વપૂર્ણ ઘટનાઓ સાથે સંકળાયેલા સદભાગ્ય અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સરકારના કાર્યકાળમાં કરતારપુર કોરિડોરનું નિર્માણ, લંગરોને કરમુક્ત બનાવવા, હરમંદિર સાહિબ માટે FCRAની પરવાનગી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો તેમજ ગુરુદ્વારાની આસપાસમાં સ્વચ્છતા, આ બધુ જ બન્યું છે.

પ્રધાનમંત્રીએ ફરજ અંગે ગુરુઓના આગ્રહનો સંદર્ભ ટાંક્યો હતો અને તેને અમૃતકાળમાં ફરજની ભાવનાના સમાન આગ્રહ સાથે જોડતા કહ્યું હતું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો મંત્ર આ ભાવનાથી મળેલી પ્રેરણા છે.

તેમણે કહ્યું હતું કે, કર્તવ્યની આ ભાવના માત્ર વર્તમાન માટે જ નહીં પરંતુ આપણી ભાવિ પેઢીઓ માટે પણ ઘણી મહત્વપૂર્ણ છે. તેમણે પર્યાવરણ, પોષણ અને સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ માટે હંમેશા સક્રિય રહેવા બદલ શીખ સમુદાયની પ્રશંસા કરી હતી. તેમણે અમૃત સરોવર માટે તાજેતરમાં શરૂ કરવામાં આવેલા અભિયાનમાં સહયોગ આપવા માટે સૌ ઉપસ્થિતોને અનુરોધ કરીને પોતાની વાતનું સમાપન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.