Western Times News

Gujarati News

રિક્ષા ચાલકે રિક્ષા પર જ ૨૫ પ્રકારના ફૂલ-છોડ ઉગાડ્યા

નવી દિલ્હી, કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હીના ઓટો ચાલકે રીક્ષાની છત ઉપર ૨૫ પ્રકારના ફૂલ અને છોડ ઉગાડયા છે. તેનું માનવું છે કે છત પર ગ્રીન આવરણથી રીક્ષામાં ગરમી ઓછી લાગે છે. રીક્ષામાં મુસાફરી કરતા પેસેન્જરને પણ રાહત મળે છે. આ યુનિક આઇડિયાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને સોશિયલ મીડિયામાં ફોટા પોસ્ટ કરવામાં આવી રહયા છે. આ રીક્ષાચાલકનું નામ મહેન્દ્ર હોવાનું જાણવા મળે છે.

મીડિયા સાથે વાત કરતા રીક્ષાચાલકે જણાવ્યું કે વધતી જતી ગરમીના લીધે રીક્ષા ચલાવવી મુશ્કેલ બનતી હતી. છેલ્લા બે વર્ષથી રીક્ષાની છત પર કુદરતી રીતે જ ઠંડક રહે તે માટે ફૂલ-છોડ ઉગાડવાનો વિચાર આવ્યો હતો. તેનો આ વર્ષે અમલ કર્યો છે. દિલ્હીમાં અત્યારે ૪૫ ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે ત્યારે રીક્ષામાં બેસનારા ગ્રાહકો પણ ગરમી ઓછી લાગવાથી ખૂશ રહે છે.

રીક્ષાની છત પર એક ચટ્ટાઇ પાથરીને માટી ભેળવીને છોડ વાવ્યા છે જેમાં ટમાટા અને પાલક વગેરેનો સમાવેશ થાય છે. રીક્ષા ગતિ પકડે ત્યારે ફૂલ-છોડ પણ પવનની ગતિ સાથે ડોલતા રહે છે પરંતુ તુટી ના જાય તેની રીક્ષા ચાલક કાળજી રાખે છે. રીક્ષાની ટ્રીપ પુરી થાય ત્યારે પણ ફૂલ-છોડનું જતન કરવાનું ચુકતા નથી.

કેટલાક મુસાફરો તો આ યુનિક રીક્ષાની સેલ્ફી પણ લે છે. એટલું જ નહી રીક્ષામાં બે નાના કુલર અને પંખા પણ લગાવ્યા છે. લોકો આ રીક્ષાચાલકની કોઠાસૂઝ અને પ્રવાસીઓની કાળજી લેવાના અભિગમના વખાણ કરી રહયા છે. દિલ્હીમાં ૪ લાખથી વધુ રીક્ષાઓ છે જેમાં હરતા ફરતા ગાર્ડનવાળી આ રીક્ષા સૌનું ધ્યાન ખેંચી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.