Western Times News

Gujarati News

અમદાવાદ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ‘ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામ’ કાર્યક્રમ યોજાયો

રાજ્યની ૩૦થી વધુ ઔદ્યોગિક એકમો તેમજ 102થી વધુ ઉદ્યોગના પ્રતિનિધિઓ હાજર રહ્યા

ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત મુજબ સ્કિલ્ડ મેન પાવર તેમજ એ મુજબની તાલીમ રાજ્યની ઔદ્યોગિક સંસ્થાઓને આપવાનો છે : શ્રી લલિત નારાયણ સિંઘ સાંધુ

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ‘ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામ’ કાર્યક્રમનું આયોજન વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન હોલ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

આ અવસરે રોજગાર અને તાલીમ વિભાગના ડાયરેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંધુએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ થકી રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રીઝને જરૂરિયાત મુજબ સ્કિલ્ડ મેન પાવર પુરા પાડવા અને તે મુજબની તાલીમ રાજ્યની ઔદ્યોગિક સંસ્થાઓને આપવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રકારની તાલીમ થકી ઉદ્યોગોની જરૂરિયાત પૂરી થશે અને બેરોજગારોને રોજગારી પણ મળી રહેશે.

શ્રમ કોશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશ કુમાર મેરજાના નેજા હેઠળ રાજ્યની આઈ.ટી.આઈ દ્વારા ઉદ્યોગની માંગને પહોંચી વળવા અને ઉદ્યોગની જરૂરત મુજબ સ્કિલ તાલીમાર્થીઓ વિકસે તે માટેના પણ સતત પ્રયાસો થઈ રહ્યા છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

રાજ્યમાં કૌશલ્ય ધ સ્કિલ્સ યુનિવર્સિટી થકી આઇટીઆઇનું સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે અપગ્રેડેશન અભ્યાસ કરી ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ લેવલના અભ્યાસક્રમોમાં રાજ્યના યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે.
આ કાર્યક્રમ અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ચાલી રહેલી વિવિધ યોજનાઓની માહિતી પણ ઉપસ્થિત સૌને પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જીસીસીઆઈ, એફઆઈસીસીઆઈ, સીસીઆઈ સહિત નરોડા, કઠવાડા, વટવા, ઓઢવ, બાવળા, ચંડિસર, સાણંદ , ચાંગોદર, વિરમગામ, ગાંધીનગર, છત્રાલ, કલોલ, મહેસાણા, વિસનગર, ડીસા એગ્રો માર્બલ ઇન્ડસ્ટ્રીઝ તેમજ માલપુર જીઆઇડીસી તલોદ – હિંમતનગર જીઆઇડીસી 30થી વધુ ઔદ્યોગિક એસોસિયેશન, તેમજ 102 થી વધુ ઉદ્યોગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ અવસરે રોજગાર અને તાલીમ વિભાગના નાયબ નિયામક શ્રી એ.સી. મૂલીયાણા, નાયબ નિયામક શ્રી વી.એસ.ચંપાવત, ડેપ્યુટી લેબર કમિશનર શ્રી કે.જી ભાવસાર, GSDMના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી ડી.પી મકવાણા, રોજગાર અને તાલીમ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી કે.બી પટેલ, જિલ્લા નોડલ અધિકારી શ્રી હિતેશ દોમડીયા તેમજ વટવા ઇન્ડસ્ટ્રિયલ અને વિવિધ એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.