Western Times News

Gujarati News

પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સનો શાનદાર વિજય

નવી દિલ્હી, મિચેલ માર્શની અડધી સદી બાદ શાર્દુલ ઠાકુર સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં સોમવારે રમાયેલા મુકાબલામાં પંજાબ કિંગ્સ સામે ૧૭ રને વિજય નોંધાવ્યો હતો. આ વિજય સાથે જ દિલ્હી કેપિટલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ-૪માં પહોંચી ગઈ છે. પંજાબે ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

મિચેલ માર્શે ૬૩ રનની ઈનિંગ્સ રમી હતી જેની મદદથી દિલ્હીએ નિર્ધારીત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં પંજાબની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૪૨ રન જ નોંધાવી શકી હતી. દિલ્હી ૧૩ મેચમાં ૧૪ પોઈન્ટ સાથે ચોથા ક્રમે પહોંચી ગઈ છે. જ્યારે પંજાબની મુશ્કેલીઓ વધી છે.

પંજાબ હાલમાં ૧૩ મેચમાં ૧૨ પોઈન્ટ સાથે સાતમાં ક્રમે છે. ૧૬૦ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ઘણી સારી રહી હતી. જાેની બેરસ્ટો અને શિખર ધવનની ઓપનિંગ જાેડીએ ૩.૫ ઓવરમાં ૩૮ રન ફટકારી દીધા હતા.

જાેકે, આ જાેડી આઉટ થઈ ત્યારબાદ ટીમે ઉપરા ઉપરી વિકેટો ગુમાવી દીધી હતી. બેરસ્ટો ૧૫ બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૨૮ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ધવને ૧૬ બોલમાં ૧૯ રન ફટકાર્યા હતા. ૩૮ રને પ્રથમ વિકેટ ગુમાવનારી પંજાબની ટીમે ૬૭ રનમાં તો પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી.

ભાનુકા રાજપક્સા ચાર, લિવિંગસ્ટોન ત્રણ, હરપ્રીત બ્રાર એક અને રિશિ ધવન ચાર રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે સુકાની મયંક અગ્રવાલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જિતેશ શર્માએ આક્રમક બેટિંગ કરીને ટીમને વિજય અપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જિતેશ શર્માએ ૩૪ બોલમાં ૪૪ રન નોંધાવ્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી.

રાહુલ ચહરે અણનમ ૨૫ રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી માટે શાર્દુલ ઠાકુરે ચાર વિકેટ ખેરવી હતી જ્યારે અક્ષર પટેલ અને કુલદીપ યાદવને બે-બે તથા એનરિજ નોર્ત્‌જેને એક સફળતા મળી હતી. પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

પંજાબે પ્રથમ બોલ પર જ દિલ્હીને ઝટકો આપ્યો હતો. આક્રમક ઓપનર ડેવિડ વોર્નર પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો. પંજાબના બોલર્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું પરંતુ મિચેલ માર્શની અડધી સદીની મદદથી દિલ્હીએ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૯ રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. વોર્નર આઉટ થયા બાદ સરફરાઝ ખાન અને મિચેલ માર્શે બાજી સંભાળી હતી.

આ જાેડીએ આક્રમક બેટિંગ કરીને ૫૧ રનની ભાગીદારી નોંધાવી હતી. સરફરાઝે ૧૬ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૩૨ રનની ઈનિંગ્સ રમી હતી.

જાેકે, મિચેલ માર્શે પોતાની આક્રમક બેટિંગ જારી રાખી હતી. તેને લલિત યાદવનો સાથ મળ્યો હતો. લલિત યાદવ સાથે મળીને માર્શે ૪૭ રનની ભાગીદારી નોંધાવી હતી. લલિતે ૨૧ બોલમાં ૨૪ રન નોંધાવ્યા હતા.SSS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.