Western Times News

Gujarati News

કર્મચારીઓ દ્વારા સચિવાલયને સેન્ટ્રલ એસી બનાવવાની રજૂઆત કરાઈ

કર્મચારીઓએ કામની સાથે ગરમીના કારણે કમ્પ્યુટર સહિતના સાધનો પર ખરાબ અસર પડતી હોવાનું જણાવ્યું

ગાંધીનગર,આ વર્ષે ગરમીએ એપ્રિલમાં જ પ્રકોપ બતાવીને કેટલાક રેકોર્ડ તોડી નાખ્યા હતા, જેની સાથે મે મહિનામાં સામાન્ય કરતા વધારે ગરમી રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આવામાં રાજ્યમાં કોઈ એક જ જગ્યા પર સૌથી વધુ સરકારી કર્મચારી બેસતા હોય તેવી જગ્યા એટલે ગાંધીનગરનું સચિવાલય અને અહીં બેસતા કર્મચારીઓ પર આકરી ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. કર્મચારીએ પોતાના સ્વાસ્થ્યની સાથે કોમ્પ્યુટર સહિતના ઈલેક્ટ્રિક ઉપકરણો પર કાળઝાળ ગરમીની અસર પડતી હોવાની રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરી છે.

આ લેખિત રજૂઆતની સાથે સચિવાલયને સેન્ટ્રલી એસી કરવા માટે જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે એક સમય અમદાવાદની સરખામણીમાં ગાંધીનગરમાં તાપમાન કેટલાક ડિગ્રી નીચું રહેતું હતું, જાેકે, હવે અહીં પણ તાપમાન લગભગ અમદાવાદની જેમ જ ઉનાળામાં લગભગ ૪૦ને પાર જ રહે છે. આવી સ્થિતિમાં સચિવાલયમાં બેસતા સરકારી કર્મચારીઓએ ગરમીના લીધે તેમના કામ પર અસર પડતી હોવાની લેખિત રજૂઆત ૫મી મેના રોજ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રીજા વર્ગના કર્મચારીઓના ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે એપ્રિલ અને મે મહિનામાં સરેરાશ ૪૫ ડિગ્રી સુધીનું તાપમાન અનુભવાઈ રહ્યું છે. એક સમયે ગ્રીન સિટી ગણાતા ગાંધીનગરમાં હવે વધુ તાપમાન હોય છે.

તેવા સંજાેગોમાં સરકાર વહીવટના મુખ્ય કેન્દ્ર એવા સચિવાલયમાં ૯ માળના ૧થી ૧૪ બ્લોક આવેલા છે જ્યાં સવારથી ગરમીનો આકરો અનુભવ થઈ રહ્યો છે. કર્મચારી એસોસિએશન દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, આવી પરિસ્થિતિમાં કાર્યક્ષમતા પર વિપરિત અસર પડવાની સાથે ઓફિસમાં ઉપયોગમાં લેવામાં આવતા કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર અને ઝેરોક્ષ મશીન વગેરે પર પણ વધુ ગરમીની અસર થઈ રહી છે. આ રજૂઆતમાં એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું કે, હાલ સચિવાલયમાં સચિવ સંવર્ગના વર્ગ-૧ના અધિકારી અને પદાધિકારી તેમજ અન્ય વિભાગોમાં સંપૂર્ણ એસીની સુવિધા આપવામાં આવી છે. આ સિવાયના વિભાગોમાં ભાડના એરકૂલરની સુવિધા આપવામાં આવે છે.

હવે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે એસીની સુવિધા આપવાની માંગ કરતા કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે એસીની સગવડ આપવામાં આવે તો વીજ બીલમાં વધુ ફરક પડતો નથી જેથી આ કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે સચિવાલયને સેન્ટ્રલ એસી કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. સીએમની સાથે આ પત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈને પણ મોકલવામાં આવ્યો છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.