Western Times News

Gujarati News

જાપાનની કંપનીઓને ભારતમાં રોકાણની તક શોધવા મોદીનું આહ્વાન

ટોક્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ શિખર સંમેલનમાં સહભાગી બનવા માટે જાપાનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જાપાનના અનેક ટોચના બિઝનેસમેનની પણ મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ જાપાનીઝ કંપનીઓને ભારતમાં રોકાણની તક શોધવા માટે પણ વિનંતી કરી હતી.

આ મીટિંગ દરમિયાન સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેને વડાપ્રધાન મોદીની કામગીરીની ભારે પ્રશંસા કરી હતી.
સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન અને પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી જે સુધારા કરી રહ્યા છે તે ભારતને મોડર્ન લેન્ડસ્કેપમાં બદલી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, જાપાનીઝ કંપનીઓ વડાપ્રધાન મોદીની આર્ત્મનિભરતાની મુહિમને સપોર્ટ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ તોશિહિરો સુઝુકી ઉપરાંત સુઝુકી મોટર કોર્પોરેશનના સીનિયર એડવાઈઝર ઓસામુ સુઝુકી, સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર માસાયોશી સોન અને યૂનિક્લોના પ્રેસિડેન્ટ અને સીઈઓ તાદાશિ યાનાઈની પણ મુલાકાત લીધી હતી.

સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર માસાયોશી સોને પણ વડાપ્રધાન મોદી અને ભારતની ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં દરરોજ નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે અને નવા યુનિકોર્ન તૈયાર થઈ રહ્યા છે. મને લાગે છે કે, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે.

વડાપ્રધાન મોદી ભારતની સફળતા માટે પ્રતિબદ્ધ છે. તેઓ સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નને સપોર્ટ કરી રહ્યા છે. આ સાથે જ તેઓ ભારતને વિશ્વભરમાં ટેક સેન્ટર બનાવી રહ્યા છે.

ઓસામુ સુઝુકી સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમના ભારત સાથેના જાેડાણ અને તેમના યોગદાનોને યાદ કર્યા હતા. તેમણે ભારતમાં ઓટો ઈન્ડસ્ટ્રીને બદલવાની ભૂમિકા ભજવનારા તરીકે સુઝુકી મોટર્સની પણ પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન મોદીએ ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનેન્ટ સેક્ટરમાં ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજના અંતર્ગત સુઝુકી મોટર ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ અને મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડની અરજીની પસંદગી મામલે પણ આનંદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદી અને ઓસામુ સુઝુકીએ ભારતમાં રોકાણ કરવાની તકો અંગે પણ ચર્ચા કરી હતી.

આ દરમિયાન સસ્ટેનેબલ ગ્રોથનો લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ અને બેટરીનો પ્રોડક્શન પ્લાન્ટ લગાવવા અને રિસાઈક્લિંગ સેન્ટર શરૂ કરવા મુદ્દે ખાસ ભાર આપવામાં આવ્યો હતો. તેમણે જાપાન-ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ્‌સ ઓફ મેન્યુફેક્ચરિંગ અને જાપાનીઝ એન્ડોડ કોર્સીઝ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ સહિત ભારતમાં સ્થાનિક ઈનોવેશન સિસ્ટમ તૈયાર કરવાની રણનીતિઓ અંગે ચર્ચા કરી હતી.

યુનિક્લોના ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઈઓ તાદાશિ યાનાઈએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ ભારતની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે આ મુલાકાત અંગે જણાવ્યું કે, ‘તાદાશિ યાનાઈએ ભારતીયોમાં રહેલી ઉદ્યમ શરૂ કરવા માટેની ભૂખની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને પીએમ-મિત્ર યોજનામાં સહભાગી બનવા માટે કહ્યું જે ટેક્સટાઈલ સેક્ટરને મજબૂતી પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી છે.’ ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.