Western Times News

Gujarati News

ઉર્જા વિકાસનું માધ્યમ છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ: વીજળીની બચત કરીએ – રાજયપાલ

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલ મુનલાઇટ પ્રોજેક્ટના કાર્યક્રમમાં પ્રકૃતિ તરફ પાછા વળવાનો અનુરોધ કરતા રાજયપાલશ્રી

ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગાંધીનગર વહીવટી તંત્રના દ્વારા સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાયેલ મુનલાઇટ પ્રોજેક્ટ કાર્યક્રમમાં નગરવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ઉર્જા વિકાસનું માધ્યમ છે.

તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી પર્યાવરણની રક્ષા થશે. ઉર્જા ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો થશે, કોલસા જેવા પ્રાકૃતિક સંસાધનોનો વપરાશ ઓછો થશે. અને સરવાળે દેશને ફાયદો થશે.

રાજયપાલશ્રીએ વીજળીની બચત કરવા સૌને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીએ અને વીજળીનો વપરાશ ઘટાડીએ અને પૂનમના દિવસે રાતે ૧૧.૦૦ વાગે સ્ટ્રીટ લાઇટનો વપરાશ ઘટાડીએ અને વહેલી સવારે ચાર વાગ્યે સ્ટ્રીટ લાઇટ ચાલું કરીએ તો મોટા પ્રમાણમાં વીજળીની બચત થઇ શકશે. સરકારી અને ખાનગી કચેરીઓમાં આવશ્યકતા હોઇ ત્યારે જ લાઇટ ઓન કરીએ, જરૂરત ન હોય ત્યારે લાઇટ, પંખા, એ.સી. બંધ કરવાથી વીજળીની બચત થશે.

રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ તરફ પાછા વળશું તો સુખ મળશે અને પ્રકૃતિથી વિમુખ થઇશું તો દુ:ખ મળશે. તેમણે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જેવી સમસ્યા માટે પ્રકૃતિના દોહનને કારણભૂત ગણાવ્યું હતું. રાજયપાલશ્રીએ પૂર્ણીમાની રાત્રે ચંદ્ર દર્શન અને આકાશ દર્શનનો લ્હાવો લઇ પ્રકૃતિના ખોળે આનંદ માણવા અનુરોધ કર્યો હતો.

આ તકે રાજયપાલશ્રીએ કર્તવ્યભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં યતકિંચિત યોગદાન આપવા જણાવ્યું હતું. અને ઉર્જા બચતને સ્વભાવ બનાવવા અપીલ પણ કરી હતી. રાજયપાલશ્રીએ મૂનલાઇટ પ્રોજેક્ટના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસા કરી હતી.

ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી ડો. કુલદીપ આર્યએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં નાના બાળકો વીજળીથી ચાલતા બલ્બના પ્રકાશમાં ચાંદની રાતમાં આકાશનું સૌદર્ય નિહાળવાનું ભુલી ગયા છે. ચંદ્રમાની રાતમાં આકાશને નિહાળી તેની સુંદરતાની અનુભૂતિ કરવાનો પણ એક જીવનમાં લહાવો હોય છે. પૂનમની રાતના આકાશની સુંદરતા ચંદ્રમાના પ્રકાશમાં વઘુ નીખરતી હોય છે.

પૂનમની રાત્રિના એક દિવસ આગળ અને એક દિવસ પાછળ ચંદ્રમાનો પ્રકાશ ખૂબ જ હોય છે. આ દરમ્યાન અનેક ખગોળીય નજારા સરળતાથી જોઇ શકાય છે. ચંદ્રમાની રાતની રાજયના પાટનગર વાસીઓ અનુભૂતિ કરી શકે અને પ્રકૃતિ-નિસર્ગ તરફ લગાવ થાય તેવા ઉમદા આશયથી રાજય સરકારની પ્રેરણા હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર દ્વારા મૂન લાઇટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના વિવિધ ગૃપો દ્વારા ગરબાના કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સર્વે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશ મકવાણા ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડો.ધવલ પટેલ,અધિક નિવાસી કલેકટર શ્રી રીતુ સિંગ, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બી.બી.મોડિયા સહિત નગરનાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.