Western Times News

Gujarati News

હળવદ દુર્ઘટનામાં મૃતકોના અનાથ બાળકોને દર મહિને 18 વર્ષ સુધી 3000ની સહાય ચૂકવાશે

મોરબી જિલ્લા વહિવટી તંત્રની સંવેદનશીલ કામગીરી-અનાથ થયેલા પાંચ બાળકોને પાલક માતા પિતા યોજના અંતર્ગત દર મહિના અઢાર વર્ષ સુધી ૩૦૦૦ની સહાય ચૂકવશે

રાજ્ય સરકાર અનાથ બાળકોની પાલક માતા પિતા તરીકેની ભૂમિકા ભજવશેઃ મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા

માહિતી બ્યુરો, મોરબી,  મોરબી જિલ્લાના હળવદ જીઆઇડીસી ખાતે બનેલ દુર્ઘટનામાં અવસાન પામેલ ૧૨ શ્રમિકોના દુઃખદ અવસાન થયા હતા. જેમાં પાંચ બાળકો અનાથ (માતા-પિતા બન્ને ગુમાવેલ) થયા હતા.

જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલની રાહબરી હેઠળ સમગ્ર વહિવટી તંત્રએ સંવેદનશીલ અભિગમ દાખવીને શ્રમિકોના પરિવારજનો તેમજ અનાથ બાળકોને લાગુ પડતી તમામ યોજનાઓ અને સહાય ચૂકવવા માટે સુચના આપવામાં આવી હતી.

આ પ્રકારની દુઃખદ ઘટનામાં જિલ્લા વહિવટી તંત્રએ સંવેદનશીલતા દાખવીને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ થયેલા પાંચ બાળકોને તાત્કાલીક યોજના મંજૂર થાય તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનીલાબેન પીપળીયા દ્વારા આ મુદ્દે ટોંચ અગ્રતા આપીને

તાત્કાલીક સહાય મંજૂર થાય તે માટે જરૂરી આધારો સાથે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેની મંજૂરી મળતા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે સહાયના મંજૂરીપત્રો, બાળકોને શિક્ષણ કીટ એનાયત કરીને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા.

આ તકે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, જે દુર્ઘટનામાં ઘટી તેમાં પાલક માતા પિતા તરીકેની જવાબદારી સરકારશ્રીએ લીધી છે. અને દર મહિને ત્રણ હજાર રૂપિયા જમા કરાવવામાં આવશે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ તેમની મુલાકાત વેળાએ પણ વહિવટી તંત્રને પરિવાર પ્રત્યે સંવેદના દાખવીને જરૂરી તમામ પ્રકારની સહાય આપવા માટે તાકીદ કરી હતી.

રાજ્ય સરકાર પરિવારની પડખે જ છે અને પરિવારને આર્થિક અને સામાજિક હૂફના પરિપાક રૂપે રાજ્ય સરકારે તાત્કાલીક પાલક માતા પિતા અન્વયે સહાય મંજૂર કરી છે. આ તકે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ સમગ્ર કામગીરી બદલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનીલાબેન પીપળીયા તેમજ સમગ્ર વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

વધુમાં મંત્રીશ્રીએ આ તકે પોતાની સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભગવાન ક્યારેય કોઇની આવી કસોટી ન કરે. પરિવારના મોભી ગુમાવેલ બાળકો ભવિષ્યમાં તેજસ્વી બને અને પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવે તેવી મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ અભિલાષા વ્યક્ત કરી હતી.

પાલક માતા-પિતા યોજના અંતર્ગત આશાબેન ડાયાભાઇ ભરવાડ, ઊર્મિલાબેન ડાયાભાઇ ભરવાડ, હરિભાઇ ડાયાભાઇ ભરવાડ, પપ્પુભાઇ ડાયાભાઇ ભરવાડ અને લક્ષ્મી દિલીપભાઇ કોળીને મંજૂરી પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ યોજના અંતર્ગત લાભાર્થી બાળકના બેન્ક ખાતામાં રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીની ઉમર ૧૮ વર્ષની થાય ત્યાં સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયા જમા કરાવવામાં આવશે.

આ તકે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ, અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, હળવદ પ્રાંત અધિકારીશ્રી એમ.એ. ઝાલા, હળવદ મામલતદારશ્રી એન.એ. ભાટી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનીલાબેન પીપળીયા, અગ્રણીશ્રીઓ રણછોડભાઇ દલવાડી, રમેશભાઇ પટેલ, કેતનભાઇ દવે, ભાવેશભાઇ ઠક્કર, તપનભાઇ દવે, જશુબેન પટેલ, વાસુદેવભાઇ શીણોજીયા, અશ્વીનભાઈ કણઝારીયા, પાંચાભાઇ ભરવાડ, નાગજીભાઇ, વાસુદેવભાઇ સહિતના સ્થાનિક પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.