Western Times News

Gujarati News

બનાસકાંઠા જિલ્‍લામાં ૮-થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં આશરે ૬૯ ટકા મતદાન થયું

થરાદવાસીઓએ આનંદ અને ઉત્‍સાહપૂર્વક મતદાન કર્યુ
(માહિતી બ્‍યુરો પાલનપુર) વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૧૯ અન્‍વયે બનાસકાંઠા જિલ્‍લામાં ૮-થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં આશરે ૬૯ ટકા મતદાન સંપન્ન થયું હતું. થરાદના મતદારોએ આનંદ અને ઉત્‍સાહથી મતદાન કર્યુ હતું. સવારથી જ ઘણા સ્‍થળોએ મતદારોની લાંબી લાઇનો જોવા મળી હતી.

જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર થરાદ પ્રાંત અધિકારી અને વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રી વી.સી.બોડાણા દ્વારા ચૂંટણીલક્ષી તમામ વ્‍યવસ્‍થાઓ બહુ સારી રીતે ગોઠવવામાં આવી હતી.

દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

૮૦ ટકાથી વધુ દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ અને મોટી ઉંમરના અશક્ત વૃધ્ધ મતદારો માટે વાહનો મુકવામાં આવ્‍યા હતા. સરસ વાતાવરણમાં થરાદના મતદારોએ લોકશાહીના આ મહાન પર્વને સફળ બનાવવા આનંદ અને ઉત્‍સાહથી મતદાન કર્યુ હતું.

મતદારો અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ વગેરે માટે વહીવટીતંત્ર દ્વારા સારી વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. સમગ્ર મતદાન પ્રક્રિયા પર જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સંદીપ સાગલે, ભારતીય ચૂંટણીપંચ તરફથી નિયુક્ત થયેલ ઓબ્‍ઝર્વરશ્રી અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ બાજ નજર રાખી રહ્યા હતા.

થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ-૨,૧૭,૮૦૩ મતદારો છે. જેમાં પુરૂષ-૧,૧૫,૬૮૪ અને સ્ત્રી-૧,૦૨,૧૧૯ છે તથા ૬૧૩ દિવ્યાંગ મતદારો છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ વખતે ૮- થરાદ મતવિસ્તારના મતદારોની સંખ્યા કુલ-૨,૦૯,૧૮૩ હતી. હાલની સ્થિતિએ થરાદ વિધાનસભાના મતદારોની સંખ્યા કુલ-૨,૧૭,૮૦૩ છે. આમ ગઇ વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં કુલ-૮,૬૨૦ મતદારોનો વધારો થયો છે.

થરાદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૨૬૦ મતદાન મથકો છે. જેમાં મતદાન પ્રક્રિયા માટે ૨૮૬ પ્રિસાઇડીંગ ઓફીસર, ૨૮૬ પોલીંગ ઓફિસર-૧, ૨૮૬ પોલીંગ ઓફિસર-૨ અને ૧૬૮ માઇક્રો ઓબ્‍ઝર્વરોની નિમણુંક કરવામાં આવી હતી. પોલીંગ સ્‍ટાફને મતદાન મથકે લાવવા લઇ જવા માટે બસોની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા માટે પુરતી સંખ્‍યામાં પોલીસ અને સુરક્ષા દળના જવાનો તૈનાત કરવામાં આવ્‍યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.