Western Times News

Gujarati News

પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા પ્રધાનમંત્રી રાજકોટ આવશે

આટકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કે. ડી. પરવડીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે

જસદણ, જસદણ તાલુકાના આટકોટ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી રહ્યા હોય તૈયારીઓનો ધમધમાટ શરૂ છે. જસદણ તાલુકાના આટકોટ ખાતે રાજકોટ ભાવનગર હાઇવે ઉપર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત

કે. ડી. પરવડીયા મલ્ટી સ્પેશિયાલીટી (  managed by patidar Seva trust Atkot  Jasdan Rajkot Gujarat) હોસ્પિટલનું લોકાર્પણ કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી શનિવારે આવી આટકોટ આવી રહ્યા છે. આ કાર્યક્રમને લઇને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.

હોસ્પિટલની સામે જ વિશાલ અને અદ્યતન ડોમ બનાવવામાં આવ્યું છે. જેમાં દશ ફૂટ ઊંચા મંચ ઉપરથી વડાપ્રધાન મોદી સભાને સંબોધન કરશે. આ ડોમમાં ગરમીને ધ્યાને લઇને પંખા અને ફુવારા સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સમારોહમાં અંદાજે અઢીથી ત્રણ લાખ લોકો ઉમટી પડવાનો અંદાજ હોય એ પ્રકારે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સભા સ્થળની બાજુમાં જ તમામ લોકો માટે ભોજનની શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન સ્થળે જે કોઈ પણ વ્યક્તિ જાય ત્યારે માત્ર દસ જ મિનિટમાં તેમનાં હાથમાં ભોજનની ડીશ આવી જાય તે રીતની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આટકોટ ખાતે જસદણ રોડ ઉપર સરદાર ચોકડી નજીક વડાપ્રધાન મોદી માટે ત્રણ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે.

વાયુ સેનાનાં ખાસ વિમાન દ્વારા વડાપ્રધાન મોદી રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરાણ કરશે અને રાજકોટ એરપોર્ટ ઉપરથી વાયુ સેનાના ખાસ હેલિકોપ્ટર દ્વારા વડાપ્રધાન આટકોટ ખાતે આવશે હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા અને જસદણના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરાએ વડાપ્રધાનના આ કાર્યક્રમમાં આવવા માટે છેલ્લા દશ દિવસમાં જસદણ વિછીયાના તમામ 102 ગામડાઓમાં રૂબરૂ જઇને નાગરિકોને આમંત્રણ પાઠવ્યું હતું.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં પણ આમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમમાં બોટાદ, ઢસા, ચોટીલા, બાબરા, રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળોએથી લોકો સ્વયંભૂ ઉત્સાહભેર નરેન્દ્રભાઈને સાંભળવા આવવાના છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના ગુજરાતના તમામ સભ્યો ધારાસભ્યો, ગુજરાત સરકારના મંત્રીઓ, ભાજપના સૌરાષ્ટ્રના અનેક શહેરોના હોદેદારો, આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.