Western Times News

Gujarati News

સુપ્રીમનો ઐતિહાસિક નિર્ણયઃ રાષ્ટ્રદ્રોહની કલમ સ્થગિત

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આજે રાષ્ટ્રદ્રોહની કલમને સ્થગિત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટોચની અદાલતે કેન્દ્ર સરકાર અને અરજીકર્તાની દલીલ સાંભળ્યા બાદ આ કાયદાને સ્થગિત કરવાની સાથે સાથે નવા કેસ દાખલ કરવા પર પણ રોક લગાવી દેવાઈ છે. ક્રિમીનલ પ્રોસિજર કોડ (CRPC)ની કલમ 124A અંતર્ગત આ કેસ નોંધાય છે.

જુલાઈ મહિનાના ત્રીજા સપ્તાહમાં આ કેસની આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી કેન્દ્ર સરકારને આ મામલે પુનર્વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે જણાવ્યું કે, આ દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દિશાનિર્દેશ આપી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં આજે રાષ્ટ્રદ્રોહ કાયદા (Sediton Law)ની બંધારણીય માન્યતાને પડકારતા કેસ મામલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારનો પક્ષ રાખતા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટને જણાવ્યું કે, તેમણે રાજ્ય સરકારો માટે બહાર પડનારા નિર્દેશનો ડ્રાફ્ટ તૈયાર કરીને રાખ્યો છે. તે પ્રમાણે રાજ્ય સરકારોને સ્પષ્ટ નિર્દેશ હશે કે, જિલ્લા પોલીસ કેપ્ટન એટલે કે, એસપી કે તેનાથી ઉચ્ચ સ્તરના અધિકારીની મંજૂરીની રાજદ્રોહની કલમોમાં એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવે. આ દલીલ સાથે સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે, હાલ આ કાયદા પર રોક ન લગાવવામાં આવે.

સોલિસિટર જનરલે કોર્ટને એમ પણ જણાવ્યું કે, પોલીસ અધિકારી રાજદ્રોહની જોગવાઈઓ અંતર્ગત એફઆઈઆર દાખલ કરવાના સમર્થનમાં પૂરતા કારણો પણ જણાવશે. તેમણે જણાવ્યું કે, કાયદા પર પુનર્વિચાર સુધી વૈકલ્પિક ઉપાય સંભવ છે.

આંકડાઓની વાત અંગે સોલિસિટર જનરલે કહ્યું કે, તે જમાનતી કલમો છે, હવે તમામ લંબિત કેસની ગંભીરતાનું વિશ્લેષણ કે આકારણી કરી શકવા મુશ્કેલ છે.

અરજીકર્તા તરફથી દલીલ રાખતી વખતે વકીલ કપિલ સિબ્બલે કોર્ટ સમક્ષ એવી માગણી કરી હતી કે, રાજદ્રોહ કાયદા પર તાત્કાલિક અસરથી રોક લગાવવાની જરૂર છે.

આ તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાજદ્રોહ કાયદાના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે, નાગરિકોના અધિકારોની રક્ષા સર્વોપરી છે. આ કાયદાનો દુરૂપયોગ થઈ રહ્યો છે. તેની પૃષ્ટિ એટર્ની જનરલે પણ પોતાના મંતવ્યોમાં સાફ કહી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ 3 જજની બેંચ રાજદ્રોહ કલમની માન્યતા અંગે સુનાવણી કરી રહી છે. આ બેંચમાં ચીફ જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.